સિનાઈ (દ્વીપકલ્પ) : રાતા સમુદ્રને મથાળે આવેલો ઇજિપ્તનો દ્વીપકલ્પ. સુએઝની નહેર અને સુએઝના અખાતની પૂર્વમાં તથા પશ્ચિમ ઇઝરાયલની સીમા પર આવેલો ઇજિપ્તનો ભાગ. ભૌગોલિક સ્થાન : તે 29° 30´ ઉ. અ. અને 34° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 65,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દ્વીપકલ્પ નાના નાના રણદ્વીપો સહિત સૂકા ભૂમિપ્રદેશથી બનેલો છે. તેના ઉત્તર ભાગમાં કિનારાનું રેતાળ મેદાન આવેલું છે, મધ્યમાં ચૂનાખડકથી બનેલો, ઊંચાઈ ધરાવતો ઉચ્ચપ્રદેશ છે; જ્યારે દક્ષિણ તરફ પર્વતો આવેલા છે.

આ દ્વીપકલ્પમાં ખનિજતેલ, કુદરતી વાયુ, કોલસો, મૅંગેનીઝ અને બીજાં કેટલાંક ખનિજો મળે છે. નાઈલ નદીનાં જળ સિંચાઈ માટે સુએઝ નહેરની નીચેથી પસાર કરીને અપાય છે.

સિનાઈ દ્વીપકલ્પ અને ઇજિપ્તનો પશ્ચિમ ભાગ સાતમી સદીમાં ઇસ્લામિક સામ્રાજ્યના એક પ્રાંત તરીકે ભેગા હતા. 1906માં ગ્રેટબ્રિટન તથા ઑટોમન સામ્રાજ્ય વચ્ચે કરાર થયેલા, તે મુજબ તેનો કબજો ઇજિપ્તને મળ્યો. 1967ના આરબ-ઇઝરાયલી યુદ્ધ દરમિયાન ઇઝરાયલી દળોએ સિનાઈનો કબજો લઈ લીધેલો. 1970ના દાયકામાં ઇઝરાયલી દળોને સિનાઈમાંથી પાછા ખેંચી લેવા માટે ઇજિપ્ત-ઇઝરાયલ વચ્ચે કરાર થયા. 1975, 1979, 1982માં ક્રમિક રીતે ઇઝરાયલી દળો સંપૂર્ણપણે પાછાં ખેંચાઈ લેવાયાં અને સિનાઈ ઇજિપ્તના વહીવટ હેઠળ આવ્યું.

પર્વત : રાતા સમુદ્રના ઉત્તર તરફના બે ફાંટાની વચ્ચે આવેલા સિનાઈ દ્વીપકલ્પના પહાડી પ્રદેશમાં આવેલો પર્વત. છેલ્લાં 1,500 વર્ષથી વિદ્વાનો એવું માનતા આવેલા કે આ દ્વીપકલ્પના દક્ષિણ છેડાના ભાગમાં 2,400 મીટરની ઊંચાઈ ધરાવતું માઉન્ટ સિનાઈ નામનું શિખર આવેલું છે, પરંતુ નિષ્ણાતો તેને ઈશાન ભાગમાં આવેલું હોવાનું જણાવે છે.

આ એ પર્વત છે, જ્યાંથી મોઝીઝને ઈશ્વરના દસ દૈવી આદેશો (Ten Commandments) મળેલા. હિબ્રૂ કાયદાની જાણકારી પણ અહીંથી જ થયેલી હોવાનું કહેવાય છે. માઉન્ટ સિનાઈને હોરેબ નામથી પણ ઓળખવામાં આવે છે.

ગિરીશભાઈ પંડ્યા