સિયોન નદી (Seone River)

January, 2008

સિયોન નદી (Seone River) : પૂર્વ ફ્રાન્સમાં આવેલી નદી. રહોનની મહત્ત્વની સહાયક નદી. ભૌગોલિક સ્થાન : 40° 10´ ઉ. અ. અને 4° 50´ પૂ. રે.. આ નદી વૉસ્જિસ પર્વતના તળેટી ભાગમાંથી નીકળે છે અને 431 કિમી.ની લંબાઈમાં વહ્યા પછી લિયૉન ખાતે રહોન નદીને મળે છે. તે મહત્ત્વના જળમાર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે. નાનાં વહાણો તેમાં 373 કિમી.ના અંતર સુધી અવરજવર કરી શકે છે. તેના કાંઠા પર ચૅલોન-સર-સિયોન નામનું ઔદ્યોગિક શહેર આવેલું છે. આ નદી મોસેલ, માર્ન, યૉન અને લૉઇર નદીઓ સાથે નહેરો મારફતે જોડાયેલી છે. સિયોન નદી બર્ગન્ડીના ઐતિહાસિક વિસ્તારમાં થઈને પસાર થાય છે. આ વિસ્તારમાં ખેતીયોગ્ય ભૂમિ આવેલી છે, તેને સમૃદ્ધ કરવામાં આ નદીનો ઘણો મોટો ફાળો છે. નદીના જમણા કાંઠા પરની ટેકરીઓના ઢોળાવો પર દ્રાક્ષની વિશાળ વાડીઓ આવેલી છે. તેમાં કૉટે દ ઑર, મૅકોન અને બ્યુજોલેઇસનો સમાવેશ થાય છે.

ગિરીશભાઈ પંડ્યા