સિલ્ચર (Silchar) : આસામ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 24° 49´ ઉ. અ. અને 92° 48´ પૂ. રે.. આ નગર બાંગ્લાદેશની સરહદ નજીક સુરમા નદીને કાંઠે વસેલું છે. તે કાચાર જિલ્લાનું વહીવટી મથક છે.
અહીં સુરમા નદીના ખીણવિસ્તારમાં ડાંગર અને અન્ય કૃષિપેદાશોનું તથા ટેકરીઓના ઢોળાવો પર તૈયાર કરેલા સીડીદાર ભાગોમાં ચાનું ઉત્પાદન લેવાય છે. આ નગર ખાતે પોચાં લાકડાંમાંથી કાગળ બનાવવાનો અને ચા ભરવાનાં ખોખાં બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે.
આ નગર શિલોંગ-મેઘાલય, ઇમ્ફાલ-મણિપુર, ઐઝલ-મિઝોરમ અને અગરતલા-ત્રિપુરા સાથે પાકા રસ્તાઓથી જોડાયેલું છે. ઉત્તર કાચાર જિલ્લામાંથી આવતા રેલમાર્ગ પર સિલ્ચર અંતિમ રેલમથક છે. અહીં હવાઈ મથકની સુવિધા પણ ઉપલબ્ધ છે.
સિલ્ચરમાં આસામ યુનિવર્સિટી સંકુલ તથા તબીબી કૉલેજ આવેલાં છે. આ નગરમાં પ્રાચીન ભવ્યતા રજૂ કરતાં મંદિરો તથા અવશેષો આવેલાં છે. નગરથી નૈર્ઋત્યમાં આશરે 15 કિમી.ને અંતરે શ્રીકોણ માર્ગ પરની એક નાની ટેકરીને મથાળે પાષાણ-નિર્મિત મંદિર ખંડિયેર હાલતમાં જોવા મળે છે, તેમાં દેવ-દેવીઓનાં તૂટેલાં શિલ્પો તેમજ કંડારેલા પાષાણો પણ છે. 1772-1780 દરમિયાન કાચારી રાજા લક્ષ્મીચંદ્રે આ મંદિર બંધાવેલું હોવાનું કહેવાય છે. આ કારણે આ સ્થળ અહીંના સ્થાનિક લોકોમાં લખી ટિલ્લા નામથી ઓળખાય છે. આ ઉપરાંત, મૂળ અયોધ્યા-નિવાસી સંત ભગવાનદાસ રામાયતીએ આશરે 1846માં સ્થાપેલું એક જૂનું મંદિર સિલ્ચરના મધ્ય ભાગમાં પણ આવેલું છે. અંગ્રેજો આ વિસ્તારમાં આવ્યા ત્યારે પણ બંગાળીઓએ અહીં ઘણાં વૈષ્ણવ મંદિરો બાંધેલાં. સિલ્ચરથી દક્ષિણે આશરે 48 કિમી. અંતરે આવેલી ભુવન ટેકરીમાંથી મળી આવેલી કહેવાતી, પાષાણમાંથી બનાવેલી હનુમાનજીની સુંદર મૂર્તિ આ નગરના મદનમોહન જીવ તારાપુર મંદિરમાં જોવા મળે છે. આ ટેકરી પર મધ્ય યુગની શિવ અને દુર્ગાની પાષાણની મૂર્તિઓ પણ છે. શિવરાત્રી ટાણે ઘણા ભક્તો આ મૂર્તિઓના દર્શનાર્થે આવે છે.
જાહ્નવી ભટ્ટ