સિરાજુદ્દીન અલીખાન ‘આરઝૂ’ (જ. 1689, આગ્રા; અ. 1756, લખનૌ) : ફારસીના કવિ અને સમીક્ષક. તેમના પિતા હુસામુદ્દીન એક પ્રતિષ્ઠિત કવિ અને વિદ્વાન હતા. સિરાજુદ્દીને તેમના પિતા પાસેથી ધાર્મિક ગ્રંથોના અભ્યાસ દ્વારા કાવ્યશાસ્ત્ર અને ભાષાશાસ્ત્રમાં નિપુણતા મેળવી. અમીર ખુસરો પછી ફારસીના મહાન કવિ અને સમીક્ષક તરીકે તેમની પ્રતિભા સર્વસ્વીકૃત બની હતી. મીરહસન, ફતેહઅલી મુર્દેઝી, સૌદા, મિર્ઝા મઝહર તેમના સમકાલીન લેખકો હતા.
તેઓ દિલ્હીમાં આવી સ્થાયી થયા. તેઓ કવિ મીર તકીના મામા અને ઉસ્તાદ હતા અને તેમણે મીર તકીના કવિગુણો ખીલવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. તે સમયે ફારસીના મહાન કવિ અને વિદ્વાન શેખ અલી ‘હઝી’ ઈરાનથી હિંદુસ્તાન આવેલા, તેમની વચ્ચેના વાદવિવાદમાં શેખ હઝીના ઘમંડ અને બડાઈથી છંછેડાઈને ફારસી દીવાન ઉપર ‘આરઝૂ’એ સમીક્ષા અને ટિપ્પણીઓ લખી. તે ગ્રંથ ‘તન્બી ફુલગા ફિલીન’ના નામે પ્રસિદ્ધ થયો. તેથી તેમની કીર્તિમાં ઠીક ઠીક વધારો થયો.
નાદિરગર્દીના સમયમાં તેઓ દિલ્હીથી લખનૌ આવ્યા. તેમણે અરબી-તુર્કીનું પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ‘ફારસી દીવાન’ ઉપરાંત ‘સિક્ધદરનામા’, ‘કસાઈદે ઉર્ફી ગુલિસ્તાને સાદી’ અને ફારસી કોશ ‘સિરાજુલ્લુગત’ તથા ઉર્દૂ કોશ ‘ગરાઇબુલ્લુગત’ તેમની જાણીતી રચનાઓ છે. આ ઉપરાંત કાવ્યશાસ્ત્રમાં પણ તેમનું પ્રદાન નોંધપાત્ર છે ‘મજમઉન્નફાઇસ’ નામે લખેલ કવિજીવન ઉલ્લેખનીય છે. આમ તેમણે આશરે 25 ગ્રંથો આપ્યા છે. તેમાં લેખન, સંપાદન અને અનુવાદની કૃતિઓનો સમાવેશ થાય છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા