સિલી ટાપુઓ : ઇંગ્લૅન્ડના કૉર્નવૉલના છેડા પરના લૅન્ડ્ઝ એન્ડથી પશ્ચિમે આશરે 40 કિમી. અંતરે આવેલા આટલાન્ટિક મહાસાગરના ટાપુઓ. ભૌગોલિક સ્થાન : 49° 55´ ઉ. અ. અને 6° 20´ પ. રે.. આ ટાપુજૂથમાં આશરે 150 જેટલા ટાપુઓ છે, તે પૈકીના માત્ર પાંચ ટાપુઓ પર જ વસ્તી છે. તેમનો કુલ વિસ્તાર માત્ર 14.5 ચોકિમી. જેટલો જ છે. આ ટાપુઓ ઇંગ્લૅન્ડના ભાગરૂપ હોવાથી તેનો વહીવટ પણ ઇંગ્લૅન્ડની સરકાર હેઠળ ત્યાંની કાઉન્સિલને હસ્તક છે. સેન્ટ મેરી મુખ્ય ટાપુ છે અને તેનું મુખ્ય કાર્યાલય તેમાં આવેલા હગટાઉન ખાતે આવેલું છે. ટાપુઓ માટેની જરૂરી બધી જ સેવાઓનું મુખ્ય મથક પણ હગટાઉન ખાતે જ છે. કૉર્નવૉલનું પોલીસ અધિકારીતંત્ર આ ટાપુઓને પોતાની સેવા આપે છે.

સિલી ટાપુઓ

અર્થતંત્ર : હૂંફાળા ઉનાળા અને નરમ શિયાળાને કારણે આ ટાપુઓ પર ફૂલો ઉગાડવાનો વ્યવસાય વિકસ્યો છે. આ ઉદ્યોગ અહીંના મોટાભાગના અર્થતંત્રને નિભાવે છે. આ ઉપરાંત અહીં બટાટા અને બ્રોકોલી પણ ઉગાડાય છે. અન્ય ઉદ્યોગોમાં પ્રવાસનની તેમજ લૉબ્સ્ટર-કરચલા પકડવાની પ્રવૃત્તિ પણ ચાલે છે.

આ ટાપુજૂથ પૈકીના મોટામાં મોટા સેન્ટ મેરીના ટાપુ પર એક નાનકડું સંગ્રહાલય આવેલું છે, તેમાં સિલોનિયન ઇતિહાસ અને કુદરતી ઇતિહાસ જળવાયેલો છે. બીજા ક્રમે આવતાં ટ્રેસ્કો ટાપુનો ઉત્તર ભાગ જંગલવાળો છે જ્યારે દક્ષિણ ભાગ અયનવૃત્તીય છે, તેથી ત્યાં સુંદર બગીચાઓ વિકસાવાયા છે. ત્રીજા ક્રમે આવતા સેન્ટ માર્ટિનના ટાપુ પર સમુદ્રકિનારાના સુંદર રેતીપટ આવેલા છે. બ્રાયહર એક નાનો ટાપુ છે, તેનો ઉત્તર કિનારો ભેખડોવાળો છે. સેન્ટ અગ્નિસ નામના નાનકડા ટાપુ પર અવરજવર કરવા માટે સેન્ટ મેરી ટાપુ પરથી હોડીઓની સુવિધા છે. આ નાનકડા ટાપુજૂથનું કુદરતી સૌન્દર્ય ખરેખર અપ્રતિમ છે. કૉર્નવૉલમાંના પેનઝાન્સ પરથી સિલી પર હેલિકૉપ્ટર અને સ્ટીમર દ્વારા જઈ શકાય છે.

ઇતિહાસ : કહેવાય છે કે કાંસ્યયુગ વખતથી આ ટાપુઓ પર લોકો રહે છે. રોમનકાળ દરમિયાન અહીં કલાઈની ખાણોનું ખનન કરવામાં આવતું હતું, તે છેક 1878 સુધી ચાલુ રહેલું. બારમી સદીમાં બેનિડક્ટાઇન સાધુઓએ ટ્રેસ્કો પર પ્રાર્થનાસ્થળ ઊભું કરેલું. 15મી સદી સુધી અહીં ચાંચિયાઓનો ત્રાસ હતો. 16મી સદીના અંતભાગમાં સ્પેનિયાર્ડો સામે રક્ષણ મેળવવાના હેતુથી કિલ્લેબંધી કરેલી. 19મી સદીની શરૂઆત સુધી તો અહીંના નિવાસીઓ કપરું જીવન જીવતા હતા. 1834માં ઑગસ્ટસ સ્મિથે અહીં શિક્ષણ શરૂ કરી ધીમે ધીમે સુધારા કર્યા. વીસમી સદીમાં અહીં ફૂલોનો ઉદ્યોગ વિકસ્યો, તે પછી અહીંના લોકોનું જીવનધોરણ સુધર્યું છે.

ગિરીશભાઈ પંડ્યા