સિરેનો દ બર્ઝરાક (1897)

January, 2008

સિરેનો બર્ઝરાક (1897) : પ્રખ્યાત ફ્રાન્સુસી કવિ, નાટ્યકાર. એદમોં રોસ્તાં(1868-1918)નું ખૂબ જાણીતું સફળ નાટક. એમાં રાજા લૂઈ તેરમાના રાજ્યકાળ દરમિયાન થયેલા કવિ-પ્રણયી સિરેનોની પ્રેમકહાણી નિરૂપાઈ છે. ઐતિહાસિક પાત્ર તરીકે સિરેનો (1619-1655) ખુદ કવિ નાટ્યકાર હતો અને એણે ‘ડેથ ઑવ્ એગ્રીપીના’ જેવાં પદ્યનાટકો અને કેટલીક તરંગકથાઓ લખ્યાં હતાં. સિરેનો ઐતિહાસિક પાત્ર તરીકે મુક્ત વિચારધારા ધરાવતો અને ખેલદિલીથી દ્વન્દ્વયુદ્ધ ખેલતો. લાંબું નાક ધરાવતું આ રંગદર્શી પાત્ર રોસ્તાંના નાટકમાં કેન્દ્રસ્થાને છે. ફ્રાન્સુસી નાટ્યકાર મોલિયરના એ મિત્ર હતા, અને મોલિયરે એના એક નાટકમાંથી એક દૃશ્ય પોતાના નાટકમાં લીધું હતું. સિરેનોએ મોફલ્યુરી નામના નટને દ્વન્દ્વયુદ્ધ માટે પડકાર ફેંક્યો; પરંતુ એ દરમિયાન એના માથા પર લાકડાનું પાટિયું પડતાં તે મૃત્યુ પામ્યો. આ બધા પ્રસંગોને ‘સિરેનો દ બર્ઝરાક’માં આવરી લેવામાં આવ્યા છે. ફ્રાન્સ, અમેરિકા અને ઇંગ્લૅન્ડમાં આ નાટક ખૂબ ભજવાયું છે.

હસમુખ બારાડી