સિમ્પસન જેમ્સ યંગ
January, 2008
સિમ્પસન, જેમ્સ યંગ (જ. 7 જૂન 1811, બરથગેટ; અ. 6 મે 1870, લંડન) : સ્કૉટલૅન્ડના જગવિખ્યાત પ્રસૂતિશાસ્ત્રજ્ઞ (obstetrician). યંગના પિતાશ્રીની બેકરી હતી અને તેઓ તેમનું સાતમા નંબરનું સંતાન હતા. 1832માં યંગે એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી એમ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી અને આ જ યુનિવર્સિટીમાં તેમણે પ્રસૂતિશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. ઑક્ટોબર, 1846માં એક દર્દીની પ્રસૂતિ દરમિયાન તેમણે બ્રિટનમાં ઈથરનો ઉપયોગ કર્યો હતો; પરંતુ યંગને ઈથરને બદલે બીજો કોઈ વૈકલ્પિક પદાર્થ શોધવો હતો, કારણ કે ઈથરની તીવ્ર વાસ અગવડરૂપ હતી અને ક્યારેક પ્રસૂતિની મુખ્યત્વે વિલંબકારી પરિસ્થિતિમાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો પડતો હતો.
જેમ્સ યંગ સિમ્પસન
આથી યંગે ઘણા પદાર્થોનું પરીક્ષણ કર્યું અને સલામત પ્રસૂતિ માટે વેદનાશામક ક્લૉરોફૉર્મ દ્રવ્યને પ્રાધાન્ય આપ્યું. 1847માં પ્રથમ વાર સ્ત્રીને પ્રસૂતિપીડામાંથી રાહત આપવા તેમણે ક્લૉરોફૉર્મનો ઉપયોગ કર્યો; પરંતુ પ્રસૂતિવિજ્ઞાનના અન્ય નિષ્ણાત ચિકિત્સકો તેમજ ખ્રિસ્તી ધર્મગુરુઓએ તેનો ઉપયોગ કરવો તે ખ્રિસ્તી ધર્મગ્રંથ-(બાઇબલ)ની અવગણના છે તેમ ધારી તેનો વિરોધ કર્યો ! ધર્મગુરુઓની દલીલ પ્રમાણે સ્ત્રીઓએ પ્રસૂતિ દરમિયાન પીડા સહન કરવી જોઈએ એવો ઈશ્વરનો સંકેત છે અને તેમાં કોઈએ હસ્તક્ષેપ કરવો જોઈએ નહિ. લીવરપુલના ડૉ. પેર્ટીના મત મુજબ સુવાવડ દરમિયાન ક્લૉરોફૉર્મનો ઉપયોગ કરવો તે આરોગ્યના નીતિનિયમોના ઉલ્લંઘનરૂપ લેખાતું હતું. વળી શલ્યક્રિયા (surgery) દરમિયાન તેનો ઉપયોગ કરવાથી મૃત્યુદર વધે છે, રક્તસ્રાવમાં વધારો થાય છે, માતામાં પાગલપણું આવે છે અને તે લકવો તેમજ ન્યુમોનિયાનો ભોગ બને છે તેવું મનાતું હતું. 1853માં મહારાણી વિક્ટોરિયાના કુંવર લિયૉપૉન્ડના અને ત્યારબાદ 1857માં બિટ્રીસના જન્મ વખતે, સિમ્પસને મહારાણી વિક્ટોરિયાને ક્લૉરોફૉર્મ સૂંઘાડીને સફળતાપૂર્વક પીડા વગર પ્રસૂતિ કરાવી હતી. ક્લૉરોફૉર્મને મહારાણી વિક્ટોરિયાએ આખા વિશ્વની લાખો કૃતજ્ઞ માતાઓને અપાયેલી ભેટ તરીકે ઓળખાવી.
ક્લૉરોફૉર્મના ઉપયોગના વિરોધમાં થતી દલીલનો અંત આવ્યો. 1847 અને 1866માં સ્કૉટલૅન્ડનાં મહારાણીએ સિમ્પસનની પોતાના ચિકિત્સક તરીકેની નિમણૂક કરી અને તેમને 1866માં સ્કૉટલૅન્ડના પ્રથમ બૅરોનેટના ખિતાબથી નવાજ્યા.
સિમ્પસને સુવાવડ માટે આવેલી દરેક સ્ત્રીને મહારાણી ગણીને સારવાર આપી હતી. તેઓ એક ઉત્તમ કોટિના સર્જ્યન હતા અને હંમેશાં સર્જરીમાં નવા નવા પ્રયોગો કરવામાં પહેલ કરતા હતા. પ્રસૂતિને સહેલી બનાવવા તેમણે નવા પ્રકારના ચીપિયાની શોધ કરી, જે પછી પ્રસૂતિ-ચીપિયો (obstetric-forcep) તરીકે ઓળખાતો થયો.
સુવાવડમાં પ્રસૂતિ-ચીપિયાનો ઉપયોગ
ઍનેસ્થેસિયામાં ક્લૉરોફૉર્મની શોધ કરવા બદલ સિમ્પસને ખૂબ નામના મેળવી; પરંતુ તેઓ બધાને એમ જ કહેતા : ‘મારી સૌથી મોટી શોધ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જે મારા સ્વામી છે અને જેમણે મને અધોગતિમાંથી ઉગાર્યો છે.’ ક્લૉરોફૉર્મના ઉપયોગની શોધ બદલ એકૅડેમી ઑવ્ સાયન્સ સંસ્થાએ તેમને મૉન્થિયૉન પારિતોષિકથી સન્માનિત કર્યા. યંગે પ્રસિદ્ધ કરેલા લેખોને ખૂબ આવકાર મળ્યો હતો. તેમાં વિશેષે કરીને સ્કૉટલૅન્ડમાં રક્તપિત્ત (leprosy) વિશે લખેલ આરોગ્યનો ઇતિહાસ, રોગનિદાનશાસ્ત્ર અને ઉભયલિંગીપણાનાં જેવાં પ્રકાશનોનો સમાવેશ થાય છે.
સર સિમ્પસનના મૃત્યુથી શોકમગ્ન થયેલા 80,000 જેટલા કૃતજ્ઞો તેમની સ્મશાનયાત્રામાં જોડાયા હતા. તેમના ચાહકોએ પ્રિન્સેસ સ્ટ્રીયન એડિનબર્ગ ખાતે તેમની પાછળ એક વિશાળ સ્મારકની સ્થાપના કરી છે. વળી વેસ્ટમિન્સ્ટર એબ્બે ખાતે તેમની અર્ધપ્રતિમા(bust)નું સ્થાપન પણ કરવામાં આવ્યું છે.
યંગના મૃત્યુ બાદ તેમણે લખેલા (1) ‘એર્નિસ્પીર્ઝિયા’ (1871), (2) ‘સ્ત્રીઓમાં થતા રોગોનું પ્રત્યક્ષ વૈદ્યકીય શિક્ષણ’ (1872) અને (3) ‘પુરાતત્વવિદ્યા’ (1873) – ગ્રંથોનું પ્રકાશન કરવામાં આવ્યું છે.
યંગનાં સર્વ લખાણોનો સંગ્રહ ઇલિયૉનિસના પાર્ક રીજમાં વૂડ લાઇબ્રેરી – મ્યુઝિયમ ઑવ્ ઍનેસ્થેસિયૉલૉજી ખાતે રાખવામાં આવ્યો છે.
યોગેશ મ. દલાલ