સિરાજુદ્દૌલા (જ. આશરે 1729; અ. 2/3 જુલાઈ 1757) : બંગાળનો નવાબ. બંગાળના નવાબ (સૂબેદાર) અલીવર્દીખાનના મૃત્યુ બાદ તેનો દૌહિત્ર સિરાજુદ્દૌલા એપ્રિલ, 1756માં નવાબ બન્યો. તેના મુખ્ય હરીફ, તેની માસીના દીકરા શોકતજંગને હરાવીને તેણે મારી નાખ્યો. તેના સમયમાં અંગ્રેજોએ તેમના રક્ષણ માટે કાયદા વિરુદ્ધ કિલ્લેબંધી કરી અને તેની પાસે મોટી ખાઈ ખોદી. અંગ્રેજો તેમને આપેલા ‘દસ્તક’નો દુરુપયોગ કરતા હોવાથી નવાબને જકાતની આવકમાં ખૂબ ઘટાડો થયો. વળી અંગ્રેજોએ કોલકાતામાં સિરાજુદ્દૌલાના દૂતનું અપમાન કર્યું. તેથી અંગ્રેજો અને નવાબ વચ્ચે સંઘર્ષ થયો. નવાબના સૈનિકોએ કાસિમ બજારમાં અંગ્રેજોની વેપારની કોઠી પર હુમલો કર્યો. તેથી ઘણા અંગ્રેજો ફૉર્ટ વિલિયમ છોડીને જહાજોમાં રક્ષણ માટે નાસી ગયા. નવાબે કોલકાતા કબજે કર્યું. હોલવેલની ‘કાળી કોટડી’ની વાર્તા અર્વાચીન શોધ મુજબ ખોટી સાબિત થઈ છે.
ચેન્નાઈ(મદ્રાસ)થી ક્લાઇવ અને વૉટસનની સરદારી હેઠળ આવેલી અંગ્રેજ ફોજે કોલકાતા પાછું જીતી લીધું. ત્યારબાદ નવાબ અને અંગ્રેજો વચ્ચે 23 જૂન, 1757ના રોજ પ્લાસી મુકામે થયેલી લડાઈમાં નવાબ ક્લાઇવના કાવતરાનો ભોગ બન્યો. તેના સેનાપતિ મીર જાફરે દગો કર્યો અને નવાબના સૈન્યનો પરાજય થયો. સિરાજુદ્દૌલા મુર્શીદાબાદ તરફ નાસી ગયો; પરંતુ રસ્તામાં તેની હત્યા કરવામાં આવી.
જયકુમાર ર. શુક્લ