સિદ્ધુ, નવજ્યોત સિંગ (જ. 20 ઑક્ટોબર 1963, પતિયાળા, પંજાબ) : ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના બાહોશ પૂર્વ ખેલાડી અને લોકસભાના સભ્ય. 1983–1999ની આશરે સત્તર વર્ષની ક્રિકેટ કારકિર્દી દરમિયાન તેમણે પ્રથમ કક્ષાની 157 મૅચની 228 ઇનિંગોમાં (12 વાર નૉટ આઉટ) 9571 રન કર્યા હતા અને તેમનો કોઈ પણ એક દાવમાં સર્વાધિક જુમલો 286 હતો. તેમની રનની સરેરાશ 44.31 છે. તેમણે 27 જેટલી સદીઓ, 50 જેટલી અર્ધસદીઓ અને 50 જેટલા કૅચ લીધા હતા. તેઓ 51 જેટલી પાંચદિવસીય ટેસ્ટ-મૅચો અને 136 જેટલી એક-દિવસીય મૅચો રમ્યા હતા; જેમાં અનુક્રમે 3202 અને 4413 રન કર્યા હતા, જેની સરેરાશ અનુક્રમે 42.13 અને 37.08 થાય છે. તેમણે તેમની ક્રિકેટ ખેલાડી તરીકેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત 1983માં  અમદાવાદ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી પાંચ-દિવસીય ટેસ્ટ-મૅચ દ્વારા કરી હતી, જેમાં તેમણે માત્ર 19 રન કર્યા હતા. બીજી મૅચમાં પણ તેઓ બૅટ્સમૅન તરીકે નિષ્ફળ નીવડ્યા હતા. 1987માં રમાયેલ વર્લ્ડકપ મૅચો માટેની ભારતીય ટીમમાં તેમની પસંદગી થઈ હતી, જેમાં રમાયેલ તેમની સર્વપ્રથમ એકદિવસીય મૅચમાં તેમણે 73 રન કર્યા હતા; જોકે તેમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતની ટીમનો પરાજય થયો હતો. 1987ની વર્લ્ડકપ માટેની પાંચ મૅચોમાંથી ચાર મૅચોમાં તેમણે દરેકમાં અડધી સદી ફટકારી હતી. 1989માં શારજાહ ખાતે રમાયેલ એકદિવસીય મૅચમાં તેમણે પાકિસ્તાનની ટીમ સામે ભારત વતી સદી ફટકારી હતી, જે તેમની પ્રથમ સદી હતી.

નવજ્યોત સિંગ સિદ્ધુ

1993માં ગ્વાલિયર ખાતે રમાયેલ ઇંગ્લૅન્ડ સામેની એકદિવસીય મૅચમાં પણ તેમણે સદી (134) ફટકારી હતી, જે તેમની કારકિર્દીની કોઈ એક મૅચમાં ફટકારેલ સર્વાધિક રનસંખ્યા હતી. પાંચદિવસીય ટેસ્ટ-મૅચોની શૃંખલાઓમાં તેમણે એક વર્ષના ગાળા દરમિયાન ત્રણ વાર 500 રન કર્યા હતા (1993, 1994 અને 1997). 1997માં ભારતની ટીમે જ્યારે વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ ખેડ્યો હતો ત્યારે ત્યાં રમાયેલી પાંચદિવસીય ટેસ્ટ-મૅચોની શૃંખલામાં એક મૅચમાં સતત 11 કલાક રમીને તેમણે બેવડી સદી ફટકારી હતી (201), જે તેમની કારકિર્દીની એકમાત્ર બેવડી સદી પુરવાર થઈ છે; 1993–94માં શ્રીલંકા સામેની એક પાંચદિવસીય ટેસ્ટ-મૅચમાં તેમણે 124 રન કર્યા હતા, જેમાં આઠ છક્કા હતા. તેવી જ રીતે 1997–98 વર્ષ દરમિયાન ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી શૃંખલામાં પાંચ ઇનિંગોમાં તેમણે ચાર વાર અડધી સદી જેટલા રન ફટકાર્યા હતા અને તેમ કરવામાં તેમણે ઑસ્ટ્રેલિયાના શૅન વૉર્નની બૉલિંગનાં ધજ્જિયાં ઉડાડ્યાં હતાં. તેમણે તેમની અઢાર વર્ષની ક્રિકેટ કારકિર્દી દરમિયાન 27 સદીઓ નોંધાવી છે અને આશરે 7000 જેટલા રન કર્યા છે. ડિસેમ્બર 1999માં તેમણે ક્રિકેટની રમતમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી હતી.

વર્ષ 2001માં ભારતની ટીમે જ્યારે શ્રીલંકાનો પ્રવાસ ખેડ્યો ત્યારે સિદ્ધુએ ‘નિમ્બસ’ કંપની વતી કૉમેન્ટેટર તરીકેની પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેમણે ઈ.એસ.પી.એન. – સ્ટાર વતી કૉમેન્ટરી આપવાનું શરૂ કર્યું હતું. દૂરદર્શનની ઘણી ચૅનલો પર ક્રિકેટના સમીક્ષક તરીકે તેઓ પોતાની સેવાઓ નિયમિત રીતે આપતા હોય છે.

વર્ષ 2004માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે દેશમાં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં અમૃતસરની બેઠક પરથી તેઓ લોકસભાના સભ્ય તરીકે પહેલી વાર ચૂંટાઈ આવ્યા હતા; પરંતુ 1988માં ગુરનામસિંગ નામના 65 વર્ષની વયના એક ઇસમ સાથે પાર્કિંગની બાબતમાં બંને વચ્ચે થયેલ સામાન્ય ઝઘડામાં ગુરનામસિંગનું મોત નીપજ્યું હતું. આ કેસમાં પંજાબ અને હરિયાણાની ઉચ્ચ ન્યાયાલયે સિદ્ધુને વર્ષ 2006માં ત્રણ વર્ષની કારાવાસની સજા ફટકારી હતી, જેને કારણે તેમણે લોકસભામાંથી રાજીનામું આપ્યું હતું અને સાથોસાથ ભારતની સર્વોચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરીને દાદ પણ માગી છે. આ ગાળા દરમિયાન તેમની ઉપર્યુક્ત સજાનો અમલ મુલતવી રાખવામાં આવ્યો છે.

હાલ (2008) દૂરદર્શનની સ્ટાર-વન ચૅનલ પરથી પ્રસારિત થતા ‘લાફ્ટર ચૅલેંજ’ કાર્યક્રમમાં તેઓ છેલ્લાં પાંચ-છ વર્ષથી નિર્ણાયક તરીકે પોતાની સેવાઓ આપે છે. આ કાર્યક્રમ ખૂબ જ લોકપ્રિય થયો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે