સિર્પસ/સ્કિર્પસ (Scirpus L.) : એકદળી વર્ગમાં આવેલા સાયપરેસી કુળની એકવર્ષાયુ કે બહુવર્ષાયુ પ્રતૃણો(sedges)ની એક પ્રજાતિ. આ પ્રજાતિની વિશ્વભરમાં 300 જેટલી, ભારતમાં લગભગ 40 અને ગુજરાતમાં 11 જેટલી જાતિઓ થાય છે. આ જાતિઓને અંગ્રેજીમાં ‘બુલરશ’ (bulrush) તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ભેજવાળી જગાઓમાં, ખાબોચિયાંમાં, છીછરા પાણીમાં, કળણભૂમિમાં અને ક્ષારજ પરિસ્થિતિમાં ઊગે છે.
સિર્પસ (Scirpus L.) : (અ) સિર્પસ ઍફાઇનિસ, (આ) સિર્પસ આર્ટિક્યુલેટસ, (ઇ) સિર્પસ જેકોબી, (ઈ) સિર્પસ ગ્રોસસ (કશેરૂ), (ઉ) સિર્પસ લિટોલેરિસ
સિર્પસની બહુ થોડી જાતિઓ જલીય ઉદ્યાનોમાં શોભાની વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે. કેટલીક જાતિઓ મૃદા-બંધક (soil-binder) તરીકે ઉપયોગી છે અને કૃષિવિદ્યાકીય પાકો માટે છીછરા પાણીના વિસ્તારોનું ખેતીલાયક ભૂમિમાં રૂપાંતર કરે છે. કેટલીક જાતિઓનાં ભૂંજેલાં બીજ ખાદ્ય હોય છે. આ પ્રજાતિની ઘણી જાતિઓ સાદડી અને ટોપલીઓના ઉદ્યોગમાં કાચા દ્રવ્ય તરીકે ઉપયોગી છે.
પર્ણો સાદાં, એકાંતરિક, ત્રિપંક્તિક (tristichous) પ્રકાંડ જેટલાં લાંબાં, રેખીય અને અણીદાર હોય છે તથા તલસ્થ ભાગેથી આવરક ધરાવે છે. તેની કેટલીક જાતિઓમાં પર્ણોનો અભાવ હોય છે. તેઓ શલ્કપર્ણો(scaly leaves)વાળી હોય છે [દા.ત., Scirpus articulatus, (હિ. ચિચોરા), S. jacobi]. પુષ્પો ધારણ કરનાર પ્રકાંડ અશાખિત, પોલું, ત્રિકોણાકાર કે ગોળાકાર અને એક જ આંતરગાંઠનું બનેલું હોઈ તેને તૃણકાંડ કે સાંઠો (culm) કહે છે. આ તૃણકાંડ ઉપર પુષ્પો તલભાગે, મધ્યમાં કે ટોચની નજીક એક બાજુએથી ઉત્પન્ન થતાં હોય છે. શૂકિકાઓ (spikelets) આ પ્રજાતિનો અંતિમ પુષ્પવિન્યાસ છે, જે સમશિખમંજરી (corymb)-સ્વરૂપે પુનર્વિભાજિત (decompound), અગ્રસ્થ છત્રક (umbel) કે શૂકી (spike) રૂપે ગોઠવાયેલ હોય છે.
તૃણકાંડનો ભૂમિગત છેડો ગાંઠામૂળી (rhizome) ધરાવે છે. શૂકિકાઓ અંડાકાર અને બદામી રંગની હોય છે. તુષનિપત્રો (glumes) પહોળાં, અંડાકાર, પટલમય (membranus) અને રાતાં-બદામી હોય છે; જે ઉપરના ભાગે નૌતલ (keel) ધરાવે છે. આ નૌતલ એક અણીદાર રચનામાં પરિણમે છે. પુંકેસરચક્ર 3 પુંકેસરોનું બનેલું હોય છે અને બીજાશયના તલભાગેથી ઉત્પન્ન થાય છે. બીજાશયના તલભાગેથી 6 અધોજાયી (hypogynous) દૃઢલોમો (bristles) ઉદભવે છે. તેઓ અનેક, સૂક્ષ્મ પિચ્છાકાર રોમ ધરાવે છે. બીજાશય ઊર્ધ્વસ્થ (superior) હોય છે. પરાગાસનો 3, પરાગવાહિની જેટલાં કે તેનાથી વધારે લાંબાં હોય છે. ફળ કાષ્ઠફળ (nut) પ્રકારનું જોવા મળે છે.
S. grossus Linn. F. syn. S. kysoor Roxb. (હિં. બં. ગુ. કશેરૂ, ખશરૂ, બીડ) એક મોટી બહુવર્ષાયુ, અરોમિલ, 0.92.7 મી. ઊંચી શાકીય જાતિ છે અને ભારતમાં 700 મી.ની ઊંચાઈ સુધી બધે જ થાય છે. તે કળણભૂમિમાં ખાસ જોવા મળે છે. પ્રકંદ (root stock) મજબૂત અને વિરોહી (stoloniferous) હોય છે. વિરોહ પરથી શુષ્ક ઋતુમાં ઘેરા રંગના સખત ગોળાકાર કંદ ઉત્પન્ન થાય છે.
લીલા છોડ અને ગાંઠામૂળીનો ઘાસચારા તરીકે અને સૂકા છોડ છાપરું બનાવવામાં ઉપયોગી થાય છે. તૃણકાંડમાંથી સાદડીઓ, કોથળીઓ અને ટોપલાઓ બનાવાય છે. મલેશિયાના ડાંગરનાં ખેતરોમાં તે પુષ્કળ પ્રમાણમાં થાય છે અને તેનો ઉપયોગ લીલા ખાતર તરીકે કરવામાં આવે છે.
તેના કંદ મોટા જથ્થામાં ખોદી કાઢવામાં આવે છે. (માત્ર અમદાવાદમાંથી લગભગ 4,660 ટન/વર્ષ) અને આદિવાસીઓ તેને રાંધ્યા સિવાય ખાય છે. રેસાઓ અને ઘેરી રક્ષકત્વચા (cuticle) કાઢી લીધા પછી તેને દળીને લોટ બનાવાય છે. તેને જવના લોટ સાથે મિશ્ર કરી રોટલા બનાવવામાં આવે છે. કંદ મીઠા અને સ્ટાર્ચમુક્ત હોય છે અને ખૂબ પોષક ગણવામાં આવ્યા છે. તેઓ આશરે 62 % — 79 % પાચ્ય કાર્બોદિત અને 7.5 % — 11.8 % પ્રોટીન ધરાવે છે. કંદ સંકોચક (astringent), રેચક, બલ્ય, શીતળ અને મૂત્રલ ગુણધર્મો ધરાવે છે અને ઊલટી અને અતિસાર (diarrhoea) અટકાવવા વપરાય છે.
S. lacustris Linn. (ગ્રેટ બુલરશ્, ક્લબ રશ્) મજબૂત, ઘણી વાર નિમજ્જિત (submerged), બહુવર્ષાયુ અને 0.9 – 2.7 મી. ઊંચી જાતિ છે અને લડાખ અને કાશ્મીરથી કુમાઉ સુધી 4,250 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેના તૃણકાંડ ગૂંથણમાં ઉપયોગી છે અને તેમાંથી સાદડી, ખુરશીની બેઠકો અને કેટલાક અન્ય ઘરેલુ નમૂનાઓ બનાવાય છે. તેમનો ઉપયોગ કાગળ અને કૃત્રિમ રેશમ બનાવવા માટેના કાચા માલ તરીકે થાય છે. ગાંઠામૂળી કાચી ખવાય છે, અથવા તેમાંથી રોટલા બનાવાય છે. તે સંકોચક અને મૂત્રલ છે. શુષ્કતાને આધારે ગાંઠામૂળીનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : અશુદ્ધ પ્રોટીન 610 %, અશુદ્ધ રેસો 40.0 %, લિપિડ 2.68 %, નાઇટ્રોજન મુક્ત નિષ્કર્ષ 43.4 % અને ભસ્મ 7.84 %. જલદ્રાવ્ય ‘બી’ અને ‘સી’ વિટામિન વનસ્પતિના હવાઈ ભાગોમાંથી સારા પ્રમાણમાં મળી આવે છે અને તેમનો ઉપયોગ ઢોરોના ચારાનું પોષણમૂલ્ય વધારવા માટે થાય છે.
S. jacobi જવલ્લે જ મળતી જાતિ છે; જેનો ચેન્નાઈ પ્રેસિડેન્સીમાં ડૉ. ફીશરે ઉલ્લેખ કર્યો છે. આ જાતિની નોંધ ડૉ. શાહ અને ડૉ. પરબીઆએ 1974માં ગુજરાતમાંથી આપી છે.
ભારતમાં થતી અન્ય જાણીતી જાતિઓમાં S. tuberosus Des f. syn. S. maritimus C. B. Clarke (સીકલ્બ રશ્), S. articulatus Linn. (Chichora), S. inclinatus Boiss. syn. S. corymbosus Roth., S. juncoides Roxb. syn. S. erectus C. B. Clarke, S. littoralis Schrad., S. mucronatus Linn. વગેરેનો સમાવેશ થાય છે.
મીનુ પરબીઆ
દિનાઝ પરબીઆ
બળદેવભાઈ પટેલ