સિર્પી, બાલસુબ્રહ્મણ્યમ્

January, 2008

સિર્પી, બાલસુબ્રહ્મણ્યમ્ (જ. 29 જુલાઈ 1936, આતુપોલ્લાચી, જિ. કોઇમ્બતૂર, તામિલનાડુ) : તમિળ કવિ અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ઓરુ ગિરામત્તુ નદી’ માટે 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અન્નામલાઈ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. અને મદ્રાસ (ચેન્નાઈ) વિશ્વવિદ્યાલયમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી અને રશિયન ભાષામાં ડિપ્લોમા મેળવ્યો. તમિળ ઉપરાંત તેઓ મલયાળમ, અંગ્રેજી અને રશિયન ભાષાના જાણકાર છે. 1958માં તેઓ એન.જી.એમ. કૉલેજ, પોલ્લાચીમાં તમિળ વિભાગમાં જોડાયા. 1989માં વિભાગના આચાર્ય અને અધ્યક્ષ તરીકે તેમણે કૉલેજ છોડી. 1989–1997 દરમિયાન ભરતિયાર વિશ્વવિદ્યાલય, કોઇમ્બતૂરમાં તમિળ વિભાગના અધ્યક્ષ રહ્યા તેમજ સાહિત્ય અકાદમીની સામાન્ય પરિષદના સભ્ય, ઇન્ટરનેશનલ તમિળ કલ્ચરલ રિસર્ચ સોસાયટીના ઉપાધ્યક્ષ અને સિર્પી ફાઉન્ડેશન તથા પી.એમ.એસ. ફાઉન્ડેશનના અધ્યક્ષ રહ્યા.

બાલસુબ્રહ્મણ્યમ્ સિર્પી

તેમણે અત્યાર સુધીમાં ઘણા ગ્રંથો આપ્યા છે. તેમાં 12 કાવ્યસંગ્રહો, 1 ગીતિનાટક, 2 બાળકો માટેના ગ્રંથ, 8 ગદ્યકૃતિઓ, 4 ચરિત્ર ગ્રંથ અને 5 અનૂદિત ગ્રંથો તથા 7 સંપાદિત કૃતિઓનો સમાવેશ થાય છે. તેમના 75 શોધપ્રબંધો પ્રગટ થયા છે. તેઓ ‘વાનમ્બડી’ અને ‘અન્નમ વીટુ થૂતુ’ના સંપાદક અને ‘વલ્લુવમ’ તથા ‘કવિક્કો’ના સંપાદક-મંડળના સભ્ય રહ્યા હતા. તેમને ભારતીદાસન્ ઍવૉર્ડ, કવિલાર ઍવૉર્ડ, તામિલનાડુ સરકારનો પાવેન્દર પુરસ્કાર, યુ. સુબ્રમણ્યમ્ નકદ પુરસ્કાર, તિરુપુર તમિળ સંગમ પુરસ્કાર, લિલી દેવ પુરસ્કાર, ઇરોડ ઇલક્કિય રાણા પુરસ્કાર અને સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

તેમના ‘ઓરુ ગિરામત્તુ નદી’ કાવ્યસંગ્રહમાં ગ્રામીણ લોકોની બોલચાલની ભાષા અને સંસ્કારી કાવ્યાત્મક ભાષા વચ્ચેની રસપ્રદ પારસ્પરિક ક્રિયા દ્વારા યુવાન વયની નિર્દોષતા અને યુગના અનુભવો વાચકો સુધી સારી રીતે પહોંચાડવાની ક્ષમતા જોવા મળે છે. તેમાંનાં કાવ્યાત્મક ચિત્રો, સર્જનાત્મકતા અને નશ્વર વસ્તુઓ દ્વારા શાશ્વત સત્યની અભિવ્યક્તિ જેવી કલાત્મક ઉપલબ્ધિઓના કારણે એ કૃતિ તમિળમાં લખાયેલ ભારતીય કવિતામાં મહત્વનું પ્રદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા