સિરોઝ (Syros/Siros) : ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ એજિયન સમુદ્રમાં આવેલા સાયક્લેડ્ઝ ટાપુજૂથ પૈકીનો મધ્ય ભાગમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 37° 26´ ઉ. અ. અને 24° 54´ પૂ. રે.ની આજુબાજુનો 84 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ ટાપુ-જૂથ ગ્રીસ નજીક આવેલું છે. અહીંના અખાતના પૂર્વ કાંઠે આવેલું હર્મોપૉલિસ સાયક્લેડ્ઝનું પાટનગર, મુખ્ય શહેર અને બંદર છે. આ ટાપુ ઘસાઈ ગયેલા ભૂપૃષ્ઠવાળો તથા અનિયમિત આકારવાળો છે. ટાપુ પરનું સર્વોચ્ચ સ્થળ 442 મીટરની ઊંચાઈ ધરાવે છે.

હર્મોપૉલિસના જૂનામાં જૂના વિભાગ ‘ઍનો સિરોઝ’ની સાંસ્કૃતિક નગર તરીકે 13મી સદીમાં સ્થાપના કરવામાં આવેલી. 1821થી 1829 દરમિયાન ગ્રીક સ્વાતંત્ર્ય માટેના યુદ્ધમાંથી આવેલા નિરાશ્રિતોએ અહીં ગ્રીસને કાંઠે વેપાર માટેનું બંદર સ્થાપેલું. અહીંના ઉદ્યોગોમાં જહાજબાંધકામ, ચામડાં કમાવવાના એકમો, સુતરાઉ કાપડની મિલો, વણાટકામના તથા મીઠાઈ બનાવવાના એકમોનો સમાવેશ થાય છે. આવકનો મુખ્ય સ્રોત દરિયાઈ વેપાર તથા વેપારી જહાજોમાંથી મળી રહે છે.

ગિરીશભાઈ પંડ્યા