સિમ્પલોન (ઘાટ અને બોગદું) : ઘાટ : સ્વિસ આલ્પ્સ પર્વતની આરપાર પસાર થતો ઘાટ. તે સ્વિસ આલ્પ્સનું પ્રવેશદ્વાર ગણાય છે. ઓગણીસમી સદીની શરૂઆતમાં અહીંના પર્વતીય ઘાટ પર નેપોલિયને લશ્કરની અવરજવર માટે રસ્તો તૈયાર કરાવેલો.

ઘાટ તરફ દોરી જતો આજનો રસ્તો રહોન નદીની ખીણમાં બ્રિગ ખાતેથી શરૂ થાય છે. આ રસ્તો 2,009 મીટરની ઊંચાઈ સુધી જાય છે, તે પછી આ રસ્તો ઇટાલીના લેક ડિસ્ટ્રિક્ટમાં નીચે ઊતરે છે.

બોગદું : સ્વિસ પર્વતની અંદર પસાર થતું બોગદું. તે સ્વિસ આલ્પ્સનું પ્રવેશદ્વાર ગણાય છે. 1906માં આ બોગદું પૂરું કરવામાં આવેલું. તે દુનિયામાંના લાંબામાં લાંબા રેલબોગદામાર્ગો પૈકીનો એક ગણાય છે. તેની લંબાઈ 20 કિમી. જેટલી છે અને તે 705 મીટરની ઊંચાઈએથી પર્વતને વીંધીને પસાર થાય છે.

ગિરીશભાઈ પંડ્યા