સિલીનિયમ (Selenium) : આવર્તક કોષ્ટકના 16મા (અગાઉના VI B) સમૂહનું રાસાયણિક તત્ત્વ. સંજ્ઞા Se. સ્વીડિશ વૈજ્ઞાનિક જે. જે. બર્ઝેલિયસ અને તેમના સાથી જે. જી. ગાહને જોયું કે સલ્ફ્યુરિક ઍસિડના ઉત્પાદન માટેની લેડ ચેમ્બર પ્રવિધિમાં ચેમ્બરના તળિયે રહી જતો અવસાદ (sediment) અણગમતી (offensive) વાસ આપે છે. ગંધકના દહન દરમિયાન મળતા આ લાલાશ પડતા તપખીરિયા રંગના નિક્ષેપ(deposit)નું સહેલાઈથી અપચયન થઈ શકે છે અને એક તત્ત્વ મળે છે. ચંદ્ર માટેના ગ્રીક શબ્દ ‘સિલીન’ (selene) ઉપરથી આ તત્ત્વને ‘સિલીનિયમ’ નામ આપવામાં આવ્યું હતું. 1873માં વિલફ્બી સ્મિથે આ તત્ત્વના વિદ્યુત-અવરોધમાં પ્રદીપનતીવ્રતા(intensity of illumination)માં વધારો થવા સાથે ઘટાડો થતો હોવાની શોધ કરી અને તેને લીધે પ્રકાશવૈદ્યુતિક (photoelectric) કોષ વિકસાવવામાં આવ્યો ત્યાં સુધી આ તત્ત્વ એક પ્રયોગશાળાકીય કુતૂહલ રહ્યું હતું.

ઉપસ્થિતિ (occurrence) : પૃથ્વીના પોપડામાં આ તત્ત્વનું પ્રમાણ 7  10-5 % જેટલું અને તત્ત્વોની વિપુલતામાં તેનો ક્રમ 66મો છે. કુદરતી અવસ્થામાં તે જવલ્લે જ ગંધક સાથે કોઈ કોઈ વાર મળી આવે છે. જોકે સામાન્ય રીતે અન્ય તત્ત્વોના સિલીનાઇડ તરીકે તે બર્ઝેલિયનાઇટ (berzelianite, Cu2Se), યુકેઇરાઇટ (eucairite, CuAgSe), ક્લોસ્થેલાઇટ (PbSe), નૉમેનાઇટ (naumannite, Ag2Se), ક્રૂકેસાઇટ [crookesite, (CuTlAg)2Se], જર્મોઇટ [jermoite, As(S, Se)2], સિલીનોલાઇટ (selenolite, SeO2) અને ઝોર્ગાઇટ (zorgite, PbCuSe; 31 % Se) જેવાં ખનિજોમાં મળી આવે છે.

સિલીનિયમની ખનિજો પૂરતા જથ્થામાં પ્રાપ્ત થતી ન હોવાથી કૅનેડા, યુ.એસ. અને અગાઉના સોવિયેત સંઘમાં મળી આવતા કૉપરના અયસ્કો તેના વ્યાપારી સ્રોત રહ્યા છે. વિદ્યુતવિભાજન દ્વારા કૉપરના શુદ્ધીકરણની પદ્ધતિમાં મળતો ઍનોડ અવપંક (slime) સિલીનિયમનો મહત્ત્વનો સ્રોત ગણાય છે. આ ઉપરાંત સલ્ફ્યુરિક ઍસિડના ઉત્પાદન દરમિયાન મળતા આપંક(sludge)માં તથા કેટલીક ભારે ધાતુઓના પ્રક્રમણ વખતે એકઠી થતી સ્થિતવૈદ્યુતિક (electrostatic) અવક્ષેપક-રજ(precipitator dust)માં પણ તેનો સારો એવો જથ્થો રહેલો હોય છે.

નિષ્કર્ષણ : સિલીનિયમ મુખ્યત્વે ઍનોડ અવપંકમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. આ ઉપરાંત તે સલ્ફ્યુરિક ઍસિડનાં સંયંત્રો-(plants)માં એકઠા થતા આપંકમાંથી તથા સ્થૈતવૈદ્યુતિક અવક્ષેપક-રજમાંથી પણ મેળવાય છે. આ અંગેની પદ્ધતિઓ સિલીનિયમ અને તેની સાથે મળતા ટેલ્યુરિયમ અને અન્ય અશુદ્ધિઓના પ્રમાણ પર આધાર રાખે છે. અવપંકમાંથી તે નીચેની રીતો વડે મેળવાય છે :

(i) () ઉપચયનપદ્ધતિ : ઍનોડ અવપંકનું ઉપચયનકારી વાતાવરણમાં ભર્જન (roasting) કરવાથી Se તેના ડાયૉક્સાઇડ-(SeO2)માં ફેરવાય છે. બાષ્પશીલ હોવાથી આને ધૂમ્રમાર્ગ(flue)માં એકઠો કરવામાં આવે છે. તેનું પાણીમાં દ્રાવ્ય બનાવી સલ્ફર ડાયૉક્સાઇડ વડે અપચયન કરવામાં આવે છે :

() આલ્કલી સંગલન (fusion) પદ્ધતિ : અવપંકને સોડિયમ હાઇડ્રૉક્સાઇડ અને સોડિયમ નાઇટ્રેટ સાથે પિગાળવાથી સિલીનિયમનું સિલીનાઇટમાં રૂપાંતર થાય છે :

Se + NaOH + 2NaNO3 → Na2SeO3 + 2NaNO2 + H2O

વિકલ્પે હવામાં સોડા ઍશ (Na2CO3) સાથે ભર્જન કરવામાં આવે છે.

પ્રાપ્ત થયેલ સિલીનાઇટનું પાણી વડે નિક્ષાલન (leaching) કરવામાં આવે છે. નિક્ષાલ(leach)નું સલ્ફ્યુરિક કે હાઇડ્રૉક્લોરિક ઍસિડ વડે તટસ્થીકરણ કરવાથી ટેલ્યુરિયમનું જળયુક્ત (hydrous) ડાયૉક્સાઇડ તરીકે અવક્ષેપન થાય છે જ્યારે સિલીનિયમ સિલીનસ (selenous) ઍસિડ (H2SeO3) રૂપે દ્રાવણમાં રહે છે :

Na2SeO3 + H2SO4 → H2SeO3 + Na2SO4

દ્રાવણને ગાળી તેની સલ્ફર ડાયૉક્સાઇડ સાથે પ્રક્રિયા કરતાં સિલીનિયમ રાખોડી રંગના પાઉડર (99.5 % Se) રૂપે પ્રાપ્ત થાય છે.

(ii) ધૂમ્રમાર્ગરજમાંથી : આયર્ન પાયરાઇટ ખનિજમાં સામાન્ય રીતે અલ્પ પ્રમાણમાં Se હોય છે. ખનિજના ભર્જન દરમિયાન સિલીનિયમની લાલ રંગની બાષ્પ સલ્ફર ડાયૉક્સાઇડની બાષ્પ સાથે ધૂમ્રમાર્ગમાં એકઠી થાય છે. આ ધૂમ્રમાર્ગ-રજમાંથી જુદી જુદી પદ્ધતિઓ વડે સિલીનિયમ મેળવી શકાય છે.

(અ) પોટૅશિયમ પરમૅંગેનેટ પદ્ધતિ : ધૂમ્રમાર્ગ-રજને શુદ્ધ પોટૅશિયમ પરમૅંગેનેટના પાઉડર સાથે 50°થી 60° સે. તાપમાને ગરમ કરવાથી સિલીનિયમ ડાયૉક્સાઇડ બને છે. સિલ્વરની અશુદ્ધિને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરી સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ તરીકે દૂર કરવામાં આવે છે. દ્રાવણને ગાળી, પાણી વડે મંદ બનાવી, ઍસિડિક બનાવ્યા બાદ સલ્ફર ડાયૉક્સાઇડ વડે અપચયન કરવાથી સિલીનિયમ પ્રાપ્ત થાય છે :

5Se + 4KMnO4 + 6H2SO4 → 5SeO2 + 4MnSO4

                                                          + 2K2SO4 + 6H2O

SeO2 + 2SO2 + 2H2O → Se + 2H2SO4

(આ) સલ્ફ્યુરિક ઍસિડ પદ્ધતિ : ધૂમ્રરજને બારીક વાટીને ધૂમા-યમાન સલ્ફ્યુરિક ઍસિડ સાથે ગરમ કરવાથી સિલીનિયમ ડાયૉક્સાઇડ બને છે, જે પાણી સાથે સિલીનસ ઍસિડ આપે છે. આવું સ્ફટિકીકરણ કરી સલ્ફર ડાયૉક્સાઇડ વડે અપચયન કરવામાં આવે છે :

Se + 2SO3 → SeO2 + 2SO2

SeO2 + H2O → H2SeO3

(ઇ) પોટૅશિયમ સાયનાઇડ પદ્ધતિ : ધૂમ્રરજને પોટૅશિયમ સાય-નાઇડ સાથે ગરમ કરવાથી દ્રાવ્ય પોટૅશિયમ સિલીનો-સાયનેટ મળે છે. તેમાં હાઇડ્રૉક્લોરિક ઍસિડ ઉમેરતાં સિલીનિયમના લાલ અવક્ષેપ મળે છે :

Se + KCN → KCNSe

KCNSe + HCl → KCl + HCN + Se

ઉપર દર્શાવેલી રીતો વડે પ્રાપ્ત થયેલ સિલીનિયમ થોડી અશુદ્ધિઓ ધરાવતું હોય છે. સિલીનિયમના વિદ્યુતીય અને પ્રકાશવૈદ્યુતિક ગુણધર્મો પર આ અશુદ્ધિઓની અસર થતી હોઈ ઉચ્ચ શુદ્ધિવાળું સિલીનિયમ મેળવવાનું જરૂરી બને છે. આ માટે મુખ્યત્વે નીચેની રીતો વપરાય છે :

(i) સિલીનિયમ ડાયૉક્સાઇડની બાષ્પની 600°થી 800° સે. તાપમાને પ્રક્રિયા કરવામાં આવે છે.

(ii) પીગળેલા સિલીનિયમમાં શુદ્ધ હાઇડ્રોજન પરપોટારૂપે પસાર કરવામાં આવે છે. આથી મળતા હાઇડ્રોજન સિલીનાઇડનું 1000° સે. તાપમાને વિઘટન કરવામાં આવે છે.

(iii) વ્યાપારી ધોરણે ઉચ્ચ શુદ્ધિવાળું સિલીનિયમ મેળવવા નિસ્યંદન એ સારામાં સારી પદ્ધતિ છે. આ રીતે મળતું તત્ત્વ 99.994 % શુદ્ધ હોય છે.

1995માં વિશ્વમાં સિલીનિયમનું ઉત્પાદન ~ 2000 ટન જેટલું હતું; જેમાં જાપાન, યુ.એસ. અને કૅનેડાનો ફાળો સૌથી વધુ હતો.

ગુણધર્મો : સિલીનિયમ એ રાખોડી રંગનું ધાત્વિક ચળકાટ ધરાવતું તત્ત્વ છે. તે છ અપરરૂપી (allotropic) સ્વરૂપો ધરાવે છે. આ સ્વરૂપોની ઘનતા 4.3થી 4.8 જેટલી હોય છે.

અપરરૂપતા (allotropy) : સંરચનાકીય રીતે સ્પષ્ટ એવા Seના ઓછામાં ઓછાં આઠ સ્વરૂપો જાણીતાં છે. ત્રણ લાલ એકનત (monoclinic) બહુરૂપકો (polymorphs) Se8 વલયોનાં બનેલાં હોય છે. અન્ય લાલ અપરરૂપો સાઇક્લો – Se6 અને સાઇક્લો – Se7 પણ સંશ્લેષિત કરવામાં આવ્યાં છે, જ્યારે વિષમચક્રીય (heterocyclic) તુલ્યરૂપો (analogues) સાઇક્લો – Se5S અને સાઇક્લો – Se6S પણ મેળવી શકાયાં છે.  – અને -સ્વરૂપો કાળા કાચમય સિલીનિયમના અનુક્રમે કાર્બન ડાઇસલ્ફાઇડમાંથી ધીમા અને બેન્ઝિન દ્રાવણમાંથી ઝડપી બાષ્પીભવન દ્વારા મળે છે, જ્યારે g-સ્વરૂપ ડાઇપિપેરિડિનોટેટ્રાસિલેન(dipiperidinotetra-selane)ની કાર્બન ડાઇસલ્ફાઇડ દ્રાવક સાથેની પ્રક્રિયાથી મળે છે :

એકનત સ્વરૂપોની સરેરાશ વિશિષ્ટ ઘનતા 4.5 હોય છે, જ્યારે Se – Se સરેરાશ અંતર 233.5 પિ.મી. હોય છે. (જુઓ આકૃતિ 1.)  અને  સ્વરૂપો CS2માં સારા એવા પ્રમાણમાં દ્રાવ્ય હોઈ દ્રાવણને લાલ રંગ આપે છે.

આકૃતિ 1 : એકનત (monoclinic) સિલીનિયમ

રાખોડી, ‘ધાત્વિક’, ષટ્ફલકીય સ્ફટિકરૂપ સર્પિલ (helical) બહુલકી શૃંખલા ધરાવે છે. તેની સ્ફટિક-રચના વાંકાચૂકા (zigzag) આકારની ખુરશી જેવી હોય છે. સિલીનિયમનું આ સૌથી વધુ સ્થાયી સ્વરૂપ છે. (જુઓ આકૃતિ 2.)

આકૃતિ 2 : રાખોડી ધાત્વિક સિલીનિયમ

Seનાં અન્ય સ્વરૂપોને ગરમ કરવાથી તે મળે છે, પીગળેલા Seને હળવેથી ઠંડું કરવાથી અથવા Seની બાષ્પને ગ.બિં. (220.5° સે.) કરતાં સહેજ નીચા તાપમાને સંઘનિત કરવાથી પણ તે મળે છે. આ એક જ સ્વરૂપ એવું છે કે જે વિદ્યુતનું વહન કરે છે. તે પ્રકાશવાહક (photoconductor) છે. તે CS2માં અદ્રાવ્ય અને તેની ઘનતા બધાં અપરરૂપોમાં સૌથી વધુ, 4.82 ગ્રા./ઘ.સેમી. છે.

લાલ અસ્ફટિકમય (amorphous) સિલીનિયમ તેની બાષ્પને ઠંડી સપાટી પર સંઘનિત કરવાથી અથવા સેલિનસ ઍસિડનાં જલીય દ્રાવણોમાંથી SO2 અથવા હાઇડ્રેઝિન હાઇડ્રેટ જેવા અપચયનકારી પદાર્થો વડે અવક્ષેપન કરવાથી મળે છે. તે વિદ્યુતવાહક નથી.

કાચસમ (vitreous), કાળું Se એ વ્યાપારી રીતે મળતું સ્વરૂપ છે. પીગળેલા Seને ઝડપથી ઠંડું પાડવાથી તે મળે છે. તે બરડ (brittle), અપારદર્શક (opaque), ભૂરાશ પડતા કાળા રંગનો ચળકતો ઘન પદાર્થ છે, જે ઘર્ષણ-વિદ્યુતનો ગુણ ધરાવે છે. તેની વિ. ઘનતા 4.5 છે. CS2માં તે કેટલેક અંશે દ્રાવ્ય છે.

તત્ત્વના કેટલાક ભૌતિક ગુણધર્મો સારણીમાં દર્શાવ્યા છે :

સારણી : સિલીનિયમના કેટલાક ભૌતિક ગુણધર્મો

ગુણધર્મ મૂલ્ય
પરમાણુક્રમાંક 34
ઇલેક્ટ્રૉનીય સંરચના [Ar] 3d104s24p4
પરમાણુભાર 78.96 (  0.03)
આયનીકરણ ઊર્જા (કિ.જૂ./મોલ) 940.7
પાઉલિંગ વિદ્યુતઋણતા 2.4
ઘનતા (25° સે.) – (ગ્રા./ઘ.સેમી.) 4.189 (હેક્ઝાગોનલ)

4.389 ( -મૉનોક્લિનિક)

ગ.બિં. (° સે.) 217
ઉ.બિં. (° સે.) 685
સ્થાયી સમસ્થાનિકો 6

રાસાયણિક દૃષ્ટિએ સિલીનિયમના ગુણધર્મો સલ્ફર અને ટેલ્યુરિયમ સાથે સામ્ય ધરાવે છે. સામાન્ય તાપમાને તે ઑક્સિજન સાથે પ્રક્રિયા કરતો નથી પણ હવા અથવા ઑક્સિજનની હાજરીમાં ગરમ કરતાં તે તેજસ્વી ભૂરા રંગની જ્યોત સાથે સળગે છે અને અણગમતી વાસ ધરાવતો ડાયૉક્સાઇડ આપે છે :

Se + O2 → SeO2

ઊંચા તાપમાને હાઇડ્રોજન સાથે સંયોજાઈ તે હાઇડ્રોજન સિલીનાઇડ (H2Se) આપે છે :

ઉપચયનકારી પદાર્થ કે ઓઝોનની હાજરીમાં પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી તે સિલીનિક ઍસિડ ઉત્પન્ન કરે છે. હાઇડ્રોજન પેરૉક્સાઇડ સાથે પણ તે આ ઍસિડ આપે છે.

હેલોજન તત્ત્વો સાથે સીધી પ્રક્રિયા કરી તે હેલાઇડ સંયોજનો આપે છે; જેમ કે, ફ્લોરિન સાથે તે ટેટ્રાફ્લોરાઇડ અને હેક્ઝાફ્લોરાઇડ આપે છે :

Se + 2F2 → SeF4

Se + 3F2 → SeF6

ક્લોરિન સાથે તે મૉનોક્લોરાઇડ અને ટેટ્રાક્લોરાઇડ ઉત્પન્ન કરે છે :

2Se + Cl2 → Se2Cl2

2Se2Cl2 → 3Se + SeCl4

આલ્કલી ધાતુઓ સાથે તે આલ્કલી સિલીનાઇડ અને પૉલિસિલીનાઇડ આપે છે. પીગળેલી સ્થિતિમાં તે ઍન્ટિમની, લેડ, બિસ્મથ, કૉપર, સિલ્વર અને ગોલ્ડ જેવી ધાતુઓ સાથે સંયોજાય છે.

સંયોજનો : સિલીનિયમ મુખ્યત્વે +2, +4 અને +6 ઉપચયન સ્થિતિ ધરાવતાં સંયોજનો બનાવે છે.

હાઇડ્રોજન સિલીનાઇડ (H2Se) : સિલીનિયમની હાઇડ્રોજન સાથેની સીધી પ્રક્રિયાથી (350° સે.થી ઊંચા તાપમાને), ઍલ્યુમિનિયમ સિલીનાઇડ(Al2Se3)ના જળવિભાજનથી અથવા આયર્ન સિલીનાઇડ ઉપર મંદ ખનિજ ઍસિડની પ્રક્રિયા દ્વારા અથવા સિલીનસ ઍસિડના નવજાત હાઇડ્રોજન વડે અપચયનથી મેળવી શકાય છે :

 Se + H2 → H2Se

 Al2Se3 + 6H2O → 3H2Se + 2Al(OH)3

 FeSe + 2HCl → H2Se + FeCl2

તે – 64° સે. ગ.બિં. અને – 41.7° સે. ઉ.બિં. ધરાવતો અણગમતી વાસવાળો, ઝેરી, જ્વલનશીલ વાયુ છે. હવામાં ભૂરી જ્યોતથી દહન પામી તે ડાયૉક્સાઇડ બનાવે છે. વળી તે હવા અને સલ્ફર સાથે પ્રક્રિયા કરી Se ધાતુ પણ છૂટી પાડે છે. હવામાં તેની સ્વીકૃત માત્રા 0.1 મિગ્રા./ઘ.મીટર છે. (HCN માટે 10 મિગ્રા./ઘ.મીટર.)

ઑક્સાઇડ સંયોજનો : Se ધાતુને હવામાં ગરમ કરતાં સફેદ સ્ફટિકમય, બાષ્પશીલ ડાયૉક્સાઇડ (SeO2) મળે છે. તેની વિ. ઘનતા 8.95 છે. તે પાણીમાં સરળતાથી ઓગળીને સિલીનસ ઍસિડ બનાવે છે. વાયુરૂપમાં તેનું બંધારણ સલ્ફર ડાયૉક્સાઇડ જેવું, જ્યારે ઘનરૂપમાં અસમતલીય (non-planar) અનંત સાંકળ જેવું હોય છે.

સિલીનિયમ ઑક્સિક્લોરાઇડના દ્રાવણનું ઉપચયન કરવાથી સિલીનિયમ ટ્રાયૉક્સાઇડ મળે છે; જે સફેદ, હવામાંના ભેજથી ઓગળે તેવો જલગ્રાહી પદાર્થ છે. તેનું જલીય દ્રાવણ ઍસિડિક હોય છે. તે 120° સે. તાપમાને વિઘટન પામી ઑક્સિજન વાયુ મુક્ત કરે છે.

હેલાઇડ સંયોજનો : સિલીનિયમની ફ્લોરિન સાથેની પ્રક્રિયાથી હેક્ઝાફ્લોરાઇડ અને ટેટ્રાફ્લોરાઇડ એમ મુખ્યત્વે બે પ્રકારનાં સંયોજનો મળે છે. હેક્ઝાફ્લોરાઇડ (SeF6) – 78° સે. તાપમાને સફેદ સ્ફટિકમય સ્વરૂપ ધરાવતો પદાર્થ છે. સિલીનિયમ ટેટ્રાફ્લોરાઇડ (SeF4) એ વિ. ઘ. 2.77, ગ.બિં. -13° સે. અને ઉ.બિં. 93° સે. ધરાવતું પ્રવાહી છે. પાણીમાં જળવિભાજન પામી તે હાઇડ્રૉફ્લોરિક ઍસિડ આપે છે.

સિલીનિયમ બે પ્રકારના ક્લોરાઇડ – મૉનોક્લોરાઇડ (Se2Cl2) અને ટેટ્રાક્લોરાઇડ – બનાવે છે. મૉનોક્લોરાઇડ ગરમ Se પર ક્લોરિનની પ્રક્રિયા દ્વારા જ્યારે ટેટ્રાક્લોરાઇડ મૉનોક્લોરાઇડ સાથે ક્લોરિનની પ્રક્રિયાથી મળે છે. મૉનોક્લોરાઇડ પીળા રંગનો જળવિભાજનનો ગુણ ધરાવતો ઘન પદાર્થ છે. ટેટ્રાક્લોરાઇડ તપખીરિયા રંગનું ચીકણું પ્રવાહી છે.

ઍસિડસંયોજનો : સિલીનિયમ બે પ્રકારના ઑક્સિ-ઍસિડ બનાવે છે : સિલીનસ અને સિલીનિક.

સિલીનસ ઍસિડ [O = Se(OH)2 અથવા H2SeO3] એ સફેદ ઘન પદાર્થ છે, જે સૂકી હવાના પ્રવાહમાં નિર્જળીકરણ પામી SeO2 આપે છે. SeO2ના જલીય દ્રાવણનું ધીમેથી સ્ફટિકીકરણ કરવાથી અથવા Se પાઉડર પર મંદ નાઇટ્રિક ઍસિડની પ્રક્રિયાથી મેળવી શકાય છે :

3Se + 4HNO3 + H2O → 3H2SeO3 + 4NO

નિર્જળ સિલીનિક ઍસિડ (H2SeO4) એ સ્નિગ્ધ (viscous) પ્રવાહી છે; જે સફેદ, ભેજશોષક (deliqescent) ઘન(ગ.બિં. 62° સે.)માં સ્ફટિકીકરણ પામે છે. તેનું ઉ.બિં. 265° સે. છે. તે અનેક રીતે બનાવી શકાય છે :

(i)      H2SeO3નું H2O2, KMnO4 કે HClO3 વડે ઉપચયન કરીને –

        H2SeO3 + H2O2 → H2SeO4 + H2O

        8H2SeO3 + 2KMnO4 → 5H2SeO4 + K2SeO3 + 2MnSeO3 + 3H2O

        5H2SeO3 + 2HClO3 → 5H2SeO4 + Cl2 + H2O

(ii)     ક્લોરિનજળ અથવા બ્રોમીનજળ વડે Seનું ઉપચયન કરીને –

        Se + 3Cl2 + 4H2O → H2SeO4 + 6HCl

(iii)     સિલ્વર સેલિનાઇટના અવલંબન પર બ્રોમીનજળની પ્રક્રિયાથી –

        Ag2SeO3 + Br2 + H2O → H2SeO4 + 2AgBr

તેનું મંદ દ્રાવણ ઝિંક, આયર્ન, કૅલ્શિયમ, બેરિયમ જેવી ધાતુઓને ઓગાળી હાઇડ્રોજન મુક્ત કરે છે. તે SO2 અથવા H2S વડે અપચયન પામી સિલીનસ ઍસિડ ઉત્પન્ન કરે છે. સિલીનિક ઍસિડ પ્રબળ ઉપચયનકર્તા હોઈ સિલ્વર જ નહિ પણ ગોલ્ડ અને ક્લોરાઇડની હાજરીમાં પ્લૅટિનમને પણ ઓગાળી શકે છે.

કાર્બ-સિલીનિયમ (organoselenium) રસાયણ એ વિશાળ અને વિસ્તરતું જતું ક્ષેત્ર છે. કાર્બ-સિલીનિયમ સંયોજનોના જૈવરસાયણ-(biochemistry)નો પણ ઘણો અભ્યાસ થયો છે. આ સંયોજનો એક વાર પેટમાં જાય તો લાંબા સમયે મુક્ત થાય છે. તેને કારણે પરસેવો વધુ થાય છે, જ્યારે શ્વાસોચ્છ્વાસ (breath) પણ ખરાબ ગંધ ધરાવે છે.

ઉપયોગો : સિલીનિયમનો ઉપયોગ દેશ પ્રમાણે વિવિધ પ્રકારે થાય છે. યુ.એસ.માં તે 35 % જેટલું કાચના રંગહારક (decolourize) તરીકે (0.01થી 0.15 કિગ્રા./ટન) વપરાય છે. વધુ સાંદ્રતા (12 કિગ્રા./ટન) સુંદર ગુલાબી રંગનો કાચ ઉત્પન્ન કરે છે. કાચ-ઉદ્યોગમાં જાણીતા એવા ચળકતા માણેક જેવા કાચમાં કૅડમિયમ સલ્ફો-સિલીનાઇડના ઘન કણો દાખલ કરવાથી મળે છે, જ્યારે સૌથી વધુ માણેક જેવો લાલ રંગ Cd(S, Se)માં 10 % CdS હોય ત્યારે મળે છે; પણ જો CdSની માત્રા વધી જાય તો રંગ મંદ બની લાલ (40 % CdS), નારંગી (75 %) અને પીળો (100 %) બને છે. કૅડમિયમ સલ્ફો-સિલીનાઇડ પ્લાસ્ટિક, પેઇન્ટ અને ઇનેમલમાં વપરાતા ઉષ્મા-પ્રતિરોધી લાલ વર્ણક (pigment) તરીકે પણ વપરાય છે.

તત્ત્વ રૂપે Seનો મહત્ત્વનો ઉપયોગ ઝેરોગ્રાફી(xerography)માં થાય છે. પ્રકાશવિદ્યુત કોષો (photoelectric cells) અને અર્ધવાહક પ્રયુક્તિઓમાં દિષ્ટકારક (rectifier) તરીકે પણ તે વપરાય છે. સ્ટેનલેસ સ્ટીલનું ઢાળણ, ઘડતર (forging) અને યંત્રસુકાર્યતા (machinability) સુધારવા ફેરોસિલીનિયમનો થોડો જથ્થો ઉપયોગમાં લેવાય છે. કુદરતી અને સંશ્લેષિત રબરના ઘર્ષણ-પ્રતિકારક ગુણ વધારવા તેમજ કૅબલ માટે ઉપયોગમાં લેવાતું અગ્નિપ્રતિરોધક રબર બનાવવા પ્રક્રમણ દરમિયાન ડાઇથાયૉકાર્બોમેટ [Se(S2CNEt)4] તરીકે તે વપરાય છે.

Seના કોષ અંધજનો માટેના ઑપ્ટોફોન(optophone)માં, કલિલી Se જંતુનાશક તરીકે, આયર્નસિલીનાઇડ પેટ્રોલિયમ ઉદ્યોગમાં ઉદ્દીપક તરીકે વપરાય છે. વળી કેટલીક ઔષધિઓમાં પણ Se થોડા પ્રમાણમાં વપરાય છે.

ચિત્રા સુરેન્દ્ર દેસાઈ