સિલેસ્ટ્રેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી – બિંબપુષ્પી (Disciflorae), ગોત્ર – સિલેસ્ટ્રેલ્સ, કુળ – સિલેસ્ટ્રેસી. વિલિસ(1969)ના મંતવ્ય મુજબ, આ કુળ 45 પ્રજાતિઓ અને 500 જેટલી જાતિઓનું બનેલું છે. બૉટેનિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના સર્વેક્ષણ મુજબ તે 55 પ્રજાતિઓ અને 850 જેટલી જાતિઓ ધરાવે છે. ભારતમાં આ કુળની 11 પ્રજાતિઓ અને 64 જેટલી જાતિઓ મળી આવે છે; તે પૈકી 11 જાતિઓ ભારતીય દ્વીપકલ્પ(Indian Peninsula)ની સ્થાનિક (endemic) છે. ગુજરાતમાં તેની 3 પ્રજાતિઓ અને 3 જાતિઓ નોંધાયેલી છે. આ કુળની મોટાભાગની જાતિઓ સમશીતોષ્ણ કટિબંધમાં વિતરણ પામેલી છે.

આ કુળની વનસ્પતિઓ વૃક્ષ કે ક્ષુપ-સ્વરૂપે જોવા મળે છે. કેટલીક જાતિઓ આરોહી વળવેલ સ્વરૂપ ધરાવે છે; દા.ત., માલકાંકણી (Celastrus). વિકળા(Maytenus)માં કંટકો પર પુષ્પો વિકાસ પામે છે. પર્ણો સાદાં, એકાંતરિક કે સંમુખ અને ઉપપર્ણીય (stipulate) હોય છે. ઉપપર્ણો નાનાં અને શીઘ્રપાતી કે ગેરહાજર હોય છે. પુષ્પવિન્યાસ કક્ષીય પરિમિત પ્રકારનો જોવા મળે છે. પુષ્પ નિયમિત, નાનાં, સફેદ-લીલા રંગનાં, ઉભયલિંગી, કોઈ વાર કાર્યશીલતાની દૃષ્ટિએ એકલિંગી અને અધોજાયી (hypogynous) હોય છે. વજ્ર 4-5 વજ્રપત્રોનું બનેલું હોય છે. વજ્રપત્રો તલસ્થ ભાગેથી જોડાયેલા અને કોરછાદી (imbricate) હોય છે. દલપુંજ 4-5 દલપત્રોનો બનેલો, મુક્ત અને કોરછાદી હોય છે. પુંકેસરચક્ર 4-5 (ભાગ્યે જ 10) પુંકેસરોનું બનેલું હોય છે. પુંકેસરો દલપત્રોને એકાંતરે ગોઠવાયેલાં અને બિંબના તળિયેથી વિકસતાં હોય છે. પરાગાશય દ્વિખંડી હોય છે અને તેનું સ્ફોટન લંબવર્તી રીતે થાય છે. સ્ત્રીકેસરચક્ર 2-5 યુક્ત સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ, 2-5 કોટરીય હોય છે. પ્રત્યેક કોટરમાં 1-2 અંડકો અક્ષવર્તી જરાયુ પર ગોઠવાયેલાં હોય છે. પરાગવાહિની એક, ટૂંકી અને પરાગાસન સાદું કે સમુંડ (capifate) કે 2-5 ખંડોવાળું હોય છે. ફળ પ્રાવર (capsule) કે અષ્ઠિલ (drape) પ્રકારનું જોવા મળે છે. બીજ સફેદ રંગનો માવાયુક્ત બીજોપાંગ (aril) ધરાવે છે. ભ્રૂણ ભ્રૂણપોષ (endosperm) વડે ઘેરાયેલો હોય છે.

પુષ્પીય સૂત્ર : ⊕, , K(4-5), C4-5, A4-5, G(2-5)

આકૃતિ : સિલેસ્ટ્રેસી : સિલેસ્ટ્રસ એર્બિક્યુલેટસ : (અ) પર્ણો, (આ) પુષ્પનો ઊભો છેદ,

(ઇ) પુષ્પના ઊભા છેદમાં સ્ત્રીકેસરચક્ર, (ઈ) બીજાશયનો આડો છેદ, (ઉ) પુષ્પવિન્યાસ (ફળસહિત).

આ કુળની આર્થિક અગત્યની વનસ્પતિઓ આ પ્રમાણે છે :

(1) માલકાંકણી(Celastrus paniculatus)ની વેલ ગુજરાતના ડુંગરાળ પ્રદેશો(ચોટીલા, ગિરનાર, પાવાગઢ)માં 1200 મી.ની ઊંચાઈએ થાય છે. પર્ણો અફીણના વિષનું શમન કરે છે. બીજ કડવાં, રેચક અને વમનકારી હોય છે. તેનો ઉકાળો તાવ મટાડે છે. તેને લસોટી અસ્થિભંગ પર લેપ લગાડવાથી દુખાવો મટે છે. બીજોપાંગમાંથી સિલાસ્ટ્રીન અને પેનિક્યુલેટિન નામના આલ્કેલૉઇડ પ્રાપ્ત થાય છે; જે ચેતાતંતુને ઉત્તેજિત કરે છે.

(2) વિકળો (Maytenus emarginatus) ગુજરાતમાં ક્ષુપ-સ્વરૂપે તારંગાથી બાલારામના વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં મળી આવે છે. તેનાં પર્ણોનો રસ ચર્મરોગ પર અકસીર છે. તે કમળામાં ઉપયોગી છે.

(3) ઇલિયોડેન્ડ્રોન, કેથા, જિમ્નોસ્પોરિયા, સિલેસ્ટ્રસ જેવી પ્રજાતિઓ ઉદ્યાનોમાં શોભાની વનસ્પતિઓ તરીકે ઉછેરવામાં આવે છે.

(4) Cassine glucaનું કાષ્ઠ ફર્નિચરમાં ઉપયોગી છે. તેના મૂળનો સર્પદંશમાં ઉપયોગ થાય છે.

(5) Catha edulisની પુષ્પકલિકાઓ અને પર્ણોનો ઉપયોગ અરેબિયન દેશોમાં ‘ખાટ’ (Khat) નામનું પીણું બનાવવામાં થાય છે.

(6) Kokoona zeylanicaના બીજમાંથી તેલ મેળવવામાં આવે છે.

(7) ઇલિયોડેન્ડ્રોન અમેરિકેનમ, ઈ. પુરપુરેન્સ, યુનોનેમસ ટિંગેન્સ, મેટિનસ બોનિયા, મે. ઇલિસિફોલિયા જેવી વનસ્પતિઓ ઔષધની દૃષ્ટિએ ઉપયોગી છે.

યોગેશ ડબગર