સિલિકા : સિલિકોન ડાયૉક્સાઇડ. સિલિકોન અને ઑક્સિજનથી બનેલું રાસાયણિક સંયોજન. રાસાયણિક બંધારણ : SiO2. પૃથ્વીના પોપડામાં અને ભૂમધ્યાવરણમાં તેનું પ્રમાણ વધુ હોય છે. ‘સિલિકેટ’ નામથી ઓળખાતાં ખડકનિર્માણ-ખનિજોમાં તે બહોળા પ્રમાણમાં રહેલું હોય છે. આ સિલિકેટ ખનિજવર્ગોમાં અબરખ, ફેલ્સ્પાર, ઍમ્ફિબૉલ, પાયરૉક્સિન વગેરેનો સમાવેશ થાય છે. તેમાં સિલિકા સહિત અન્ય તત્ત્વો પણ હોય છે. ક્વાર્ટઝ જેવાં ખનિજો માત્ર સિલિકાથી બનેલાં હોય છે.

સિલિકા બે સ્વરૂપોમાં મળે છે : સ્ફટિકમય અને અસ્ફટિકમય. પ્રથમ પ્રકારમાં કોએસાઇટ, ક્રિસ્ટોબેલાઇટ, ક્વાર્ટઝ અને સ્ટિશોવાઇટ – તેમનાં રાસાયણિક બંધારણ ચોક્કસ હોય છે. અસ્ફટિકમય પ્રકારમાં સંરચના જેવું હોતું નથી.

સિલિકા-બંધારણવાળાં ખનિજોના ઘણા ઉપયોગો છે; દા.ત., ક્વાર્ટઝના સ્ફટિકો રેડિયો અને રડાર જેવી સામગ્રીમાં પ્રસારણ માટે ઉપયોગમાં લેવાય છે. વિશિષ્ટ પ્રકારનાં પ્રકાશીય સાધનો માટે તેના કાચ બનાવાય છે. ઘડિયાળમાં પણ તે ઉપયોગમાં લેવાય છે. ક્વાર્ટઝ અને ઓપલને કાપીને તેમજ ઓપ આપીને તે ઝવેરાતના ઉપયોગમાં લેવાય છે.

ગિરીશભાઈ પંડ્યા