સિરકીર કોયલ (Sirkeer cuckoo) : ઊડતા નોળિયા જેવું સામાન્ય પંખી. માથાથી પૂંછડી સુધી આખું ખૂલતા બદામી રંગનું 42.5 સેમી. કદનું પંખી. પીઠ પર ઘેરો, દાઢી પર સફેદ જેવો રંગ અને પેટાળ ઘેરા ચૉકલેટી રંગનું હોય છે. તેની ચાંચ પોપટ જેવી લાલચટક, છેડે પીળી અને અણીદાર હોય છે. આંખ ઉપરની પાંપણો તેની ગોળાકાર આંખોની રક્ષા કરે છે.
તે કોયલના કુળનું અને મોહુકાનું પિતરાઈ ગણાય છે. જમીન પર જ ફરવું, ઝડપથી દોડવું, ને ઝાડ પર જલદી ચડી જવું તથા ડાળે ડાળે કૂદતા કૂદતા ફરવાની તેની ખાસિયત છે. તે કર્કરા અવાજે ‘કેક, કેક, કેરેક’ બોલે છે.
ફળફળાદિ અને જીવાત તેનો ખાસ ખોરાક છે. તેની પૂંછડી ભરાવદાર, ચડઊતર, પીંછાંવાળી હોય છે. તેનાં પીંછાં બહારથી કાળાં ને છેડેથી ધોળાં હોવાથી પૂંછડી ચટાપટાવાળી લાગે છે.
તે સૂકા પ્રદેશમાં કાયમ વસવાટ કરે છે. કાંટાળા ઝાડમાં છીછરો માળો રચવામાં સાંઠી, મૂળિયાં અને લીલાં પાંદડાંનો ઉપયોગ કરે છે. તેમાં 2થી 3 સફેદ ઈંડાં મૂકે છે. તેને સિરકીર અથવા કકૂ પણ કહે છે.
બળદેવભાઈ કનીજિયા