સિન્ક્રૉનિઝમ (synchronism) : પૅરિસમાં 1912માં બે ચિત્રકારો મૉર્ગન રસેલ અને સ્ટૅન્ટન મૅક્ડૉનાલ્ડ રાઇટ દ્વારા શરૂ કરવામાં આવેલી માત્ર રંગો પર ખાસ ભાર મૂકતી અમૂર્ત ચિત્રકલાની શાખા. આ ચિત્રોમાં રંગરંગીન વમળોની સૃદૃષ્ટિ જોવા મળે છે. એ બંનેએ આ પ્રકારનાં ચિત્રો ચીતરવાની પ્રેરણા ઑર્ફિઝન શાખાના કાર્યરત ચિત્રકારો રૉબર્ટ ડેલોને અને ફ્રૅન્ટિસેક કુટકામાંથી લીધી હતી. રસેલે પોતાનું પ્રથમ સિન્ક્રૉનિસ્ટ ચિત્ર 1913માં પૅરિસ ખાતે પ્રદર્શિત કર્યું હતું. એ વર્ષે પ્રથમ સિન્ક્રૉનિસ્ટ ચિત્રપ્રદર્શન મ્યૂનિક ખાતે યોજાયું હતું. 1914માં સિન્ક્રૉનિસ્ટ ચિત્રોનું પ્રદર્શન ન્યૂયૉર્કમાં યોજાયું હતું. 1916માં મૅક્ડૉનાલ્ડ રાઇટે સિન્ક્રૉનિઝમ ઉપર એક સ્ટેટમેન્ટ પ્રસિદ્ધ કર્યું; જેમાં તેણે દેખીતા જગતની આકૃતિઓ ફગાવી દઈ રંગોના લસરકાના મુક્ત લયનો મહિમા કર્યો હતો. અમેરિકન ચિત્રકારો થૉમસ હાર્ટ બેન્ટૉન, પૅટ્રિક હેન્રી બ્રૂસ તથા એન્ડ્રૂ ડેસ્બર્ગ સિન્ક્રૉનિઝમ તરફ ટૂંકા ગાળા માટે આકર્ષાયા હતા. 1919માં સિન્ક્રૉનિઝમનો ત્યાગ કરી રસેલ અને મૅક્ડૉનાલ્ડે ભૌતિક વિશ્વમાં દેખાતી દુન્યવી આકૃતિઓની રજૂઆત ચિત્રોમાં કરવી શરૂ કરી. અમેરિકામાં અમૂર્ત ચિત્રકલાના પ્રસાર અને વિસ્તારમાં સિન્ક્રૉનિઝમનો ફાળો નિર્ણાયક છે. 1919માં સિન્ક્રૉનિઝમ આંદોલનનો અંત આવ્યો.

અમિતાભ મડિયા