સિલ્વર (રસાયણશાસ્ત્ર) : આવર્તક કોષ્ટકના 11મા (અગાઉના Ib) સમૂહનું રાસાયણિક તત્ત્વ, કીમતી ધાતુઓ પૈકીની એક. સંજ્ઞા Ag. લૅટિન શબ્દ argentum (ચળકતું અથવા સફેદ) પરથી આ સંજ્ઞા લેવાઈ છે. અગાઉ તેમના ઉપયોગને કારણે ‘ચલણી ધાતુઓ (coinage metals)’ તરીકે ઓળખાતી ત્રણેય ધાતુઓ – કૉપર (તાંબુ), સિલ્વર અને ગોલ્ડ (સોનું) તત્ત્વીય અથવા પ્રાકૃતિક (native) સ્વરૂપમાં મળી આવે છે. ઈ. પૂ. 3400 આસપાસ ઇજિપ્તમાં સોનાના સિક્કા વપરાશમાં આવ્યા તે અગાઉ (ઈ. પૂ. 4000 આસપાસ) આ ધાતુઓ પ્રાચીન (primitive) નાણાં તરીકે ઉપયોગમાં લેવાઈ હશે. ઈ. પૂ. 3000 સુધીમાં (Asia Minor) ખર્પણર (cupellation) પદ્ધતિ વપરાશમાં આવી અને તેના પ્રસારને કારણે સિલ્વરનું ચલણ અગત્યનું બન્યું. ઈ. પૂ. 2850ના અરસામાં ચાલ્ડિયા (Chaldea) યુફ્રેટીસ નદીની પાસેનો પ્રાચીન પ્રદેશ)માં બનેલ ફૂલદાની (vase) લુવ્ર(ફ્રાંસ)ના સંગ્રહસ્થાનમાં છે.

પ્રાપ્તિ (occurrence) : પૃથ્વીના પોપડામાં સિલ્વરની વિપુલતા 0.08 ppm (parts per million) (લગભગ 10-6થી 10-5 %) જેટલી છે. મોટેભાગે તે મિશ્રધાતુ રૂપે તેમજ અયસ્કના રૂપમાં બીજી ધાતુઓ સાથે ગંધકના સંયોજન તરીકે મળી આવે છે. જોકે ક્વચિત્ તે મુક્ત સ્વરૂપમાં પણ મળી આવે છે. નૉર્વેમાં 680 કિગ્રા.નો એક ગઠ્ઠો મળી આવ્યાની નોંધ છે. સિલ્વરનું ઉત્પાદન કરતા મુખ્ય દેશોમાં મૅક્સિકો, પેરૂ, અગાઉના સોવિયેત સંઘ, યુ.એસ., કૅનેડા અને ઑસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. એક અંદાજ પ્રમાણે 1993માં ખનિજોમાંથી 10,000 ટન જેટલા સિલ્વરનું જે ઉત્પાદન થયું હતું તેમાં મૅક્સિકોનો ફાળો 19 %, અગાઉના સોવિયેત સંઘ, યુ.એસ. અને પેરુ – એ દરેકનો 13 %, જ્યારે ઑસ્ટ્રેલિયાનો ફાળો 9 % જેટલો હતો. સિલ્વરના મુખ્ય અયસ્કો નીચે પ્રમાણે છે :

(i) આર્જેન્ટાઇટ અથવા સિલ્વર ગ્લાન્સ (Ag2S);

(ii) સિલ્વર-કૉપર ગ્લાન્સ [(Cu, Ag)2S];

(iii) સીરાર્ગિરાઇટ (cerargyrite) અથવા હૉર્ન (horn) સિલ્વર (AgCl);

(iv) સ્ટીફનાઇટ (stephanite) અથવા રુબી સિલ્વર (5Ag2S·Sb2S5);

(v) પૉલિબેસાઇટ (polybasite) [9(Cu2S·Ag2S) (Sb2S3· As2S3)];

(vi) પ્રાઉસ્ટાઇટ (proustite) (3Ag2S·As2S3);

(vii) પાયરાગૉઇરાઇટ (3Ag2S·Sb2S3).

સિલ્વરનું નિષ્કર્ષણ : સિલ્વરના નિષ્કર્ષણ માટેની પદ્ધતિઓનો આધાર તેનાં ખનિજો(સ્રોતો)ના સ્વરૂપ અને રસાયણશાસ્ત્રના જે તે સમયના વિકાસ ઉપર રહેલો છે. હાલમાં સાયનાઇડ-વિધિ અને ધાતુઓના શુદ્ધીકરણની વિદ્યુતવિભાજનની પદ્ધતિ મુખ્યત્વે વપરાશમાં છે. ઐતિહાસિક અને ચાલુ વપરાશની દૃષ્ટિએ નીચેની પદ્ધતિઓ અગત્યની ગણી શકાય :

(i) ખર્પરણ(cupellation)-વિધિ

(ii) પેટિન્સનની વિધિ તથા પાર્કની વિધિ

(iii) સંરસીકરણ(amalgamation)-વિધિ

(iv) સાયનાઇડ-વિધિ

(i) ખર્પરણવિધિ : સીસા(લેડ)ના ખનિજ સાથે સિલ્વરના ખનિજને મેળવીને પ્રગલન (smelting) કરવાથી સીસા અને ચાંદીની મિશ્રધાતુ મળે છે. સામાન્ય રીતે સીસાના સલ્ફાઇડ ખનિજ ગેલેનામાં સિલ્વર અશુદ્ધ રૂપે હોય છે જ. લેડ-સિલ્વર મિશ્રધાતુમાં 1 % કરતાં વધુ સિલ્વર હોય ત્યારે તે વાપરી શકાય છે. સીસા-ચાંદીની મિશ્રધાતુને હાડકાંની રાખ, માટી તથા ચૂના અથવા સિમેન્ટમાંથી બનાવેલ છીછરાં પાત્ર(ખર્પર, વજ્ર, મૂષા, કુલડી, cupel)માં ભરીને ગરમ કરવામાં આવે છે અને ઉપરથી હવાનો જોરદાર પ્રવાહ પસાર કરવામાં (ફૂંકવામાં) આવે છે. આથી સીસાનું ઉપચયન થઈ લેડ ઑક્સાઇડ (લિથાર્જ, PbO) બને છે, જે હવાના પ્રવાહ સાથે ચાલ્યો જાય છે અને થોડો બાકી રહેલો લિથાર્જ કુલડીમાં શોષાઈ જાય છે જ્યારે સિલ્વર કુલડીના તળિયે પ્રવાહી રૂપમાં રહી જાય છે. આ રીતે 99.5 % જેટલું શુદ્ધ સિલ્વર મળે છે.

આ વિધિ લગભગ 2000 વર્ષ જૂની છે. પ્રથમ સદીના અરસામાં આ વિધિ સ્પેનમાં વપરાશમાં હોવાનો ઉલ્લેખ પ્લિનીએ કરેલ છે.

(ii) પેટિન્સનની વિધિ તથા પાર્કની વિધિ :

પેટિન્સનની વિધિ : આ પદ્ધતિ અનુસાર સિલ્વરયુક્ત લેડને પિગાળીને ધીમેથી ઠારતાં શુદ્ધ લેડ સ્ફટિક રૂપે અલગ થાય છે, જેને ઝારા વડે કાઢી લેવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા લેડ-સિલ્વર મિશ્રધાતુમાં સિલ્વરનું પ્રમાણ 2.4 % – 2.5 %થી વધુ વધારી શકાતું નથી. આથી સિલ્વરયુક્ત લેડમાં સિલ્વરનું પ્રમાણ વધારવા માટે પ્રાથમિક વિધિ તરીકે તેનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ પ્રાવસ્થા નિયમ (phase rule) ઉપર આધારિત છે. શુદ્ધ લૅડનું ગલનબિંદુ 327.4° સે. છે, જ્યારે 2.4 % સિલ્વર ધરાવતી મિશ્રધાતુનું ગલનક્રાંતિક (eutectic) બિંદુ 303° સે. હોઈ તે પીગળેલી અવસ્થામાં રહે છે. 9થી 10 જેટલાં લોખંડનાં કૂંડાં(pots)ની શ્રેઢીમાં આ વિધિ કરવાથી અંતમાં 2.4 % Agવાળી Pb-Ag મિશ્રધાતુ મળે છે. બાદમાં ખર્પરણ-વિધિ દ્વારા તેમાંથી સિલ્વર મેળવવામાં આવે છે.

પાર્કની વિધિ : 540° સે. તાપમાને જસત(ઝિંક)માં સીસા કરતાં સિલ્વર 300 ગણું વધુ જ્યારે પ્રવાહી સ્થિતિમાં જસત અને સીસું એકબીજાંમાં ઓછાં દ્રાવ્ય છે તે હકીકત પર આ વિધિ રચાયેલી છે. (પ્રવાહી સીસામાં જસતના 1.6 % અને જસતમાં સીસાના 1.2 % ઓગળે છે.) પિગાળેલા સિલ્વરયુક્ત સીસામાં 1-2 % જસત ઉમેરીને હલાવવાથી જસતમાં સિલ્વરની દ્રાવ્યતા વધુ હોવાથી સિલ્વર જસતમાં ઓગળે છે. આ સિલ્વરયુક્ત જસત હલકું હોઈ પ્રવાહી સીસાની ઉપર તરતું હોય છે. મિશ્રણને ઠંડું પાડી સિલ્વર-જસતના થરને ઝારા વડે કાઢી લેવામાં આવે છે. (જરૂર પડ્યે ફરીથી જસત ઉમેરી આ ક્રિયા વારંવાર કરવામાં આવે છે.) સિલ્વરયુક્ત જસતને ગરમ કરતાં ઊંચા તાપમાને જસતનું નિસ્યંદન થઈ તે ઊડી જાય છે જ્યારે સિલ્વર પાછળ રહી જાય છે. લગભગ 400 ગ્રા. સિલ્વરવાળા 1000 કિગ્રા. સીસામાંથી સિલ્વર મેળવવા 10 કિગ્રા. જસત વપરાય છે. પેટિન્સન-વિધિમાં મળતા સીસામાં 0.001 %-0.002 % Ag હોય છે, જ્યારે પાર્ક-વિધિમાં તેનું પ્રમાણ 0.004 % હોય છે.

(iii) સંરસીકરણવિધિ : સોળમી સદીમાં સ્પૅનિશ વિજેતાઓએ દક્ષિણ અને મધ્ય અમેરિકામાં સિલ્વરના ખનિજોની મોટી અનામતો શોધી કાઢેલી. આ સદીમાં મૅક્સિકોમાં દાખલ કરવામાં આવેલી પેટિયો વિધિ તરીકે ઓળખાતી આ પદ્ધતિ લગભગ 19મી સદીના અંત સુધી વપરાશમાં હતી. હાલમાં સાયનાઇડ-વિધિ બધે વપરાય છે.

સિલ્વરયુક્ત ધાતુ, તેના ક્લોરાઇડ (AgCl) કે સલ્ફાઇડ (Ag2S) અયસ્ક ધરાવતા ખનિજના બારીક ભૂકાનો પાણીમાં રગડો બનાવી તેમાં મીઠું, ભૂંજેલ (roasted) પાઇરાઇટિસ [જેમાં થોડા પ્રમાણમાં CuSO4 અને FeSO4 અથવા Fe2(SO4)3 હોય છે.] તથા પારો (મર્ક્યુરી, Hg) ઉમેરીને મિશ્રણને લાદી જડેલ જમીન (patio) ઉપર ખચ્ચરો ફેરવીને સારી રીતે ગૂંદવામાં આવે છે. કૉપર સલ્ફેટ અને મીઠા વચ્ચેની પ્રક્રિયામાં ઉત્પન્ન થતા ક્યુપ્રિક ક્લોરાઇડ (CuCl2) અને ચાંદીના અયસ્ક વચ્ચે નીચે પ્રમાણે પ્રક્રિયા થતાં અલગ પડતી ચાંદી પારા સાથે સંરસ (amalgam) બનાવે છે :

2CuCl2 + Ag2S = 2AgCl + 2CuCl + S

2CuCl + Ag2S = Cu2S + 2AgCl

AgCl + 2Hg = Ag + Hg2Cl2

સિલ્વર સંરસને કૅન્વાસની કોથળી વડે ગાળીને વધારાના પારાથી અલગ પાડી તેને લોખંડના પાત્ર(રિટોર્ટ, retort)માં ગરમ કરીને પારો નિસ્યંદન દ્વારા અલગ કરવામાં આવે છે, જ્યારે સિલ્વર અવશેષ રૂપે મળે છે.

(iv) સાયનાઇડવિધિ : ફીણ-ઉત્પ્લાવન (froth floatation) રીત વડે સંકેન્દ્રિત કરેલ ખનિજનું ભૂકારૂપમાં સોડિયમ સાયનાઇડના 0.4 ટકાના દ્રાવણ વડે નિક્ષાલન (leaching) કરવામાં આવે છે. દ્રાવણમાં હવાનો પ્રવાહ પસાર કરવામાં આવે છે. લગભગ બધું જ સિલ્વર સંકીર્ણ ક્ષાર, સોડિયમ આર્જેન્ટોસાયનાઇડ [NaAg(CN)2] રૂપે દ્રાવણમાં આવી જાય છે :

4Ag + 8NaCN + 2H2O + O2 (હવામાંનો) = 4 NaAg (CN)2 + 4NaOH

Ag2S + 4NaCN = 2NaAg(CN)2 + Na2S

સોડિયમ સલ્ફાઇડ (Na2S) હવામાંના ઑક્સિજન વડે સોડિયમ સલ્ફેટ(Na2SO4)માં ફેરવાય છે.

4Na2S + 2H2O + 5O2 = 2Na2SO4 + 4NaOH + 2S

દ્રાવણને ગાળીને તેમાં જસત જેવી વધુ સક્રિય ધાતુના ટુકડાઓ મૂકવાથી સિલ્વર અવક્ષિપ્ત થાય છે, જેને પિગાળીને ઢાળી લેવામાં આવે છે.

2NaAg(CN)2 + Zn = 2Ag + Na2Zn(CN)4

1960 પછી સિલ્વરનો વપરાશ કુદરતી ખનિજમાંથી કરાતાં તેના ઉત્પાદન કરતાં વધી જતાં તેની પુન:પ્રાપ્તિ (recovery) અગત્યની બની છે. વપરાઈ ગયેલી ફોટોગ્રાફિક ફિલ્મ, વપરાઈ ગયેલ ફોટોગ્રાફિક ડેવલપર, સિલ્વરયુક્ત ઔદ્યોગિક ભંગાર, જૂના સિક્કા, ઘરેણાં વગેરેમાંથી સિલ્વર પાછું મેળવાય છે. આ બધાંમાં રહેલ સિલ્વરને તેના દ્રાવ્ય ક્ષાર, સિલ્વર નાઇટ્રેટ(AgNO3)માં ફેરવીને દ્રાવણનું વિદ્યુતવિભાજન કરીને અથવા AgCl કે Ag2S જેવા અદ્રાવ્ય ક્ષારમાં રૂપાંતર કરી, તેનું અપચયન કરીને સિલ્વરને ધાતુ રૂપે અવક્ષિપ્ત કરાય છે.

1970 પછી સિલ્વરનું મોટાભાગનું (75 % જેટલું) ઉત્પાદન લેડ, કૉપર, ઝિંક અને નિકલ જેવી ધાતુઓના અયસ્કમાં રહેલ તેની અશુદ્ધિની પુન:પ્રાપ્તિ વડે મેળવાય છે; જેમ કે, કૉપરના વિદ્યુત-શુદ્ધીકરણ (electro-refining) દરમિયાન મળતો ઍનોડ-પંક (mud) સિલ્વર અને ગોલ્ડ ધાતુઓ ધરાવે છે, જેમાંથી આ ધાતુઓ પ્રાપ્ત કરી શકાય છે. આમ સિલ્વરનું ઉત્પાદન જે તે ધાતુના ઉત્પાદન સાથે પણ સંકળાયેલું છે.

ગુણધર્મો : શુદ્ધ સિલ્વર સફેદ, ચળકતી ધાતુ છે. બધી ધાતુઓમાં તે ગરમી અને વિદ્યુતની શ્રેષ્ઠ સુવાહક ધાતુ છે. તે ખૂબ ઘન-વર્ધનીય (malleable) અને પ્રતન્ય (ductile) હોઈ તેના 0.00025 મિમી. જેટલા પાતળા વરખ બનાવી શકાય છે. ઑક્સિજન પ્રત્યેની નિષ્ક્રિયતાને કારણે તે ગોલ્ડ અને પ્લૅટિનમની માફક ઉમદા (noble) ધાતુ ગણાય છે. ઊંચા તાપમાને પ્રવાહી સ્થિતિમાં તે પોતાના કદ કરતાં 20 ગણો ઑક્સિજન શોષી શકે છે, જે ધાતુ ઠંડી પડતાં ત્વરિત બહાર નીકળે છે, જેને રજતનું ઉદવમન (spitting of silver) કહે છે. તેના કેટલાક ગુણધર્મો બાજુની સારણીમાં દર્શાવ્યા છે.

રાસાયણિક દૃષ્ટિએ સિલ્વર નિષ્ક્રિય હોઈ તેના પર હવા, ભેજ, વરાળ તેમજ કાર્બન ડાયૉક્સાઇડની અસર થતી નથી. જોકે હવામાંના હાઇડ્રોજન-સલ્ફાઇડ(H2S)ની તેના પર અસર થતાં તેની સપાટી પર સિલ્વર-સલ્ફાઇડ(Ag2S)નું કાળું પડ બાઝતું હોવાથી તે ઝાંખી પડે છે. કાર્બન, નાઇટ્રોજન કે હાઇડ્રોજન સાથે તે સંયોજાતું નથી. ક્લોરિનની તેના પર ત્વરિત પ્રક્રિયા થાય છે; જ્યારે બ્રોમીન, આયોડિન અને ગંધકની ધીમી પ્રક્રિયા થાય છે. મંદ કે સાંદ્ર હાઇડ્રૉક્લોરિક ઍસિડ તેમજ મંદ સલ્ફ્યુરિક ઍસિડની તેના પર અસર થતી નથી; પરંતુ સાંદ્ર, ગરમ સલ્ફ્યુરિક ઍસિડ તથા મંદ તેમજ સાંદ્ર નાઇટ્રિક ઍસિડ સાથે ઝડપથી પ્રક્રિયા થાય છે :

2Ag + 2H2SO4 → Ag2SO4 + SO2 + 2H2O

Ag + 2HNO3 (સાંદ્ર) → AgNO3 + NO2 + H2O

3Ag + 4HNO3 (મંદ) → 3AgNO3 + NO + 2H2O

સારણી : સિલ્વરના કેટલાક ભૌતિક ગુણધર્મો

ગુણધર્મ મૂલ્ય
પરમાણુક્રમાંક 47
પરમાણુભાર 107.8682
કુદરતી સમસ્થાનિકો 2
ઇલેક્ટ્રૉનીય સંરચના [Kr]4d105s´
વિદ્યુત-ઋણતા 1.9
ધાતુ-વ્યાસ (પિ.મી.) 144
પ્રથમ આયનીકરણ ઊર્જા (કિ.જૂ./મોલ) 730.8
ગ.બિં. (° સે.) 961
ઉ.બિં. (° સે.) 2155
ઘનતા (20° સે.) (ગ્રા./ઘ.સેમી.) 10.49
વિદ્યુતીય અવરોધકતા (20° સે.) ( μ. ઓહ્મ-સેમી.) 1.59
ઇલેક્ટ્રૉન-બંધુતા (કિ.જૂ./મોલ) (electron affinity) 125.6
ΔHfus (કિ.જૂ./મોલ) 11.1
ΔHvap (કિ.જૂ./મોલ) 258 (± 6)
 (વૉલ્ટ) + 0.799

હવાની હાજરીમાં સાંદ્ર હાઇડ્રૉક્લોરિક ઍસિડની તેના પર અસર થાય છે :

 4Ag + 4HCl + O2 → 4AgCl + 2H2O

કૉસ્ટિક આલ્કલી(દ્રાવણ કે પીગળેલા)ની સિલ્વર પર અસર થતી નથી. એમોનિયા અને પોટૅશિયમ સાયનાઇડ સાથે તે સંકીર્ણ ક્ષારો બનાવે છે :

4Ag + 8CN + O2 + 2H2O → 4[Ag(CN)2] + 4OH

સંયોજનો : (i) સિલ્વર ઑક્સાઇડ (Ag2O) : સિલ્વરના લવણના દ્રાવણમાં સોડિયમ હાઇડ્રૉક્સાઇડ કે પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડનું દ્રાવણ ઉમેરતાં Ag2O અવક્ષિપ્ત થાય છે :

2AgNO3 + 2NaOH → Ag2O + 2NaNO3 + H2O

તે પાણીમાં અદ્રાવ્ય છે. ગરમ કરતાં તે વિઘટન પામે છે.

2Ag2 4Ag + O2

એમોનિયા સાથે તે દ્રાવ્ય સંકીર્ણ ક્ષાર બનાવે છે.

Ag2O + 4NH4OH → 2Ag(NH3)2OH + 3H2O

આ સંકીર્ણ ક્ષારનું દ્રાવણ કાર્બનિક રસાયણમાં ઑક્સિજનકારક તરીકે વપરાય છે; દા.ત., ગ્લુકોઝનું ઉપચયન થવાથી સિલ્વરના કાળા અવક્ષેપ મળે છે.

(ii) સિલ્વર કાર્બોનેટ (Ag2CO3) : સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ ઉમેરતાં પીળા રંગનો સિલ્વર કાર્બોનેટ અવક્ષિપ્ત થાય છે :

2AgNO3 + Na2CO3 → Ag2CO3 + 2NaNO3

ગરમ કરતાં (200° સે. જેટલા નીચા તાપમાને) તે વિઘટન પામે છે :

Ag2CO3 → Ag2O + CO2

2Ag2O → 4Ag + O2

(iii) સિલ્વર નાઇટ્રેટ (AgNO3) : આ સૌથી અગત્યનો સિલ્વર-ક્ષાર છે. સિલ્વર ઉપર નાઇટ્રિક ઍસિડની પ્રક્રિયા દ્વારા તે મેળવાય છે :

Ag + 2HNO3 → AgNO3 + NO2 + H2O

તે રંગવિહીન, સ્ફટિકમય, પાણી અને આલ્કોહૉલમાં દ્રાવ્ય પદાર્થ છે. ગ.બિં. 212° સે. પ્રકાશની અસર હેઠળ તેનું વિઘટન થતાં તે કાળું પડે છે. કાગળ, બૂચ કે ત્વચા વડે પણ તે વિઘટન પામે છે અને ધાતુરૂપ સિલ્વરના કાળા ડાઘા પડે છે. ત્વચા માટે દાહક હોઈ કીમિયાગરો તેને લ્યુનર કૉસ્ટિક (Lunar caustic) તરીકે ઓળખતા હતા. એમોનિયા સાથે તે પ્રથમ ભૂખરા રંગના Ag2Oના અવક્ષેપ ઉત્પન્ન કરે છે, જે વધુ એમોનિયામાં સંકીર્ણ બનવાને લીધે ઓગળી જાય છે.

પ્રયોગશાળામાં તે પ્રક્રિયક તરીકે, દવામાં દાહક તરીકે, વાળ રંગવામાં તથા આંખો માટેની દવામાં વપરાય છે. સિલ્વરનો ઢોળ ચઢાવવા માટે પોટૅશિયમ સાયનાઇડ સાથે તેનો ઉપયોગ થાય છે.

(iv) સિલ્વરનાં હેલાઇડ લવણો : સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં હેલોજન ઍસિડ (HX; X= Cl, Br કે I) અથવા હેલાઇડ લવણો(દા.ત., NaCl)નું દ્રાવણ ઉમેરવાથી સિલ્વર હેલાઇડ અવક્ષિપ્ત થાય છે.

AgNO3 + HX → AgX + HNO3

સિલ્વર ક્લોરાઇડ (AgCl) સફેદ, જ્યારે AgBr અને AgI આછા પીળા રંગના હોય છે. ત્રણેય પાણીમાં અને નાઇટ્રિક ઍસિડમાં અદ્રાવ્ય છે. આથી વિરુદ્ધ સિલ્વર ફ્લોરાઇડની પાણીમાં દ્રાવ્યતા 25° સે.એ 1800 ગ્રા./લિ. જેટલી છે. એમોનિયામાં AgCl સારો એવો, જ્યારે AgBr થોડા પ્રમાણમાં દ્રાવ્ય થાય છે. AgI દ્રાવ્ય થતો નથી :

AgCl + 2NH3 → [Ag(NH3)2] Cl

સિલ્વરનાં અદ્રાવ્ય લવણો પોટૅશિયમ સાયનાઇડ (KCN) અને સોડિયમ થાયૉસલ્ફેટ(Na2S2O3)માં દ્રાવ્ય હોય છે :

AgCl + 2KCN → K [Ag(CN)2] + KCl

પોટૅશિયમ આર્જેન્ટિસાયનાઇડ

(v) સિલ્વર સલ્ફેટ (Ag2SO4) : સિલ્વરને સંકેન્દ્રિત સલ્ફ્યુરિક ઍસિડ સાથે ગરમ કરવાથી બને છે :

2Ag + H2SO4 → Ag2SO4 + SO2 + H2O

ગરમ કરતાં તે વિઘટન પામે છે.

Ag2SO4 → 2Ag + SO2 + O2

(vi) સિલ્વર સલ્ફાઇડ (Ag2S) : કુદરતમાં તે આર્જેન્ટાઇટ અથવા સિલ્વર-ગ્લાન્સ તરીકે મળી આવે છે. સિલ્વરના ક્ષારના દ્રાવણમાં હાઇડ્રોજન સલ્ફાઇડ (H2S) વાયુ પસાર કરવાથી અથવા તેનું દ્રાવણ ઉમેરવાથી કાળા અવક્ષેપ રૂપે મળે છે.

2AgNO3 + H2S → Ag2S + 2HNO3

તે એમોનિયમ હાઇડ્રૉક્સાઇડ અને મંદ ઍસિડમાં અદ્રાવ્ય છે, પણ KCNના દ્રાવણમાં દ્રાવ્ય છે.

સિલ્વરના સેલિનાઇડ અને ટેલ્યુરાઇડ ધાત્વિક ગુણ ધરાવે છે. સિલ્વર ટેલ્યુરાઇડ (AgTe ∼ 3) નીચા તાપમાને અતિવાહક (super-conductor) છે.

AgNO3 + KClનું 300° સે. તાપમાને ફ્લોરિનેશન કરવાથી K[AgF4] સંકીર્ણ મળે છે. AgI ક્ષારોનું જલીય દ્રાવણમાં લિગેન્ડની હાજરીમાં  વડે ઉપચયન કરવાથી [Ag(py)4]2+ અને [Ag(bipy)2]2+ જેવાં સંકીર્ણો પણ મેળવી શકાયાં છે.

ઉપયોગો : સિલ્વરનો ઉપયોગ ચલણી સિક્કા, ઘરેણાં અને વાસણો બનાવવામાં; વિદ્યુતઢોળ ચડાવવામાં અને અરીસા બનાવવામાં થાય છે. આ ઉપરાંત ફોટોગ્રાફી માટેની ફિલ્મ, પ્લેટ તેમજ કાગળ બનાવવામાં પણ તેનાં લવણો વપરાય છે. (ઉત્પાદિત સિલ્વરનો લગભગ ત્રીજો ભાગ આ માટે ઉપયોગમાં લેવાય છે.) આલ્કલીય આલ્બુમિન દ્રાવણ વડે સ્થાયી બનાવેલ કલિલી (colloidal) સિલ્વરનું દ્રાવણ પ્રોટાર્ગોલ (protargol) તરીકે ઓળખાય છે, જે આંખની દવામાં વપરાય છે. દંતીય સંરસ (dental amalgam) (સિલ્વર અને મર્ક્યુરીની મિશ્રધાતુ, Hg/γ  – Ag3Sn) બનાવવા માટે પણ તે વપરાય છે. ઉચ્ચ ક્ષમતાવાળી Ag – Zn અને Ag – Cd બૅટરીમાં પણ તેનો ઉપયોગ થાય છે. અન્ય ધાતુઓ કરતાં સિલ્વરની વિદ્યુતવાહકતા વધુ હોવાથી વિદ્યુતીય અને ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગમાં તાર અને અન્ય વસ્તુઓ માટે તે ઉપયોગમાં લેવાય છે. જીવાણુઓનો નાશ કરવામાં મદદરૂપ હોવાથી શસ્ત્રવૈદ્યો (surgeons) વાઢકાપ દરમિયાન તેની પાતળી પ્લેટો, તાર અને નિષ્કાસ (drainage) નળીઓનો ઉપયોગ કરે છે. બેરિંગો બનાવવામાં પણ Ag – Cd મિશ્રધાતુ વપરાય છે.

કસોટી : શુષ્ક (dry) પરીક્ષણમાં સિલ્વરના ક્ષારને સોડિયમ કાર્બોનેટ સાથે કોલસા ઉપર ફૂંકણીથી ગરમ કરતાં સિલ્વરનો ચળકતો મણકો (bead) મળે છે, જે નાઇટ્રિક ઍસિડ(HNO3)માં દ્રાવ્ય હોય છે. આર્દ્ર પરીક્ષણમાં સિલ્વરનાં લવણ(દા.ત., AgNO3)ના દ્રાવણમાં HCl કે NaCl ઉમેરતાં AgClના સફેદ અવક્ષેપ મળે છે, જે HNO3માં અદ્રાવ્ય પણ એમોનિયામાં દ્રાવ્ય થાય છે. અન્ય આર્દ્ર કસોટીમાં સિલ્વર-લવણના દ્રાવણમાં પોટૅશિયમ ક્રૉમેટ (K2CrO4) ઉમેરવામાં આવતાં સિલ્વર ક્રૉમેટના લાલ રંગના અવક્ષેપ મળે છે, જે HNO3માં દ્રાવ્ય, પરંતુ એસેટિક ઍસિડમાં અદ્રાવ્ય હોય છે.

જ. જ. ત્રિવેદી

કલ્પેશ સૂ. પરીખ