સિન્ડિકેટ-કાર્ટેલ
January, 2008
સિન્ડિકેટ–કાર્ટેલ : (1) સિન્ડિકેટ : વ્યક્તિ ભાગીદારી પેઢી અથવા કંપની જેવા બધા ધંધાકીય એકમો વચ્ચે કાયદેસરનું અસ્તિત્વ ધરાવ્યા વગરનું સામાન્ય હેતુથી – મુખ્યત્વે નફાના હેતુથી – અંદરોઅંદર સમજૂતી કરીને ખરીદી અને વેચાણોના કેન્દ્રીકરણવાળું સંગઠન; (2) કાર્ટેલ : સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી એકથી વધારે વ્યક્તિઓ ભાગીદારી પેઢીઓ અથવા કંપનીઓએ પોતપોતાના ઉત્પાદન અથવા સેવા અંદરોઅંદર નક્કી કરેલા ભાવે અને નક્કી કરેલા વિસ્તારમાં વેચવા માટે એકત્ર થઈને બનાવેલી મંડળી.
(1) સિન્ડિકેટ : એક જ પ્રકારનો ધંધો કરતા સ્વતંત્ર એકમોનું એકત્રીકરણ બે પ્રકારે થાય છે : (ક) એક એકમનું બીજા એકમમાં વિલયન (merger) થઈને પ્રથમ એકમ પોતાનું અસ્તિત્વ નિર્મૂળ કરે છે. આ પ્રકારની પ્રક્રિયા સ્થાયી હોય છે અને (ખ) એક એકમ બીજા એકમથી પોતાનું અલાયદું અસ્તિત્વ જાળવી રાખે છે અને ઇચ્છાનુસાર એક એકમ બીજા એકમથી પોતાના સંબંધોનું વિચ્છેદન કરી શકે છે. આ પ્રક્રિયા સિન્ડિકેટ તરીકે ઓળખાય છે. તે અલ્પકાલીન હોઈ શકે છે. સિન્ડિકેટનો પ્રત્યેક સભ્ય પોતપોતાનો આગવો ધંધો કરતો હોય છે; પરંતુ ધંધાનું હિત જાળવવા માટે બીજા ધંધાદારીના સહકારની જરૂર પડે છે તેથી બધા એકમો એકત્ર થઈને સિન્ડિકેટ બનાવે છે. સિન્ડિકેટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ લૉઇડ્ઝ અન્ડરરાઇટર્સ નામની સિન્ડિકેટ છે. દરિયાઈ વીમાનો ધંધો ઘણો જોખમકારક છે તેથી એક જ અન્ડર-રાઇટર આખા વીમાનું જોખમ લેતાં ખચકાય છે. આવું જોખમ નિવારવા માટે એકથી વધારે અન્ડરરાઇટરો એક સમુદાય (group) બનાવીને પ્રત્યેક ગ્રાહક સાથે દરિયાઈ વીમાનો કરાર કરે છે, જેથી વીમાની રકમ ચૂકવવાનો પ્રસંગ ઊભો થાય ત્યારે દરેક અન્ડરરાઇટર ફક્ત પોતાના ભાગની રકમ ચૂકવવા પૂરતો જ જવાબદાર રહે.
(2) કાર્ટેલ : આ પ્રકારનું બનાવવાથી વ્યક્તિ, ભાગીદારી પેઢી અથવા કંપનીઓ અંદરોઅંદરની હરીફાઈ નાબૂદ કરીને એક પ્રકારની જાહેર હિત વિરુદ્ધની ઇજારાશાહી ઊભી કરે છે.
કાર્ટેલની શરૂઆત સૌથી પ્રથમ જર્મનીમાં થઈ. ઈ. સ. 1862માં સૌથી પહેલાં ટિન-પતરાના ધંધામાં કાર્ટેલની રચના થઈ. ઈ. સ. 1862માં ટિન-પતરાનું ઉત્પાદન માંગ કરતાં વધી ગયું હતું. આથી પડતર કરતાં વેચાણકિંમત ઓછી આવવા માંડી. આથી, ઉત્પાદકોએ ભેગા થઈને માંગના પ્રમાણમાં પુરવઠો રાખવાની સમજૂતી કરી. આ સમજૂતી તે સૌથી પહેલું કાર્ટેલ. ત્યારબાદ ઘણી ઉત્પાદિત વસ્તુઓનાં કાર્ટેલ થયાં. આમ, એની શરૂઆત પ્રસંગે કાર્ટેલ ખોટથી બચવા માટેનું સંગઠન હતું; પરંતુ સમય જતાં ઉત્પાદકોને સમજાયું કે કાર્ટેલોને કારણે ઓછું આદાન કરીને વધારે નફો મેળવી શકાય છે. નફો ઓછો થાય તોપણ ધંધાદારીઓ હરીફાઈ તો કરે જ, એ મત અવાસ્તવિક ઠર્યો. તેઓ ભેગા થાય ત્યારે ગ્રાહકને ઓછા ભાવે ઊંચી ગુણવત્તાવાળી પેદાશ/સેવા આપવા માટે મંત્રણા કરતા નથી, પણ તે બધા એક થઈને ગ્રાહક પાસેથી વધારે નફો કેવી રીતે મળે તેની તરકીબો શોધતા હોય છે, તે કાર્ટેલોની રચનાથી સમજાયું. પરિણામે, કાર્ટેલો થકી કૃત્રિમ તંગી અને ઊંચા ભાવનાં દૂષણ અર્થકારણમાં દાખલ થયાં. જે ધંધામાં સહેલાઈથી પ્રવેશ શક્ય હતો તેમાં ઊંચા ભાવ અને કૃત્રિમ તંગીનો લાભ લેવા નવા ઉત્પાદકો પ્રવેશતા. તેઓ કાર્ટેલોના ભાવ કરતાં ઓછા ભાવે વેચાણ કરી પોતાનો નફો રળતા અને કાર્ટેલોને તોડતા. જર્મનીમાં આમ કાર્ટેલોનાં સર્જન-વિસર્જન જાણે તાલબદ્ધ રીતે થયાં. અન્ય દેશોમાં પણ આવી સમજૂતીઓ જુદાં નામોથી અને થોડાઘણા ફેરફારો સાથે થઈ. આ સમય દરમિયાન મુક્ત અર્થકારણના વિચારોનો પ્રભાવ પુષ્કળ હતો. આર્થિક પ્રવૃત્તિઓમાં સરકારની ન્યૂનતમ દખલગીરીનો આગ્રહ સેવાતો હતો. આ બાબતનો લાભ લઈને કાર્ટેલો દ્વારા મુક્ત બજારમાં તંદુરસ્ત હરીફાઈને બદલે ઇજારો સ્થાપવામાં આવતો હતો. નવા ઉત્પાદકો કાર્ટેલોને તોડતા હતા, પણ તેઓ ધંધામાં સ્થિર થઈને પોતાનું નવું કાર્ટેલ બનાવી લેતા હતા. વળી એ ધંધામાં મૂડીરોકાણો મોટા કદમાં હતાં અને સ્થિર પડતર ઊંચી આવતી હતી ને એકમો નષ્ટ થઈ જતા હતા; આર્થિક સાધનોનો બગાડ વધારે થતો હતો અને જેમાં નવા ઉત્પાદકો પ્રવેશી શકતા નહિ તે ક્ષેત્રોમાં કાર્ટેલજનિત ઇજારો લાંબો સમય ચાલતો હતો. આથી તેમાં બિનકાર્યક્ષમતા અને ગ્રાહકોનું શોષણ લાંબો સમય ચાલતાં હતાં.
વીસમી સદીની શરૂઆતથી ધંધાકીય એકમોએ સામાજિક જવાબદારી નિભાવવી જોઈએ તેવો મત વ્યક્ત થવા માંડ્યો. રશિયામાં બૉલ્શેવિક ક્રાંતિ થઈ. મૂડીવાદી રાષ્ટ્રોએ સામ્યવાદથી બચવા માટે કલ્યાણરાજ્યનો ખ્યાલ સ્વીકાર્યો. પરિણામે, કાર્ટેલો અને તેવાં અન્ય સ્વરૂપોને કાં તો ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યાં અથવા તેઓ ઇજારાનું સર્જન નહિ કરે તેમજ ગ્રાહકવિરોધી નહિ બને તે માટે અનેક કાયદા થયા. વીસમી સદીના અંતભાગમાં વૈશ્ર્વિકીકરણની ઝુંબેશના ભાગસ્વરૂપ વિશ્વવ્યાપાર-વ્યવસ્થા (World Trade Organisation – WTO) અસ્તિત્વમાં આવી. વૈશ્ર્વિકીકરણની સાથે સાથે તંદુરસ્ત હરીફાઈ થાય તે માટે વિશ્વવ્યાપાર વ્યવસ્થાએ અનેક નિયમો કર્યા છે અને સભ્ય દેશોને તેના આધારે કાયદા કરવા જણાવ્યું છે. ભારત-સહિત અનેક દેશોએ તંદુરસ્ત હરીફાઈ જળવાઈ રહે તે માટેના ધારા કર્યા છે. વિશ્વવ્યાપાર સંસ્થા ઇજારાને મૂળથી ડામવા માટે વૈશ્ર્વિક આર્થિક વ્યવહારો પર નિગાહ રાખે છે. કાર્ટેલો જેવી સમજૂતીઓ નવા નામે અને સ્વરૂપે પ્રગટે નહિ તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. આમ છતાં ઇન્ટરનૅશનલ ઍર ટ્રાન્સપૉર્ટ ઍસોસિયેશન નામનું એક આંતરરાષ્ટ્રીય કાર્ટેલ વિશ્વની જુદી જુદી હવાઈ પરિવહન કંપનીઓ વચ્ચે વિમાનોના દર નક્કી કરવા માટે અને નફાનું ધોરણ જાળવી રાખવા માટે બનાવવામાં આવ્યું છે. તેનાથી હવાઈ મુસાફરી સહીસલામત બની છે. આ કાર્ટેલનો સભાસદ તેના નિયમો અને શરતોનો ભંગ કરે તો તેને દંડ કરવામાં આવે છે.
મૉનોપૉલિઝ ઍન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેઇડ પ્રેક્ટિસિઝ ઍક્ટ, 1970 (MRTP Act) : આ કાયદો ભારતમાં જૂન, 1970થી અમલમાં મુકાયો હતો. આ ધારામાં જણાવાયું હતું કે એનો મુખ્ય હેતુ ઇજારાથી મળતી આર્થિક સત્તાના દુરુપયોગને અટકાવવાનો હતો. આ માટે કાયમી ધોરણે પંચ નીમવાની જોગવાઈ કરવામાં આવી હતી. આ પંચને કોઈ પણ ઇજારો ધરાવતા ધંધાકીય એકમની તપાસ કરવાનો અને તેને સુધારવા માટેનાં સૂચનો કરવાનો હક્ક આપવામાં આવ્યો હતો. કાયદામાં ઇજારાની વ્યાખ્યા આપવામાં આવી હતી કે ત્રણથી વધારે નહિ એવી ધંધાદારી પેઢીઓનું એમના બજારમાં વર્ચસ્ હોય તો તે ઇજારો છે. પંચને જો ઇજારો હોવાનું માલૂમ પડે તો તે દૂર કરવા માટે સરકારને ભલામણ કરવાનો હક્ક કાયદાએ પંચને આપ્યો હતો. બીજી બાજુ, રિસ્ટ્રિક્ટિવ એટલે કે અંકુશિત વ્યાપારી વ્યવહારોની કાયદાએ વ્યાખ્યા આપી હતી કે બે કે તેનાથી વધારે પેઢીઓ સ્વૈચ્છિક સમજૂતી કરીને તેના આધારે તેમની વચ્ચેની હરીફાઈને ટાળે તો તે અંકુશિત વ્યવહારો બને છે. આ વ્યવહારોની બાબતમાં કાયદાએ પંચને અદાલતનો દરજ્જો આપ્યો હતો. જે ધંધાદારી ક્ષેત્રે પંચને અંકુશિત વ્યવહારો હોવાનું માલૂમ પડે તો તે માટે અદાલતી પ્રક્રિયા કરી સમજૂતી કરનાર ધંધાકીય એકમોને સજા ફટકારી શકે અને હુકમ કરીને તેવી સમજૂતી રદ હોવાનું જાહેર કરી શકે. ત્યારબાદ પણ જો એ એકમો અંકુશિત વ્યવહારો કરતા માલૂમ પડે તો પંચ અદાલતના તિરસ્કારનો ગુનો દાખલ કરી શકે. પરસ્પર સ્વૈચ્છિક સમજૂતી કરતા એકમોની કુલ મિલકતોના આધારે જે એકમો મોટા ગણાય તેને જ આવરી લેવાનું આ કાયદામાં નક્કી થયું હતું. આમ કરીને નાના ધંધાદારીઓને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવી હતી. કયા એકમોએ પરસ્પર સ્વૈચ્છિક સમજૂતી કરેલી કહેવાય તેનું વિવરણ આ કાયદામાં કરવામાં આવ્યું હતું. સમયાંતરે મોટા ગણાતા એકમો અને આંતર-સંબંધના વિવરણમાં ફેરફારો કરાયા હતા. જે ક્ષેત્રોમાં ઇજારો અને અંકુશિત વ્યાપારી વ્યવહારો આપવા દેવા નહિ હોય તેને અર્થકારણનાં ‘હાર્દ ક્ષેત્રો’(core sectors)થી જાહેર કરવાનું આ કાયદામાં જણાવવામાં આવ્યું હતું. કયા ઉદ્યોગને હાર્દ ક્ષેત્રમાં રાખવો તે નક્કી કરવાની સત્તા આ કાયદાથી કેન્દ્રસરકારને આપવામાં આવી હતી. આ કાયદાને સ્થાને હવે કૉમ્પિટિશન ઍક્ટ, 2002 ઘડાયો છે.
સૂર્યકાંત શાહ