સિનાત્રા ફ્રૅન્ક
January, 2008
સિનાત્રા, ફ્રૅન્ક (જ. 12 ડિસેમ્બર 1915, હોબૉકન, ન્યૂ જર્સી; અ. 14 મે 1998) : અમેરિકાના નામી ગાયક અને ફિલ્મી અભિનેતા. 1933માં જ્યારે તેઓ કલાપ્રેમી પ્રતિભાની સ્પર્ધામાં જોડાયા ત્યારથી તેમની ગાયક તરીકેની કારકિર્દીનો પ્રારંભ થયો. પછી તેઓ હૉબોકન ફૉર નામક અર્ધધંધાદારી જૂથમાં જોડાયા. 1939માં બૅન્ડના વડા હેરી જેમ્સે એક કાફેમાંથી તેમની ભરતી કરી. 1939માં તેમના ગીત ‘ફ્રૉમ ધ બૉટમ ઑવ્ માઇ હાર્ટ’નું જેમ્સ બૅન્ડ સાથે રેકર્ડિંગ કરવામાં આવ્યું. 1940-42માં તેમણે ટૉમીડૉર્સિ ઑરકેસ્ટ્રા સાથે ગીતો ગાયાં અને 31મી ડિસેમ્બર, 1942ના રોજ એકલ ગાયક તરીકે બેહદ સફળતા પ્રાપ્ત કરી.
ફ્રૅન્ક સિનાત્રા
1943માં તેમણે ‘હાયર ઍન્ડ હાયર’ ચલચિત્રમાં તેમજ 1945માં વંશીય અસહિષ્ણુતા પરની ટૂંકી ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે ભૂમિકા ભજવી. 1953માં તેમની ફિલ્મ ‘હાઉસ આઇ લીવ ઇન’ને અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો. ‘ફ્રૉમ હિયર ટુ ઇટર્નિટી’ નામના વિખ્યાત ચિત્રમાંના તેમના અભિનય બદલ તેમને ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો ત્યારે તેમની કારકિર્દીમાં લોકપ્રિયતાનો સંચાર થયો. ત્યારપછી અનેક ચિત્રોમાં તેમને પોતાની જ પસંદગીનાં પાત્રોમાં અભિનય કરવાની તક મળવા લાગી. તેમાં ‘હાઈ સોસાયટી’ (1956); ‘પાલ જૉઇ’ (1957); ‘ધ મંચુરિયન કૅન્ડિડેટ’ (1962); ‘વૉન રાયન્સ ઇક્સપ્રેસ’ (1965); ‘ધ ડિટેક્ટિવ’ (1968) અને ‘ફર્સ્ટ ડેડ્લી સીન’ (1981) મુખ્ય છે. 1971માં તેમને એકૅડેમી ઑવ્ મોશન પિક્ચર્સ આર્ટ્સ ઍન્ડ સાયન્સીઝ તરફથી જીન હર્શોલ્ટ હ્યુમેનિટેરિયન ઍવૉર્ડ એનાયત થયો હતો.
1960થી તેમણે તેમની પોતાની રેકર્ડિંગ કંપની શરૂ કરેલી. તેમનાં સંખ્યાબંધ રેકર્ડિંગમાં સર્વોત્તમ ગીતો રજૂ કર્યાં. તેમાંથી ‘સૉંગ્ઝ ફૉર સિંગિંગ લવર્સ’ (1956) તથા ‘કમ ફ્લાય વિથ મી’ (1959) જેવાં આલબમ તથા ‘ધેટ ઇઝ લાઇફ’ (1966) તથા ‘માઇ વે’ (1969) જેવાં રેકર્ડિંગ જાણીતાં છે.
તેમનું અંગત જીવન આવા ગાર્ડનર જેવી વિખ્યાત અભિનેત્રી સાથેના તેમજ મિયા ફૅરો સાથેના ક્ષુબ્ધ લગ્નજીવન અને માફિયા જૂથ સાથેની કહેવાતી સંડોવણી વગેરેના કારણસર સતત વિવાદનું કેન્દ્ર બની રહ્યું હતું.
મહેશ ચોકસી