સિલિકોન (Silicone) : એકાંતરે ઑક્સિજન તથા સિલિકન પરમાણુઓ ધરાવતાં શૃંખલાયુક્ત બહુલકો પૈકીનો ગમે તે એક. અહીં સિલિકન (Si) પરમાણુઓ સાથે કાર્બનિક સમૂહો જોડાયેલાં હોય છે. રાસાયણિક દૃષ્ટિએ તેઓ પૉલિઑર્ગેનોસિલોક્ઝેન (polyorganosiloxan) અથવા પૉલિકાર્બસિલોક્ઝેન સંયોજનો છે.
દા.ત., પૉલિડાઇમિથાઇલ સિલોક્ઝેન. ઇંગ્લૅન્ડમાં 1900ની સાલમાં કિપિંગે આ સંયોજનોની શોધ કરી હતી. અકાર્બનિક આણ્વીય સંરચના પર આધારિત સંશ્લેષિત બહુલકો પૈકી કદાચ આ સૌથી વધુ જાણીતા છે. તેમને માટેના મૂળભૂત એકમો (units) નીચે દર્શાવ્યા છે.
આ એકમોને વિભિન્ન પ્રમાણમાં એકસાથે ગોઠવવાથી અને તેમાંના R સમૂહો જુદા જુદા લેવાથી તેઓ તૈલી અને મીણ, રેઝિન અને પ્રત્યાસ્થકો (elastomers) જેવા વિભિન્ન પદાર્થો આપે છે.
બનાવવાની રીત : ડાઇમિથાઇલ ડાઇક્લૉરોસિલેનમાંથી નીચે મુજબ પ્રથમ ઑક્ટામિથાઇલ સાઇક્લૉટેટ્રાસિલોક્ઝેન મેળવવામાં આવે છે. અલ્પ માત્રામાં ઍસિડ અથવા બેઝ સાથે 100°થી વધુ તાપમાને તેમાંનું વલય ઊઘડવાથી બહુલીકરણ દ્વારા સિલિકોન મળે છે :
‘સિલિકોન રબર’ આવા ગુંદર જેવા પદાર્થની શૃંખલાઓનું તિર્યગ્-બંધન (cross-linking) કરવાથી મળે છે. સ્ટૉપ કૉક માટેનાં સિલિકોન ગ્રીઝ આવા ઓછા અણુભારવાળાં બહુલક અથવા ઑલિગોમર છે, જેમાં સિલિકા પૂરક (filler) તરીકે ઉમેરાયેલું હોય છે. આ બહુલકોની તાપમાનના લાંબા ગાળા સુધીમાં ઊંચી નમ્યતા (flexibility) તથા પ્રત્યાસ્થતા (elasticity) હોય છે. સિલિકોન રબરની પ્રત્યાસ્થતા લગભગ -30° સે.થી 250° સે. તાપમાન સુધી જળવાઈ રહે છે.
સિલિકોન લૅડર બહુલકો (silicone-ladder) અથવા પૉલિ-ફિનાઇલ સેસ્ક્વી સિલોક્ઝેન પણ જાણીતાં છે; પરંતુ તેઓ ઊંચા ગલનબિંદુ ધરાવતા અ-પ્રત્યાસ્થ (non-elastic) પદાર્થો છે. કાર્બનિક દ્રાવકોમાં તેઓ ઘટ્ટ દ્રાવણ બનાવે છે. ફિનાઇલ સિલિકોન-લૅડર-બહુલકો 300° સે. તાપમાન સુધી સ્થાયી હોય છે.
સિલિકોન શરૂઆતમાં તો વીજરોધક (electrical insulator) તરીકે વિકસાવાયેલા કારણ કે તેઓ ઊંચા તાપમાને પણ અન્ય કાર્બનિક બહુલકો કરતાં વધુ સ્થાયી જણાયા છે. તેઓ ઉષ્મા, ઉપચયન ઉપરાંત મોટાભાગનાં રસાયણોનો પ્રતિકાર કરે છે. પ્રબળ જળપ્રતિકર્ષી હોવા ઉપરાંત તેઓ ચીકાશ વિનાના અને ફીણ ન ઉપજાવે તેવો ગુણ ધરાવે છે.
સિલિકોનની પ્રબળતા (સામર્થ્ય, strength) બે કારણોને આભારી છે : (1) સિલિકાના જેવી તેમની સ્થાયી પિંજરીય રચના = Si – O – Si – O – Si અહીં Si – Oની બંધ ઊર્જા ઘણી ઊંચી (502 કિ.જૂ./મોલ) છે. (2) Si – C બંધની ઊંચી પ્રબળતા.
સિલિકોનની પ્રબળ જળપ્રત્યાકર્ષતા સિલિકોન-શૃંખલા ચારેય બાજુથી કાર્બનિક સમૂહોની શૃંખલાથી ઘેરાયેલી હોવાને કારણે છે. બહારથી જોતાં તે આલ્કેન જેવી જ દેખાય છે.
સિલિકોન પ્રવાહી, તૈલી, ચીકાશયુક્ત ગ્રીઝ જેવા, રબર જેવા અથવા રેઝિન જેવા હોઈ શકે. તેઓ અનુરૂપી કાર્બન સંયોજનો કરતાં તાપમાન અને રાસાયણિક પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિરોધકતા ધરાવે છે.
સિલિકોન તરલો(fluids)ના બહુલકમાં 20થી 500 એકમો ધરાવતી સરળ શૃંખલા હોય છે. આ તરલો કડિયાકામમાં તથા મકાન બાંધવામાં જળપ્રત્યાકર્ષી તરીકે કાચનાં સાધનો તેમજ કાપડ-ઉદ્યોગમાં, કાર તથા બૂટ માટેની પૉલિશમાં વપરાય છે. તેઓ વિષાળુ હોતા નથી. આ ઉપરાંત તેમનો ઉપયોગ સુએઝ-નિકાલમાં ફીણ ઘટાડવા માટે, કાપડના રંગાટીકામમાં તથા બિયર-ઉદ્યોગમાં થાય છે. સિલિકોન ઑઇલ ઊંચા વોલ્ટેજવાળાં ટ્રાન્સફૉર્મરોમાં વીજરોધક તરીકે વપરાય છે.
સિલિકોન-રેઝિનો બૅકેલાઇટ જેવા સખત બહુલકો છે તથા તિર્યગ્ બંધવાળા હોય છે. તેઓ રાંધવા માટેના તવા(pan)ના ઉપર આવરણ તરીકે લગાડવા અને મોટરકારના ટાયરનાં મોલ્ડ (બીબાં) બનાવવામાં વપરાય છે.
જ. પો. ત્રિવેદી