સિયાચીન : કારાકોરમ પર્વતમાળામાં આવેલી હિમનદી, સરહદી વિસ્તાર-ક્ષેત્ર અને દુનિયાભરમાં સૌથી વધુ ઊંચાઈએ આવેલી યુદ્ધભૂમિ. ઉત્તર અને દક્ષિણ ધ્રુવના પ્રદેશોને બાદ કરતાં પૃથ્વી પરની માનવ-વસાહતોની નજીકના ભાગોમાં તે મોટી ગણાતી, લાંબામાં લાંબી અને વધુમાં વધુ ઊંચાઈએ આવેલી હિમનદી છે. સ્થાન : 35° 30´ ઉ. અ. અને 77° 00´ પૂ. રે.. તે કારાકોરમ પર્વતમાળાના ભારતના વાયવ્ય ભાગમાંથી શરૂ થઈ પાકિસ્તાનના કબજાવાળા બાલ્ટિસ્તાન સુધી વિસ્તરેલી છે. કારાકોરમ પર્વતમાળાનો આ ભાગ ઘણી જાડાઈવાળા હિમજન્ય (બરફના) થરથી કાયમ માટે આચ્છાદિત રહે છે. અહીં કડકડતી ઠંડી પડતી હોવાથી કોઈ માનવવસવાટ નજરે પડતો નથી.

સિયાચીન

સિયાચીન હિમનદી આશરે 6,000 મીટરની ઊંચાઈએથી શરૂ થાય છે, આ વિસ્તારમાં માત્ર બરફ સિવાય બીજું કંઈ પણ નજરે પડતું નથી. આ હિમનદીની લંબાઈ આશરે 90 કિમી., પહોળાઈ સ્થાનભેદે 1થી 3 કિમી. અને તેમાં વહેતા રહેતા હિમથરની જાડાઈ 75થી 90 મીટર જેટલી રહે છે. તેના પ્રવહનમાર્ગમાં તેને બીજી હિમનદીઓ પણ આવી મળે છે. 80 કિમી. લાંબી નુબ્રા નદીનું ઉદગમસ્થાન અહીં જ છે, જે સિંધુ નદીનો ભાગ ગણાતી એક સહાયક નદી છે. આ હિમનદીનો પ્રવાહ સરેરાશ એક કલાકે 4 સેમી.ની ગતિથી વહે છે, જેને પરિણામે જે બરફ તેની ટોચ પર જામે તેને હિમનદીના તદ્દન નીચેના દળમાં ભળતાં લગભગ 5,000 વર્ષ લાગી જાય ! જે સ્થળે આ પ્રવાહ પૂરો થાય છે તે સ્થળ (હિમનદીનો મુખાગ્રભાગ – snout) સમુદ્રસપાટીથી આશરે 420 મીટર ઊંચાઈ પર આવેલું છે. હિમનદીના મુખાગ્રભાગ પર બરફ ઓગળે છે. આ જગાએ આસપાસની હિમાચ્છાદિત ઉન્નત પર્વતમાળાની વચ્ચે જંગલી ગુલાબ ઊગી નીકળે છે. અહીંની સ્થાનિક ‘બાલ્ટી’ લોકબોલીમાં ‘સિયા’નો અર્થ ‘ગુલાબ’ થાય છે અને ‘ચીન’નો અર્થ ‘પહાડી કિલ્લો’ થાય છે. 1848માં પાશ્ર્ચાત્ય સાહસિક હેન્રી સ્ટ્રેચીએ પ્રથમ વાર આ હિમનદી જોઈ અને 1911-12માં તેનું સર્વેક્ષણ કરવામાં આવ્યું.

800 કિમી. લાંબી લાઇન ઑવ્ કન્ટ્રોલ (LOC) નિયંત્રણ-રેખા સિયાચીનની બાજુમાંથી નીકળી કારગિલની પર્વતમાળા ઉપરથી પસાર થઈ હાલના ભારત-પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના ભાગલા પાડે છે; તેમ છતાં આ ભાગલા મુજબ પણ સિયાચીન હિમનદી પહોંચવાના બે રસ્તા છે : એક સિયા-લા તથા બીજો બિલાફોન્ડ-લા. ભારત-ચીન સરહદે પેન્ગાંગ નામનું એક ખારા પાણીનું સરોવર આવેલું છે, જેનો  ભાગ ચીનમાં છે જ્યારે  ભાગ ભારતમાં છે.

સિયાચીન

સિયાચીન (યુદ્ધભૂમિ) : દુનિયાની લાંબામાં લાંબી હિમનદી ધરાવતો આ સિયાચીન વિસ્તાર દુનિયાનું ઊંચામાં ઊંચું યુદ્ધક્ષેત્ર પણ ધરાવે છે. તેનો એક તૃતીયાંશ ભાગ ભારતની હદમાં આવે છે. અહીં પ્રવાહી સ્થિતિમાં પાણી મળવું ઘણું કઠિન છે, તેથી ખર્ચાળ અને લાંબી પ્રક્રિયા દ્વારા બરફ ઓગાળીને પાણી મેળવાય છે. અહીંનો રોજિંદો જીવનવ્યવહાર ભારે પરિશ્રમ માગી લે છે. કેરોસીન અહીં જીવનજરૂરિયાતની ચીજોની યાદીમાં મોખરે આવે છે. ઊંચાઈ પર આવેલી ચોકીઓ સુધી કેરોસીન પહોંચાડવા માટે 2000ના વર્ષથી 121 કિમી. લાંબી કેરોસીન-ઑઇલ પાઇપ લાઇન કાર્યરત કરવામાં આવી છે. પ્રતિ કિમી.દીઠ ચાર લાખ રૂપિયાના ખર્ચે આ પ્રૉજેક્ટ હાથ ધરાયેલો, તે અંતર્ગત 24 પમ્પિંપગ-સ્ટેશનો નંખાયાં છે, એથી હવે હેલિકૉપ્ટરને કેરોસીનની ખેપ મારવી પડતી નથી. સમુદ્રસપાટીથી 6,600 મીટર ઊંચે પ્રાણવાયુનું પ્રમાણ 21 %થી ઘટીને 1213 % જેટલું થઈ જાય છે. માનવ-વસવાટ માટે તદ્દન પ્રતિકૂળ આ વિસ્તારમાં 55°થી 60° સે. જેટલું તાપમાન નીચું જવાથી અતિશય ઠંડી પડે છે. આ કારણે દેશના સૈન્યના તૈનાત જવાનો અહીં બેવડો જંગ લડે છે – એક, દુશ્મનો સામેનો જંગ તો બીજો, પ્રકૃતિ સામેનો જંગ. ભૂમિમાર્ગે અહીં પહોંચવાનો રસ્તો ન હોવાથી હેલિકૉપ્ટરો જ અવરજવર માટેનું મુખ્ય સાધન બની રહે છે. ભારતીય વાયુસેનાનાં ‘ચિત્તા’ અને ‘એમ. આઇ. 17’ હેલિકૉપ્ટરોની ખેપ સતત ચાલુ રહે છે, જે સૈનિકોને જરૂરી સામગ્રી તેમજ ખાદ્યપદાર્થો પહોંચતા કરે છે; પરંતુ હવામાન પ્રતિકૂળ બની જાય ત્યારે આવી ખેપો અટકી પડે છે. આથી ઊલટું, પાકિસ્તાનમાંથી ભૂમિમાર્ગે ત્યાં પહોંચી શકાય એવી ભૂપૃષ્ઠરચના હોવાથી પાકિસ્તાની સૈન્ય તેનો પૂરો લાભ ઉઠાવે છે.

પેંગોંગ સરોવર

અહીંની હાડ ચીરી નાખતી કાતિલ ઠંડીથી બચવા પ્રત્યેક સૈનિકે પહેરવા પડતા પોશાકની કિંમત લગભગ બે લાખ રૂપિયા જેટલી થાય છે. આયાત કરાતા આવા પોશાકમાં પ્રત્યેક સૈનિક હરહમેશ સજ્જ રહે છે. આ યુદ્ધભૂમિની ભૌગોલિક પરિસ્થિતિ જ એવી છે કે પ્રત્યેક સૈનિક દરેક ડગલે અને દરેક શ્વાસે ઈશ્વરને યાદ કરતો રહે છે. અહીંની બરફીલી પર્વતમાળાનું વાતાવરણ ભારે છેતરામણું બની રહે છે, સૈનિકો વારંવાર ગૅંગ્રીન અને હિમદંશના રોગોના ભોગ બને છે. 1984માં અહીં સૈન્યનું સર્વપ્રથમ થાણું ઊભું કરવામાં આવેલું ત્યારે હિમપ્રતિકાર કરી શકે એવા પોશાક ઉપલબ્ધ ન હોવાથી સૈનિકો વધુ પડતા હિમથી થતા રોગોનો શિકાર બન્યા હતા. 2004થી હિમપ્રતિરોધક પોશાક ઉપલબ્ધ થવાથી પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાયો છે. એ જ રીતે, સૈનિકો માટેનો ખોરાક પણ સમસ્યાઓ ઊભી કરતો હતો; પરંતુ ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશનના સંશોધન અને વિશેષ પ્રયાસોને કારણે ગરમાગરમ ખોરાક પીરસવાનું સ્વપ્ન સાકાર થયું છે. ઉપર્યુક્ત સંસ્થા દ્વારા તૈયાર કરાયેલા ‘પ્રી કૂક્ડ’ ખાદ્યપૅકેટો સૈનિકોને પહોંચાડાય છે. આ પૅકેટો તેમની અંદરનો ખોરાક ગરમ કરવાની સુવિધા ધરાવે છે. આ ઉપરાંત સૈનિકોની પ્રતિકારશક્તિ ટકાવી રાખવા તેમાં આવશ્યક પોષકતત્ત્વો ઉમેરાયેલાં હોય છે. સૈનિકોને શક્તિદાયક દૂધ મળી રહે તે માટે ખાસ પ્રકારનાં ટેટ્રાપૅક પણ વિકસાવાયાં છે.

યુદ્ધક્ષેત્ર પરની સુવિધાઓ પણ દિનપ્રતિદિન વિકસાવાઈ રહી છે. ભારતીય સૈનિકો માટે લેહ અને પરતાપુર બેઝ કૅમ્પમાં અદ્યતન સૈનિક હૉસ્પિટલની સગવડ ઊભી કરાતાં ઠંડીથી તથા ફેફસાંની બીમારીથી થતાં મૃત્યુ અટકી ગયાં છે. 153 પથારીની સુવિધા ધરાવતી આ હૉસ્પિટલને ઉધમપુરમાં આવેલી કમાન્ડ હૉસ્પિટલ સાથે સાંકળી લેવામાં આવી હોવાથી તબીબી સેવાઓ અને અન્ય સગવડોનો આંક ઊંચો ગયો છે.

બેઝ કૅમ્પ

મૂળ મુદ્દે સિયાચીન વિસ્તારમાં 1947થી 1984 સુધીનાં વર્ષો દરમિયાન સૈન્ય તૈનાત રાખી શકાતું ન હતું; પરંતુ 37 વર્ષોના આ ગાળા દરમિયાન ભારત-પાકિસ્તાન યુદ્ધોમાં ભારત વિજેતા નીવડતાં, 1970થી 1980ના દસકા દરમિયાન પાકિસ્તાની અટકચાળાં અને પર્વતારોહીઓનું પ્રમાણ વધી જતાં તેમજ પાકિસ્તાની કબજાનો ભય ઊભો થતાં ભારત સરકાર સાવધ બની ગયેલી. 1984માં ‘ઑપરેશન મેઘદૂત’ હાથ ધરીને ત્યાં રાતોરાત સેના ઉતારવામાં આવેલી. આ ઑપરેશન વાસ્તવમાં ભારતીય સૈન્યની કુનેહબાજી અને વ્યૂહરચનાની અપ્રતિમ સિદ્ધિ ગણાય છે. 13 એપ્રિલ, 1984ના રોજ ભારતીય વાયુસેનાનાં હેલિકૉપ્ટરો દ્વારા સેંકડો સૈનિકોને ત્યાં ઉતારવામાં આવેલા, એટલું જ નહિ, તે વેળા પર્વતીય મુકાબલાની વિશેષ તાલીમ ધરાવતી કુમાઉ બટાલિયનને પણ વાયુદળની મદદથી ત્યાં ઉતારાયેલી.

ભારતના દાવા મુજબ, હિંદુસ્તાનના વિભાજન સમયે થયેલી સમજૂતી અને પછીથી થયેલા સિમલા કરાર મુજબ સિયાચીન ભારતનો વિસ્તાર છે. ભારત-પાકિસ્તાનના યુદ્ધવિરામની ઘોષણા સમયે ત્યાં ભૌગોલિક સ્થિતિ જાળવી રાખવાની કલમ હતી. ચોકી નંબર એન.જે. 9842 વિસ્તાર બંને દેશો વચ્ચેની વાસ્તવિક સીમા-નિયંત્રણ-રેખા છે. તે સમયે બે દેશો વચ્ચેની અંકુશરેખા આ એન.જે. 9842 ચોકી આગળ પૂરી થતી હતી.

‘ઑપરેશન મેઘદૂત’ના સંદર્ભમાં પાકિસ્તાને ‘ઑપરેશન અબાબીલ’ હાથ ધરી ત્યાં સૈન્ય ઉતાર્યું ત્યારથી સિયાચીન વિસ્તાર બંને દેશોના સૈન્યની હાજરીથી ભરચક છે. ઊંચાઈવાળા આ વિસ્તાર પર મહાસત્તાનો ડોળો છે. આ વિસ્તારનું વ્યૂહાત્મક મહત્ત્વ વિશેષ એટલા માટે છે કે ત્યાંથી ચીન તેમજ સમગ્ર દક્ષિણ એશિયા પર ચાંપતી નજર રાખી તેને અંકુશમાં રાખી શકાય તેમ છે. આથી આ સમગ્ર ક્ષેત્ર પર મજબૂત પકડ જમાવવાના ઇરાદા અમેરિકા જેવી મહાસત્તાના હોઈ શકે.

શિયાળાના સમયમાં આ આખોય વિસ્તાર અસહ્ય કાતિલ ઠંડીથી ઘેરાઈ જાય છે. આવે સમયે માનવજીવન લગભગ અસંભવ બને ત્યારે વધુ ઊંચાઈવાળી ચોકીઓ છોડી સૈનિકો થોડી નીચાણવાળી ચોકીઓ પર ઊતરી આવે છે. 1987ના શિયાળામાં 6,346 મીટર પરની એક સૌથી ઊંચી ચોકી છોડી ભારતીય સૈનિકો નીચેની ચોકી પર આવ્યા ત્યારે ત્યાં પાકિસ્તાની સૈનિકોએ કબજો જમાવી દીધેલો. આ ચોકી પાછી મેળવવા આઠમી જમ્મુ-કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી બટાલિયનના જવાનોએ બે મહિના સુધી જાનની બાજી લગાવી અસાધારણ વીરતાથી એ ચોકી કબજે કરેલી. આ સાહસના સૂત્રધાર હતા બાના સિંઘ. તેમની આ અસાધારણ સિદ્ધિની કદર રૂપે તેમને ‘પરમવીર-ચક્ર’નું બહુમાન અપાયેલું. તેઓ સ્વહસ્તે ‘પરમવીરચક્ર’ મેળવનાર બડભાગી સૈનિક ગણાય. આ કારણથી વિશ્વભરની આ સૌથી ઊંચી ચોકી ‘બાના ટૉપ’ નામથી જાણીતી બની છે. ત્યાં એક સ્મારકસ્તંભ પણ રચવામાં આવ્યો છે, જે શૂરવીર સૈનિકોની જવાંમર્દીનું અને શહાદતનું શાશ્વત સ્મારક બની રહેલો છે.

ગ્લૅશિયર-વિસ્તાર

એપ્રિલ, 2004માં ભારતના રાષ્ટ્રપ્રમુખ એ. પી. જે. અબ્દુલ કલામે સિયાચીનની મુલાકાત લીધેલી અને તેઓ ત્યાં પહોંચનાર પ્રથમ રાષ્ટ્રપ્રમુખ હતા. તેમણે સૈનિકોને સધિયારો આપેલો કે દેશ તેમની કુરબાની અને જવાંમર્દીને ભૂલ્યો નથી. રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (એન. ડી. એ.) સરકારના સંરક્ષણમંત્રી જ્યૉર્જ ફર્નાન્ડિસ એવી વ્યક્તિ ગણાય, જે સંરક્ષણમંત્રીના નાતે વારંવાર મુલાકાતો લઈ સૈન્યની શક્ય જરૂરિયાતો સંતોષવા તથા તેને પ્રોત્સાહન પૂરું પાડવા પ્રયત્નશીલ રહ્યા હતા; આથી તેમને ‘મિનિસ્ટર ઑવ્ સિયાચીન ગ્લૅશિયર’નું બિરુદ મળેલું.

આ સંદર્ભમાં 12 જૂન, 2005નો દિવસ મહત્ત્વનો બની રહ્યો. આ દિવસે વડાપ્રધાન મનમોહન સિંઘે વિશ્વની આ સૌથી ઊંચી યુદ્ધભૂમિની મુલાકાત લીધેલી અને તેઓ આ વિસ્તારની સર્વપ્રથમ મુલાકાત લેનાર વડાપ્રધાનની યાદીમાં સ્થાન પામ્યા છે. આ મુલાકાત દરમિયાન તેમણે શાંતિ અંગેનો સર્વોચ્ચ આશાવાદ અભિવ્યક્ત કરતાં જણાવેલું કે ‘આ યુદ્ધભૂમિને શાંતિમાં તબદીલ કરવાનો સમય પાકી ગયો છે.’ અહીં સેવા આપતા સૈનિકોના મનોરંજન માટે બોલિવૂડના કેટલાક અભિનેતાઓ અવારનવાર કાર્યક્રમો આપે છે.

મે, 2007માં સંરક્ષણ-પ્રધાન એ. કે. ઍન્થની સિયાચીન વિસ્તારની મુલાકાતે ગયા ત્યારે જાંબાજ સૈનિકો માટે ફળોની રાણી એવી તાજી કેરીઓ ભેટ રૂપે લઈ ગયા હતા. સિયાચીન પર પહેરો ભરતા સૈનિકોનાં વસ્ત્રો માટે ભારત સરકાર ઊંચી કાળજી લે છે. ઠારબિંદુથી પણ નીચે માઇનસ 60 અંશ સેલ્સિયસ પર પહોંચતા તાપમાનને કારણે સૈનિકોને ‘ફાઇબર પાઇલ પેન્ટ’ (1 નંગની કિંમત રૂ. 14,174), સ્વિટ્ઝર્લૅન્ડનાં જૅકેટ (1 નંગ રૂ. 9,093નું), ઇટાલીના સ્કાર્પા બૂટ (1 જોડીની કિંમત રૂ. 6,990) પૂરા પાડવામાં આવે છે. દરેક સૈનિકને સત્તાવાર પંચાવન ચીજો તેના સ્વરક્ષણ માટે આપવામાં આવે છે. ઠંડાગાર પહાડી વિસ્તારો પરનું તેનું ચઢાણ સરળ બને તે માટે પર્વતીય સાધન સહિતની 19 આયાતી ચીજો પ્રત્યેક સૈનિકને પૂરી પાડવામાં આવે છે.

આ રીતે સિયાચીન વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ, સૌથી વધુ ઠંડીવાળો અને સૌથી મોંઘો યુદ્ધમોરચો પુરવાર થઈ રહ્યો છે. આ યુદ્ધમોરચે સરકારનો 2007માં દરરોજ ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ છે. આ પરિસ્થિતિમાં સિયાચીન વિસ્તારમાં ગોઠવાયેલા ભારતીય સૈનિકોને ‘પહેલાં જાન સાચવો અને પછી જંગે ચઢો’ એવો માર્ગદર્શક મંત્ર આપવામાં આવ્યો છે.

ગિરીશભાઈ પંડ્યા

રક્ષા મ. વ્યાસ