સિલો, ગિલ દે (જ. ?, ઉર્લિયૉન્સ/ઉર્લાઇન્સ/ઑર્લિન્સ/એમ્બેરસ, સ્પેન; અ. આશરે 1501, સ્પેન) : સ્પેનનો પંદરમી સદીનો સૌથી મહાન શિલ્પી. ગિલ દે સિલોના પૂર્વજો, તેનું બાળપણ અને જન્મસ્થળ – આ બધાં વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. એમનું જન્મસ્થળ ચાર-પાંચ વૈકલ્પિક સ્થળોમાંથી ગમે તે એક હોવાનું માનવામાં આવે છે. એક માન્યતા મુજબ એમનું મૂળ નામ એબ્રેહેમ દ નૂર્ન્બર્ગ હતું અને એલોન્સો દ કાર્તાજિના તેમને સ્પેન લઈ આવેલો. શિલ્પ કંડારવાની તેમની શૈલી પરથી એ માનવું મુશ્કેલ નથી કે એ મૂળ ફ્લૅન્ડર્સ કે દક્ષિણ જર્મનીથી સ્પેન જઈ વસ્યા હોય.
ગિલ દે સિલોએ કંડારેલાં શિલ્પોમાંથી આજે જૂજ મોજૂદ છે. આ મોજૂદ શિલ્પોમાં નીચેનાંનો સમાવેશ થાય છે :
(1) રાજા જૉન બીજાનું કબર પર ગોઠવેલું શિલ્પ; (2) રાજા જૉન બીજાની રાણી ઇઝાબેલા ઑવ્ પોર્ટુગલનું કબર પર ગોઠવેલું શિલ્પ; (3) મિરા ફ્લોરેસ મઠમાં વેદી પર ગોઠવેલું શિલ્પ; (4) રાજકુંવર ઇન્ફાન્તે એલ્ફોન્સો તથા જુવાન દે પાદિલાની કબરો પર કોતરેલાં શિલ્પ.
સિલોએ કંડારેલાં શિલ્પ બારીક વિગતોથી પ્રચુર છે. તેમાંની શણગારાત્મક લઢણો ગૉથિક શૈલીના અંતિમ તબક્કાની છે.
અમિતાભ મડિયા