સિલો, ડિયેગો દે (. આશરે 1495, બુર્ગોસ, સ્પેન; . 22 ઑક્ટોબર 1563, ગ્રેનેડા, સ્પેન) : સ્પૅનિશ રેનેસાંસ-શિલ્પી અને સ્થપતિ. પિતા ગિલ દે સિલો સ્પેનના મહાન શિલ્પી હતા. પિતા પાસે શિલ્પકલાનો અભ્યાસ કરી ડિયેગો દે સિલોએ ફ્લૉરેન્સ જઈ વધુ અભ્યાસ આદર્યો. એમની શૈલી એમની કર્મભૂમિ બુર્ગોસને કારણે ‘બુર્ગોસ-પ્લેટેરસ્ક’ નામે જાણીતી થઈ. તેમાં માઇકેલૅન્જેલોની ઇટાલિયન રેનેસાંસની લઢણો, ગૉથિક લઢણો તથા સ્પૅનિશ મુસ્લિમ મૂર-મુદેહાર (Moor-Mudejar) લઢણોનું મિશ્રણ જોવા મળે છે.

શિલ્પી બાથૉર્લૉમે ઑર્ડોનેઝ સાથે મળીને 1514માં ડિયેગો દે સિલોએ નેપલ્સના જિયોવાની કાર્બોનારા કેથીડ્રલની વેદી માટે શિલ્પ કંડાર્યું. પછી તેમની નામના પ્રસરી. શિલ્પો કંડારવાં ઉપરાંત સ્થાપત્યક્ષેત્રે પણ તેમનું નામ થયું. સાન્તા મારિયા દેલ કામ્પોના મિનાર અને ગ્રેનેડા કેથીડ્રલ તેમની સ્થાપત્યક્ષેત્રની પ્રારંભિક રચનાઓ છે. ગ્રેનેડા કેથીડ્રલ તો તેમની શ્રેષ્ઠ સ્થાપત્યરચના ગણાય છે. એ પછી તેમણે બુર્ગોસ કેથીડ્રલની રૂપરચના (ડિઝાઇન) તૈયાર કરી. બુર્ગોસ કેથીડ્રલની સીડી (staircase) તેની ભવ્યતા માટે જાણીતી છે. કેથીડ્રલોની દીવાલો પર તેઓ શિલ્પ કંડારતા અને દીવાલોશિલ્પોને સોનાના વરખ અને રંગોથી લેપિત કરતા. તેમનાં અંતિમ સ્થાપત્યોમાં ઉબેડા ખાતેના સાલ્વાડોર ચર્ચનો લોજા ખાતેના સાન ગ્રેબ્રિયલ ચર્ચ તથા ગોડિયા ખાતેના ગોડિયા કેથીડ્રલનો સમાવેશ થાય છે. સ્થાપત્યક્ષેત્રે તેમણે ઇટાલિયન રેનેસાંસ સિદ્ધાંતોનો ચુસ્ત અમલ કરવાની હિમાયત કરેલી, છતાં તેમનાં સ્થાપત્યમાં ગૉથિક અને સ્પેનની મુદેહાર શૈલીઓનો પણ યોગ જોવા મળે છે.

અમિતાભ મડિયા