સિદ્ધુ ચરણદાસ
January, 2008
સિદ્ધુ, ચરણદાસ (જ. 1938, ભામ, જિ. હોશિયારપુર, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમને તેમની કૃતિ ‘ભગતસિંહ શહીદ : નાટક તિક્કડી’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી, પછી અમેરિકાની મેડિસન વિસ્કોન્સિનમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. 1960થી 2003 સુધી તેમણે હંસરાજ કૉલેજ, દિલ્હીમાં અધ્યાપક તથા રીડર તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ રંગભૂમિ પર નિર્દેશક/નિર્માતા અને અભિનેતા તરીકે પણ અત્યંત સક્રિય રહ્યા.
તેમણે પંજાબી, હિંદી, ઉર્દૂ અને અંગ્રેજી – એમ ચાર ભાષાઓમાં લગભગ 60 નાટકો રજૂ કર્યાં છે. તેમની પ્રકાશિત કૃતિઓમાં પંજાબી, હિંદી અને ઉર્દૂમાં રચેલ 33 નાટકો, અંગ્રેજીમાં નાટ્યસમાલોચના સંબંધી એક પુસ્તક, અંગ્રેજી વ્યાકરણનાં બે પુસ્તકો અને શિક્ષણશાસ્ત્ર પર રચેલ એક પુસ્તકનો સમાવેશ થાય છે.
તેમણે ઇબ્રાહીમ અલ્કાજી, બૈરી જૉન, એમ. કે. રૈના, રણજિત કપૂર જેવા અગ્રણી રંગભૂમિ-દિગ્દર્શકો તેમજ શ્યામ બેનેગલ, બાસુ ચેટર્જી અને એમ.એસ. સથ્યુ જેવા ફિલ્મ-દિગ્દર્શકો સાથે કામ કર્યું છે. નાટ્યલેખન અને દિગ્દર્શન માટે તેમને અનેક પુરસ્કારો તથા સન્માનોથી વિભૂષિત કરાયા છે. તેમાં સાહિત્યકલા પરિષદ, દિલ્હી; પંજાબી અકાદમી, દિલ્હી; પંજાબ સંગીત નાટક અકાદમી; ગુરુ નાનકદેવ યુનિવર્સિટી; એસ. એન. કે. ફાઉન્ડેશન, બગકૉક; કરતાર સિંગ ઢાલીવાલ પુરસ્કાર, લુધિયાનાનો સમાવેશ થાય છે. 1994માં દિલ્હી રાજ્ય તરફથી તેમને તેમના સર્વોચ્ચ સાહિત્યિક સન્માન પંજાબી અકાદમીના પરમ સાહિત્ય સત્કાર સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘ભગતસિંહ શહીદ : નાટક તિક્કડી’માં ભગતસિંહના જીવનની નાટ્યત્રયી રૂપની અભિવ્યક્તિનો સૌથી પહેલો પ્રયાસ છે. ખાસ કરીને દોઆબમાં બોલાતી પંજાબી ભાષા પરની તેમની પકડ પ્રશસ્ય છે. પરિવર્તન પામતા પંજાબી ગ્રામીણ માહોલ વિશેની તેમની અભિવ્યક્તિ અનોખી હોવાને કારણે આ કૃતિનું ભારતીય નાટ્યસાહિત્યમાં પ્રદાન અનન્ય લેખાયું છે.
બળદેવભાઈ કનીજિયા