સિદ્ધાન્તકૌમુદી : ભટ્ટોજી દીક્ષિતે પાણિનીય વ્યાકરણ વિશે રચેલો જાણીતો વૃત્તિગ્રંથ. આ ગ્રંથનું લેખકે આપેલું મૂળ નામ ‘વૈયાકરણસિદ્ધાન્તકૌમુદી’ એવું છે, પરંતુ તે ‘સિદ્ધાન્તકૌમુદી’ નામે ઓળખાય છે. તે પાણિનીય ‘અષ્ટાધ્યાયી’ પર લખાયેલી પાંડિત્યપૂર્ણ વૃત્તિ છે. વિષયવાર સૂત્રોને વહેંચી, પ્રક્રિયા પ્રમાણે સૂત્રો ગોઠવી, ઉદાહરણ અને પ્રત્યુદાહરણ આપી લખાયેલી ‘મહાભાષ્ય’ પછી ‘કાશિકા’ વૃત્તિ સાથે સ્પર્ધા કરનારી આ વૃત્તિ કદમાં નાની છતાં સંપૂર્ણ વ્યાકરણની ચર્ચા કરે છે. શિષ્યોની પ્રાણઘાતિની કહેવાયેલી મુશ્કેલ રચના છે, છતાં પાણિનીય વ્યાકરણ-ગ્રંથોમાં અગ્રેસર છે.
‘સિદ્ધાન્તકૌમુદી’ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ – એમ બે ભાગોમાં વહેંચાયેલી છે. પૂર્વાર્ધમાં 42 પ્રકરણોમાં સંજ્ઞા, પરિભાષા, પંચસંધિ, સુબંત, સ્ત્રીપ્રત્યય, કારક, સમાસ અને તદ્ધિત – એટલા વિષયો રજૂ થયા છે. ઉત્તરાર્ધમાં 26 પ્રકરણોમાં દશગણી, દ્વાદશ પ્રક્રિયાઓ, કૃદંત અને 27મા પ્રકરણમાં વૈદિકી પ્રક્રિયા તથા 28મા પ્રકરણમાં સ્વરપ્રક્રિયા તથા 29મા પ્રકરણમાં લિંગાનુશાસન – એ વિષયો રજૂ થયા છે.
પોતાના આ ગ્રંથ પર લેખકે પોતે જ ‘પ્રૌઢમનોરમા’ નામની વિદ્વત્તાપૂર્ણ ટીકા લખી છે. એ ‘પ્રૌઢમનોરમા’ પર લેખકના પૌત્ર હરિદીક્ષિતે ‘લઘુશબ્દરત્ન’ નામની વિદ્વત્તાપૂર્ણ ટીકા લખી છે.
‘સિદ્ધાન્તકૌમુદી’ પર વાસુદેવ દીક્ષિત નામના લેખકે ‘બાલમનોરમા’ નામની ખૂબ જાણીતી ટીકા લખી છે. ‘સિદ્ધાન્તકૌમુદી’ પરની અન્ય જાણીતી ટીકાઓમાં જ્ઞાનેન્દ્ર સરસ્વતીની ‘તત્ત્વબોધિની’, નાગેશ ભટ્ટની ‘લઘુશબ્દેન્દુશેખર’ અને ‘બૃહચ્છબ્દેન્દુશેખર’ વગેરેનો સમાવેશ થાય છે. વળી અન્ય ટીકાઓમાં જયકૃષ્ણ મૌનિની ‘સુબોધિની’, રામકૃષ્ણ ભટ્ટની ‘સુબોધિની’, અનંત પંડિતની ‘બાલમનોરમા’, નીલકંઠની ‘વૈયાકરણસિદ્ધાન્તરહસ્ય’, કૃષ્ણમિશ્રની ‘રત્નાર્ણવ’, રામકૃષ્ણની ‘વૈયાકરણસિદ્ધાન્તરત્નાકર’, તારાનાથની ‘સરલા’, તિરુમલની ‘સુમનોરમા’, લક્ષ્મીનૃસિંહની ‘સિદ્ધાન્તકૌમુદીવ્યાખ્યા’, વિશ્વેશ્વર તીર્થની ‘સિદ્ધાન્તકૌમુદીવ્યાખ્યા’, શિવરામેન્દ્ર સરસ્વતીની ‘રત્નાકર’ અને તોલાપ દીક્ષિતની ‘પ્રકાશ’ વગેરેનો સમાવેશ થાય છે.
‘સિદ્ધાન્તકૌમુદી’ના લેખકના એક શિષ્ય વરદરાજ ભટ્ટે તેના બે સંક્ષેપો કર્યા છે. તેમાં (1) मध्याकौमुदी અથવા मध्यासिद्धान्तकौमुदी અને (2) लघुकौमुदी અથવા लघुसिद्धान्तकौमुदी નો સમાવેશ થાય છે.
‘સિદ્ધાન્તકૌમુદી’ની અનેક આવૃત્તિઓ છે; પરંતુ તેમાં શિરીષચંદ્ર બસુ, નિર્ણયસાગર અને રાયની આવૃત્તિઓ જાણીતી છે.
પ્ર. ઉ. શાસ્ત્રી