સિન્ડર (cinder) : જ્વાળામુખીજન્ય દ્રવ્ય. જ્વાળામુખી સ્કોરિયા. જ્વાળામુખીજન્ય સ્કોરિયાયુક્ત લાવા. પ્રાથમિકપણે તે બિનસંશ્લેષિત, આવશ્યકપણે કાચમય અને જ્વાળામુખી-પ્રસ્ફુટિત કોટરયુક્ત કણિકાદ્રવ્ય કે જેનો વ્યાસ 3થી 4 મિમી. ગાળાનો હોય તેને સિન્ડર તરીકે ઓળખાવવામાં આવે છે. ક્યારેક તે વિવિધ કદના, પરંતુ નાના પરિમાણવાળા જ્વાળામુખી દ્રવ્યથી બનેલા હોઈ શકે. જ્વાળામુખીજન્ય ભસ્મ કે કણિકાઓ જેવું દ્રવ્ય જ્યારે જ્વાળામુખી- કંઠની આજુબાજુ જામતું જાય, પણ ઘનિષ્ઠ ન બનેલું હોય, ત્યારે એકત્રિત થતો જથ્થો મધ્યમ કદના શંકુ આકારમાં ગોઠવાય છે, તેને સિન્ડર શંકુ કહે છે. તેમના શિખાગ્રભાગ અણીવાળા હોતા નથી, ઢોળાવો આછાથી સીધા સુધીના હોઈ શકે છે અને ચોતરફી ગોળાકાર ભૂમિસ્વરૂપ રચે છે. ભસ્મશંકુ કરતાં તો તે મોટા કદના હોય છે તેમ છતાં ક્યારેક તેમને ભસ્મશંકુ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. (જુઓ જ્વાળામુખી.)

ગિરીશભાઈ પંડ્યા