સિલોમેલેન (Psilomelane) : મૅંગેનીઝનું ધાતુખનિજ. રાસાયણિક બંધારણ : BaMn2+ MnO16(OH)4. સ્ફટિકવર્ગ : મૉનોક્લિનિક. સ્ફ. સ્વરૂપ : દળદાર, દ્રાક્ષના ઝૂમખાસમ, વૃક્કાકાર, અધોગામી સ્તંભો રૂપે, વલયાકાર પટ્ટા રૂપે, મૃણ્મય. સંભેદ : અનિર્ધારિત. રંગ : કાળાથી માંડીને પોલાદ જેવો રાખોડી, અપારદર્શક. ચૂર્ણ-રંગ : કથ્થાઈ-કાળાથી કાળો, ચમકવાળો. ચમક : આછી ધાત્વિક, નિસ્તેજ. કઠિનતા : 5થી 6, મૃણ્મય પ્રકારોમાં આછી. વિ. ઘ. : 6.45 (ગણતરી મુજબ), સામાન્યત: 3.7થી 4.7.

સિલોમેલેન

પ્રાપ્તિસ્થિતિ : મુખ્યત્વે અવશિષ્ટ નિક્ષેપો તરીકે; મૅંગેનીઝ-કાર્બોનેટ અને સિલિકેટના ખવાણ દ્વારા બનતી પરિણામી ખનિજ-પેદાશ તરીકે; ચૂનાયુક્ત તેમજ ડોલોમાઇટયુક્ત ખડકોમાં વિસ્થાપન-નિક્ષેપો તરીકે. સરોવરજન્ય નિક્ષેપો, પંકનિક્ષેપો અને માટીમાં તે કંકર-સ્વરૂપે પણ મળે. પાયરોલ્યુસાઇટ ખનિજ સાથે બહોળા પ્રમાણમાં સંકળાયેલી સ્થિતિમાં જોવા મળે.

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., સ્કૉટલૅન્ડ, સ્વીડન, બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, ભારત જેવા દેશો.

ગિરીશભાઈ પંડ્યા