સિમોની સારા
January, 2008
સિમોની, સારા (જ. 19 એપ્રિલ 1953, રિવૉલી, વેરોના, ઇટાલી) : ઇટાલીનાં મહિલા ઍથ્લેટિક્સ-ખેલાડી. સૌપ્રથમ તેમણે 1972માં ઑલિમ્પિક રમતોમાં ભાગ લીધો અને તેઓ છઠ્ઠા ક્રમે રહ્યાં. તેઓ 3 ઑલિમ્પિક ચંદ્રકનાં વિજેતા બન્યાં. 1980માં સુવર્ણચંદ્રક અને 1976 તથા 1984માં રજતચંદ્રક. 1978માં તેઓ યુરોપિયન ચૅમ્પિયન બન્યાં; 1974 તથા 1982માં કાંસ્યચંદ્રક જીત્યાં; 1971માં તેઓ નવમા ક્રમે રહ્યાં. તેઓ 4 યુરોપિયન ઇનડૉર વિજયપદકનાં અને વર્લ્ડ સ્ટુડન્ટ ગેમ્સનાં 2 વિજયપદકનાં વિજેતા બન્યાં; 13 વખત તેઓ ઇટાલિયન ચૅમ્પિયન બન્યાં; ઑગસ્ટ, 1978માં 2.01 મી.નો વિશ્વવિક્રમ તેમણે 2 વખત પાર કર્યો અને એ રીતે યુરોપિયન ચૅમ્પિયનશિપનાં વિજેતા બન્યાં. આના પરિણામે ઇટાલિયન વિક્રમની તેમની સંખ્યા 21 જેટલી થઈ.
તેઓ શારીરિક શિક્ષણનાં ઇન્સ્ટ્રક્ટર હતાં અને 1986માં સ્પૉર્ટસના ટી. વી. કાર્યક્રમમાં ભાગીદાર પણ બન્યાં.
મહેશ ચોકસી