સિલિકોન કાર્બાઇડ : ઘર્ષણ (ગ્રાઇન્ડિંગ) ક્રિયા માટે વપરાતા અપઘર્ષકોમાંનું એક અપઘર્ષક (abrasive). અપઘર્ષકો બે પ્રકારનાં છે : કુદરતી અને કૃત્રિમ. રેત-પથ્થરો, એમરી અને કોરન્ડમ – એ કુદરતી અપઘર્ષકો છે, જ્યારે કૃત્રિમ અપઘર્ષકોમાં ઍલ્યુમિનિયમ ઑક્સાઇડ (Al2O3) અને સિલિકોન કાર્બાઇડ (Sic) મુખ્ય છે. રેત-પથ્થરોમાં મુખ્ય ઘટક સિલિકોન ઑક્સાઇડ છે, જ્યારે એમરી અને કોરન્ડમમાં મુખ્ય ઘટક ઍલ્યુમિનિયમ ઑક્સાઇડ હોય છે.

સિલિકોન કાર્બાઇડ મેળવવા સિલિકા સૅન્ડ (રેતી), કાર્બન (કોલસાનો ભૂકો), લાકડાનો વેર અને મીઠાને જોઈતા પ્રમાણમાં લઈ ‘ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ ફર્નેસ’માં આશરે 2850° સે. જેટલા ઉચ્ચ તાપમાન સુધી ગરમ કરવાથી છેવટે સિલિકોન કાર્બાઇડની વરાળ મળે છે. તેનું ઘનીભવન થતાં મોટા ગઠ્ઠામાં સિલિકોન કાર્બાઇડ મળે છે. આ ગઠ્ઠાને ભાંગીને તેનું નાના-મોટા કણોમાં ગ્રાઇન્ડિંગ થાય છે. આ રીતે તૈયાર થતા સિલિકોન કાર્બાઇડના કણો ગ્રાઇન્ડિંગ વ્હીલ બનાવવામાં અપઘર્ષકો (abrasives) તરીકે બહોળા પ્રમાણમાં વપરાય છે.

સિલિકોન કાર્બાઇડ દેખાવે વાદળીથી કાળા રંગ જેવું હોય છે. તેની કઠિનતા હીરા(diamond)ની કઠિનતા જેટલી; પરંતુ ઍલ્યુમિનિયમ ઑક્સાઇડની કઠિનતા કરતાં વધુ છે. તે ઓછા તાણસામર્થ્યવાળા પદાર્થો જેવા કે ભરતર લોખંડ (કાસ્ટ આયર્ન), ઍલ્યુમિનિયમ, બ્રાસ, ગ્લાસ, પ્લાસ્ટિક વગેરે પદાર્થોના ગ્રાઇન્ડિંગમાં અપઘર્ષક તરીકે વપરાય છે.

ગ્રાઇન્ડિંગ વ્હિલમાં અપઘર્ષક તરીકે કયો પદાર્થ વાપરવો એ મહત્ત્વનું છે. તેવી જ રીતે વ્હિલમાં અપઘર્ષક કણોનું કદ પણ મહત્ત્વનું છે. આ અપઘર્ષક કણોનું કદ જાળી (mesh) નંબરથી દર્શાવાય છે, જેથી જાળી (mesh) નંબર વધુ તેમ કણનું કદ નાનું અને તેથી ઊલટું જેમ જાળી (mesh) નંબર ઓછો તેમ કણનું કદ મોટું.

ગાયત્રીપ્રસાદ હિ. ભટ્ટ