સિમ્પસન, બૉબી (. 3 ફેબ્રુઆરી 1936, મૅરિક્વિલે, ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-ખેલાડી. તેઓ એક આધારભૂત લેગ-બ્રેક ઓપનિંગ-ગોલંદાજ ઉપરાંત એક મહાન સ્લિપ-ફિલ્ડર હતા. 16 વર્ષની વયે ન્યૂ સાઉથ વેલ્સ તરફથી રમીને તેમણે કારકિર્દીનો વહેલો પ્રારંભ કર્યો અને 21 વર્ષની વયે તો તેમણે ટેસ્ટ-પ્રવેશ કર્યો. છતાં વિસ્મય એ વાતનું રહ્યું કે છેક 6 વર્ષ અને 30 ટેસ્ટ પછી જ તેઓ ટેસ્ટ-ક્રિકેટમાં તેમની સર્વપ્રથમ સદી નોંધાવી શક્યા. એ પ્રસંગે 1964માં ઑલ્ડ ટ્રેફોર્ડ ખાતે તેમણે ઇંગ્લૅન્ડ સામે 311 રન ઝૂડી કાઢ્યા અને તે પછી ટેસ્ટમાં બીજી 9 સદી નોંધાવી. એ પ્રવાસમાં તેમણે ઑસ્ટ્રેલિયન કપ્તાન તરીકે કામગીરી બજાવી અને બધું મળીને 39 મૅચમાં તેમણે કપ્તાનપદ સંભાળ્યું. 10 વર્ષની ગેરહાજરી પછી 1977-78માં તેઓ ટેસ્ટ-મૅચ રમવા માટે પાછા ફર્યા અને 10 ટેસ્ટ રમ્યા.

બૉબી સિમ્પસન

આ રીતે પોતાના દેશના મોટાભાગના ખેલાડીઓ વર્લ્ડ સિરીઝ ક્રિકેટ માટે ચાલ્યા ગયા હતા અને પોતાના દેશની ટીમ અસ્તવ્યસ્ત બની ગઈ હતી, ત્યારે એ ટીમનું સુકાન સંભાળી લીધું; આમ 32 વર્ષની વયે તેમણે લીધેલી નિવૃત્તિ કસમયની જ હતી અને ભારત સામેની 5 ટેસ્ટની શ્રેણીમાં 539 રન (સરેરાશ 53.90) કર્યા એ તેમનું ઉમદા ખમીર બતાવે છે. એ શ્રેણી તેઓ 32થી જીત્યા હતા. જોકે પછી જોરાવર વેસ્ટ ઇન્ડિઝ સામે તેઓ ઓછા સફળ નીવડ્યા હતા. તેઓ શિસ્તના ચુસ્ત આગ્રહી હતા. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે :

(1) 62 ટેસ્ટ : 1952-78; 46.81ની સરેરાશથી 4,896 રન; 10 સદી; સૌથી વધુ જુમલો 311; 42.26ની સરેરાશથી 71 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 557; 110 કૅચ.

(2) 2 એક-દિવસીય મૅચ : 18.00ની સરેરાશથી 36 રન; સૌથી વધુ જુમલો 23; 47.50ની સરેરાશથી 2 વિકેટ; 4 વિકેટ.

(3) પ્રથમ કક્ષાની મૅચ : 1952-78; 56.22ની સરેરાશથી 21,029 રન; 60 સદી; સૌથી વધુ જુમલો 359; 38.07ની સરેરાશથી 349 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 533; 383 કૅચ.

મહેશ ચોકસી