સિન્ગર, માઇકલ (Singer, Michael) (. 1945, અમેરિકા) : આધુનિક અમેરિકન અમૂર્ત શિલ્પી. પથ્થરમાંથી બનાવેલા ઘન, પિરામિડ, લંબઘન, નળાકાર, શંકુ અને દડાના સંયોજન વડે તેઓ અમૂર્ત શિલ્પો ઘડે છે. પેડેસ્ટલનો ઉપયોગ તેમણે ટાળ્યો છે; તેથી તેમનાં શિલ્પ ભોંય પર જ સ્થિર થયેલાં જોવા મળે છે. તેમણે કૉર્નલ યુનિવર્સિટીમાં શિલ્પકાર-ચિત્રકાર પ્રાધ્યાપક આલાન કૅપ્રોવ હેઠળ શિલ્પકલાનો અભ્યાસ કરેલો. ત્યારબાદ યુ.એસ.ના પૂર્વ કાંઠે લૉન્ગ આઇલૅન્ડ પરનાં ખારાં પાણીનાં કળણોમાં જઈ ખરબચડી સપાટી ધરાવતા ખડકો અને તૂટેલાં મકાનોના થાંભલા અને સિમેન્ટના આડા પાટાનું સંયોજન કરી અમૂર્ત શિલ્પોની એવી રચનાઓ કરી જે ચોમેરના પ્રાકૃતિક માહોલ સાથે સામંજસ્ય (harmony) ધરાવતી હોય.

અમિતાભ મડિયા