સિન્હા, ગોપાલ પ્રસાદ
September, 2025
સિન્હા, ગોપાલ પ્રસાદ (ડૉ.) (જ. 25 માર્ચ 1943, પટણા, બિહાર, ભારત) : પ્રખ્યાત ચિકિત્સક અને ન્યુરોલૉજિસ્ટ. તેઓ પટના મેડિકલ કૉલેજના મેડિસિન અને ન્યુરોલૉજી વિભાગના ભૂતપૂર્વ વિભાગ-અધ્યક્ષ છે.

ગોપાલ પ્રસાદ સિન્હા
તેમણે 1965માં પટના મેડિકલ કૉલેજમાંથી સ્નાતક અને 1968માં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેઓએ વિયેના, ઑસ્ટ્રિયા તથા ઇંગ્લૅન્ડમાંથી ન્યુરોલૉજીમાં પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમને 1990માં મેડિસિન અને ન્યુરોલૉજીના પ્રોફેસર અને 1998માં વિભાગ-અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. માર્ચ 2001માં તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી આ પદ પર રહ્યા. તેમણે ‘સેન્ટર ઑવ્ એક્સેલન્સ ફોર પોસ્ટ ગ્રૅજ્યુએટ’ની સ્થાપના કરી. આ કેન્દ્રમાં તેઓ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભણાવે છે. કાલાજાર (Visceral Leishmaniasis) નામના વ્યાધિ પર તેમના દ્વારા કરવામાં આવેલા સંશોધનથી હજારો દર્દીઓને લાભ મળ્યો. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પત્રિકાઓમાં તેમના ઘણા લેખો છપાયા છે. તે ઉપરાંત તેમણે ઘણાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં પોતાનાં સંશોધનપત્રો પ્રસ્તુત કર્યા છે. ભારત સરકારે તેમને 2000માં કાલાજાર સમિતિના સદસ્ય બનાવ્યા. કાલાજાર કાલા-અઝર તરીકે પણ ઓળખાય છે. કાલાજારને મૂળમાંથી નાબૂદ કરવા માટે તેઓએ અથાગ પરિશ્રમ કર્યો છે. તેમનાં સંશોધનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરનાં મેડિકલ જર્નલોમાં પ્રકાશિત થયાં છે. તેઓ એક શ્રેષ્ઠ સમાજસેવક પણ છે. અને સમાજસેવાના ઉદ્દેશ્યથી વિભિન્ન સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. તેઓએ બિહારનાં ગામોમાં લગભગ 300 ચિકિત્સા શિબિરોનું આયોજન કર્યું. તેઓએ ‘વૉર ક્રાય અગેઇન્સ્ટ પોપ્યુલેશન એક્સપ્લોઝન ઇન બિહાર’ નામે આંદોલન શરૂ કર્યું. તેઓ પર્યાવરણ સંરક્ષણને વેગ આપવો, વૃક્ષારોપણ, ગંગા – પ્રદૂષણનિયંત્રણ અને બિહારના શાસ્ત્રીય સંગીતના પુનરુદ્ધાર જેવા કાર્યક્રમો સાથે પણ જોડાયેલા છે.
2004માં તેઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો.
પૂરવી ઝવેરી