સિરેક્યુઝ (Syracuse) (2)

January, 2008

સિરેક્યુઝ (Syracuse) (2) : યુ.એસ.ના ન્યૂયૉર્ક રાજ્યનું ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 43° 02´ ઉ. અ. અને 76° 08´ પ. રે. તે ન્યૂયૉર્ક રાજ્યમાં આવેલા ઓનોનડગા સરોવર-કાંઠે વસેલું છે. અહીં એક વખત મીઠાનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું હતું, તેથી તે ‘સૉલ્ટ સિટી’ કહેવાતું હતું.

સિરેક્યુઝમાં રસાયણો, ચિનાઈ માટીનાં પાત્રો, ઔષધો, વીજ-યંત્રસામગ્રી, કાગળ અને પરિવહનની સાધનસામગ્રીનું ઉત્પાદન કરતાં આશરે 500 જેટલાં કારખાનાં આવેલાં છે. નજીકમાં ખેતપેદાશો પેદા કરતા વિસ્તારો માટે આ શહેર બજારનું મથક બની રહેલું છે. મુસાફરોની અવરજવર તથા માલસામાનની હેરફેર માટે ગાડીઓ-માલગાડીઓની સેવા પણ આ શહેરને ઉપલબ્ધ છે. શહેરની બહારના ભાગમાં હૅનકૉક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે.

ન્યૂયૉર્ક રાજ્યના મધ્યસ્થ સ્થળે તે આવેલું હોઈ તે સંમેલનો-પરિષદોનું મુખ્ય સ્થળ બની રહ્યું છે. 1786માં જ્યારે ઈફ્રેમ વેબસ્ટર નામનો ગોરો મનુષ્ય અહીં સર્વપ્રથમ કાયમી વસવાટ માટે આવ્યો ત્યારે આજના સિરેક્યુઝના સ્થળે ઇરોક્વોઇઝ ઇન્ડિયનો રહેતા હતા. વેબસ્ટરે ઓનોનડગા સરોવર ખાતેના ક્ષારઝરાઓ નજીક વેપારનું મથક સ્થાપેલું. 1825માં આ સ્થળને પ્રાચીન ગ્રીક શહેર સિરેક્યુઝના નામ પરથી સિરેક્યુઝ નામ આપવામાં આવ્યું. વસ્તી : 1,50,563 (1999).

ગિરીશભાઈ પંડ્યા