સિન્હા, યશવંત (જ. 6 નવેમ્બર 1937, પટણા, બિહાર) : પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી, પૂર્વ કેન્દ્રીય વિદેશમંત્રી, નિવૃત્ત આઈએએસ અધિકારી, તૃણમૂલ કૉંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ. 1958માં રાજ્યશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયેલા યશવંત સિન્હા 1960માં ઇન્ડિયન સિવિલ સર્વિસમાં પાસ થઈને આઈએએસ બન્યા હતા.

યશવંત સિન્હા

1984 સુધી સરકારના વિવિધ વિભાગોમાં ઉચ્ચ અધિકારી તરીકે કાર્ય કરનારા યશવંત સિન્હા સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને રાજકારણમાં જોડાયા હતા. 1986માં યશવંત સિન્હા જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બન્યા હતા. 1988માં રાજ્યસભાના સાંસદ થયા હતા. ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા ત્યારે યશવંત સિન્હા તેમની સરકારમાં 1990થી 1991 દરમિયાન પ્રથમ વખત નાણામંત્રી બન્યા હતા. ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને 1996માં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારી તેમને સોંપાઈ હતી. ભાજપની ટિકિટ પર તેઓ 1998, 1999 અને 2009માં હઝારીબાગની બેઠકથી લોકસભાના સાંસદ બન્યા હતા. અટલબિહારી વાજપેયીની સરકારમાં તેઓ 1998થી 2002 સુધી કેન્દ્રીય નાણામંત્રી અને 2002થી 2004 સુધી વિદેશમંત્રી રહ્યા હતા. યશવંત સિન્હા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતા, પરંતુ 2009માં તેમણે રાજીનામુ આપી દીધું હતું. 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ-એનડીએની સરકાર રચાઈ ત્યારે યશવંત સિન્હાના પુત્ર જયંત સિન્હાને મંત્રી બનાવાયા હતા. યશવંત સિન્હા વર્તમાન સરકારના ટીકાકાર તરીકે જાણીતા છે. ભાજપના ટોચના નેતાઓ સાથે મતભેદો વધતાં 2018માં તેમણે પાર્ટીનું સભ્યપદ છોડી દીધું હતું. 2021માં તેઓ તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાયા હતા. તૃણમૂલ કૉંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યશવંત સિન્હાને વિપક્ષોએ રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. તૃણમૂલ કૉંગ્રેસમાંથી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બન્યા હોય એવા યશવંત સિન્હા પ્રથમ નેતા છે.

હર્ષ મેસવાણિયા