સિદ્ધિચંદ્ર ગણિન્ (16મી17મી સદી) : ગુજરાતી જૈન કવિ અને આલંકારિક. તેઓ વિદ્વાન જૈન મુનિ હતા. તેમના પૂર્વજીવનની વિગતો મળતી નથી. તેમનો જન્મ પંદરમી સદીના ઉત્તરાર્ધમાં થયેલો. જૈન મુનિ તરીકે તેઓ જાણીતા મહોપાધ્યાય ભાનુચંદ્ર ગણિન્ના શિષ્ય હતા અને વિજયસેનસૂરીશ્વરની શિષ્યપરંપરામાં થઈ ગયા. તેમનું નામ ‘સિદ્ધિચંદ્ર’ની જેમ ‘સિદ્ધચંદ્ર’ પણ મળે છે. ગુરુ ભાનુચંદ્ર અને શિષ્ય સિદ્ધિચંદ્ર બંનેનું અકબર બાદશાહે સન્માન કરેલું. બંનેને અકબર બાદશાહે ‘મહોપાધ્યાય’નું પદ આપેલું. ગુરુ ભાનુચંદ્રે અકબર બાદશાહ દ્વારા શત્રુંજય તીર્થનો યાત્રાળુવેરો માફ કરાવેલો. વળી જીવહિંસા બંધ કરાવવાં જેવાં અનેક પુણ્યનાં કાર્યો ગુરુ ભાનુચંદ્રે કરાવ્યાં હોવાનું સિદ્ધિચંદ્ર નોંધે છે. ગુરુ ભાનુચંદ્રની જેમ શિષ્ય સિદ્ધિચંદ્રને પણ અકબર બાદશાહે માન આપેલું. ‘મહોપાધ્યાય’ એ ઉપનામની જેમ ‘ખુશફહમ્’ અને ‘ષુસ્યુહદમ્’ જેવાં ઉપનામો ફારસી કે ઉર્દૂ ભાષામાં આપેલાં. સિદ્ધિચંદ્રે ઉર્દૂ અને ફારસીનો પણ અભ્યાસ કરેલો અને તે ભાષાઓમાં લખેલા ઘણા ગ્રંથો અકબર બાદશાહને ભણાવેલા અને તેમના મનને ખુશ કરેલું. તેથી સિદ્ધિચંદ્રના કહેવાથી અકબરે વિમલાદ્રિચૈત્યનું બાંધકામ બંધ કરવાનો હુકમ પાછો ખેંચેલો. સિદ્ધિચંદ્ર પોતાને છયે દર્શનોનું જ્ઞાન હોવાની વાત કરે છે. જૈન મુનિ તરીકે તેમને ‘વાચક’, ‘પાઠક’ અને ‘ગણી’નાં પદો મળેલાં. તેઓ અષ્ટોત્તરશતાવધાની હતા. એક જ સમયે જુદી જુદી એકસો આઠ વસ્તુઓમાં મન રાખી શકવાની મોટી સિદ્ધિ તેમણે મેળવી હોવાનો નિર્દેશ તેઓ પોતે જ કરે છે. તેઓ અકબર બાદશાહના સમયમાં થયા તેથી પંડિતરાજ જગન્નાથના સમકાલીન હતા. તેથી જગન્નાથની જેમ નવ્યોમાં તેમની ગણતરી કરી શકાય.

સિદ્ધિચંદ્રે આચાર્ય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પર ‘બૃહતી’ નામની ટીકા લખેલી અને તે પછી ‘કાવ્યપ્રકાશખંડન’ નામનો અલંકારશાસ્ત્રનો ગ્રંથ લખ્યો છે. તેમાં મમ્મટના ‘કાવ્યપ્રકાશ’નું અનુવાદપૂર્વક ખંડન કર્યું છે. એટલે પહેલાં મમ્મટના લખાણની સમજૂતી આપી તે પછી તેનું ખંડન કર્યું છે. પ્રસ્તુત ગ્રંથ 1953માં ભારતીય વિદ્યા ભવન, મુંબઈથી પ્રકાશિત થયો છે અને તેના સંપાદક છે જાણીતા ગુજરાતી વિદ્વાન રસિકલાલ છો. પરીખ. પ્રસ્તુત ગ્રંથમાં મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ના કેટલાક મુદ્દાઓનું ખંડન સિદ્ધિચંદ્રે કર્યું છે. એ ખંડનમાં પણ કેટલીક દલીલો વાજબી નથી એવો વિદ્વાનોનો અભિપ્રાય છે. જગન્નાથે જેમ ‘કાવ્યપ્રકાશ’ પર પહેલાં ટીકા લખી તે પછી પોતાનો સ્વતંત્ર ગ્રંથ ‘રસગંગાધર’ રચ્યો તેવી રીતે સિદ્ધિચંદ્રે પણ પહેલાં ‘કાવ્યપ્રકાશ’ પર ટીકા લખી અને તે પછી ‘કાવ્યપ્રકાશખંડન’ ગ્રંથ રચ્યો છે. તદુપરાંત, તેમણે બાણભટ્ટની અતિપ્રસિદ્ધ ‘કાદંબરી’ના ઉત્તરભાગ પર નિરંતર એટલે શબ્દેશબ્દ પર ટીકા લખી છે. તેમના ગુરુ ભાનુચંદ્રે ‘કાદંબરી’ના પૂર્વભાગ પર ટીકા પોતાના શિષ્ય સિદ્ધિચંદ્રના મનોરંજન માટે લખી હોવાનો ઉલ્લેખ ટીકાના આરંભમાં કર્યો છે. એ પછી ‘કાદંબરી’ના ઉત્તર ભાગ પર સિદ્ધિચંદ્રે ટીકા લખી છે. ગુરુ અને શિષ્ય બંનેની ટીકામાં ક્યારેક અઘરા પર્યાય શબ્દો, ખોટા સમાસો, ધાતુના પદવ્યત્યયો, વિભક્તિના અપપ્રયોગો, ખોટાં પાઠાન્તરો, પુરાણકથાઓની બેખબરી અને તાત્પર્ય સમજવામાં અને સમજાવવામાં ભૂલો વગેરે ક્ષતિઓ મહારાજા સંસ્કૃત જયપુરના પ્રાધ્યાપક અને પંડિતરાજ જગન્નાથના વંશજ વિદ્વાન કવિ મથુરાનાથ શાસ્ત્રીએ પોતાની ‘ચષક’ ટીકામાં બતાવી છે. મમ્મટને આદર્શ માનનારા હેમચંદ્ર અને તેમની શિષ્યમંડળીથી જુદા પડીને મમ્મટનું ખંડન કરનારા લેખક તરીકે સિદ્ધિચંદ્રે આ સિવાય અન્ય કાવ્યાદિ ગ્રંથોની રચના પણ કરી છે, પરંતુ તેમનું પ્રકાશન થયું નથી.

પ્ર. ઉ. શાસ્ત્રી