સિદ્ધાર્થનગર : ઉત્તરપ્રદેશના પૂર્વભાગમાં ગોરખપુર વિભાગમાં આવેલો જિલ્લો. તે આશરે 27° 15´ ઉ. અ. અને 82° 30´ પૂ. રે. આજુબાજુનો 2,797 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નેપાળ, પૂર્વમાં મહારાજગંજ અને સંત કબીરનગર, દક્ષિણમાં બસ્તી તથા નૈર્ઋત્ય અને પશ્ચિમ તરફ ગોંડા તથા પશ્ચિમમાં બલરામપુર જિલ્લા આવેલા છે. જિલ્લામથક નવગઢ (નૌગઢ) જિલ્લાની મધ્યમાં પૂર્વ તરફ આવેલું છે.

સિદ્ધાર્થનગર

ભૂપૃષ્ઠજળપરિવાહ : સ્થળદૃશ્યને આધારે આ જિલ્લાના ત્રણ વિભાગો પડે છે : (i) કુવાના નદીની નજીકનો દક્ષિણ તરફનો નીચાણવાળો ખીણ-વિભાગ, (ii) મધ્યનો ઊંચાણવાળો પ્રદેશ, તે કુવાના અને રાપ્તી નદીની વચ્ચે આવેલો છે, (iii) રાપ્તી અને નેપાળ સાથેની સરહદ વચ્ચેનો નીચી ભૂમિનો વિભાગ – આ વિભાગ અવ્યવસ્થિત જળપરિવાહવાળો છે અને ડાંગરના પાકને માટે અનુકૂળ પટ્ટો રચે છે.

એકંદરે જોતાં, જિલ્લામાં કાંપનું પહોળું મેદાન આવેલું છે, ત્યાં વધુ પ્રમાણમાં ખેતી થાય છે. વચ્ચે વચ્ચે તે નદીખીણોથી છેદાયેલું છે. અહીંની આબોહવા રોહિલખંડ અને ઔધની ઉત્તરના પ્રદેશોમાં જોવા મળતી આંતરપર્વતીય પ્રકારની છે.

અગાઉના વખતમાં અહીં સાલ અને અન્ય વૃક્ષોવાળો ગાઢ જંગલવિસ્તાર હતો, પરંતુ હવે જંગલવિસ્તાર ઘટી ગયો છે અને તેની જગાએ ક્ષારવાળી જમીનો નિર્માણ પામી છે.

રાપ્તી અને કુવાના (ઘાઘરાની સહાયક) નદીઓ અહીંનો મુખ્ય જળપરિવાહ રચે છે. આ ઉપરાંત અહીં સુવાવન, બુઢી રાપ્તી, આરાહ, બાણગંગા, ગંગી, કુનહરા, જામવર અને બિલાર જેવી નાની નદીઓ કે નાળાં આવેલાં છે.

ખેતીપશુપાલન : આ જિલ્લામાં ખરીફ અને રવી બંને પાકો લેવાય છે. ડાંગર અહીંનો મુખ્ય પાક છે, અન્ય મહત્ત્વના પાકોમાં મૂકી શકાય એવા ઘઉં, શેરડી, ચણા અને બીજાં કઠોળ થોડા વિસ્તારોમાં થાય છે. નહેરો, ટ્યૂબવેલ અને કૂવા ખેતી માટેની સિંચાઈનો મુખ્ય સ્રોત છે. બાણગંગા અને મુખલીસપુર નહેર-યોજના સિંચાઈના ઉપયોગમાં લેવાય છે.

ગાય, ભેંસ, ઘેટાંબકરાં અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. કેટલાક લોકો મરઘાં-બતકાંનો ઉછેર પણ કરે છે. પશુઓની સ્વાસ્થ્યસંભાળ માટે જિલ્લામાં પશુદવાખાનાં તથા કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો ઊભાં કરવામાં આવેલાં છે.

ઉદ્યોગવેપાર : આ જિલ્લો ઉદ્યોગક્ષેત્રે પછાત છે, તેમ છતાં પરંપરાગત હસ્તઉદ્યોગો અને નાના પાયા પરના ઔદ્યોગિક એકમો કાર્યરત છે. આ એકમો માટે અહીંનાં બધાં જ નગરોમાં બૅંકોની સુવિધા છે. જિલ્લામાં આઇસક્રીમ, બિસ્કિટ, ચોખા, કઠોળ તથા રાઈના તેલનું ઉત્પાદન થાય છે. મીણબત્તી, સાબુ, લાકડાનું રાચરચીલું પણ તૈયાર કરવામાં આવે છે. અહીંથી શાકભાજી, શક્કરિયાં, ચોખા, ઘી, ખાદ્યતેલ, સાબુ અને મીણબત્તીની નિકાસ થાય છે; જ્યારે ફળો, સિમેન્ટ, લાકડાં, લોખંડ, કાપડ અને કરિયાણું આયાત થાય છે.

પરિવહનપ્રવાસન : આ જિલ્લો આજુબાજુના જિલ્લાઓ સાથે રેલમાર્ગ અને સડકમાર્ગોથી જોડાયેલો છે. અહીંનો મીટરગેજ રેલમાર્ગ પશ્ચિમે ગોંડા જિલ્લા અને પૂર્વમાં ગોરખપુર જિલ્લા સાથે સંકળાયેલો છે. રાજ્યના ધોરી માર્ગો અને જિલ્લામાર્ગો લગભગ બધાં જ નગરો અને કેટલાંક ગામોને આવરી લે છે.

અહીંના નવગઢ તાલુકામાં ઉત્ખનન કરતાં જાણવા મળ્યું છે કે આજનું પીપરાહનું સ્થળ જૂના વખતમાં કપિલવસ્તુ તરીકે ઓળખાતું હતું. તે શાક્ય વંશના રાજાઓનું પાટનગર હતું અને શુદ્ધોદન રાજાનું ગાદીમથક હતું. ભગવાન બુદ્ધે અહીં બાલ્યકાળ વિતાવેલો અને અહીંથી મહાભિનિષ્ક્રમણ કરેલું. જિલ્લામાં વારતહેવારે મેળા અને ઉત્સવો ઊજવાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 20,38,598 જેટલી છે. તે પૈકી 52 % પુરુષો અને 48 % સ્ત્રીઓ છે તથા ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ 86 % અને 14 % જેટલું છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 25 % જેટલું છે, શહેરો ઉપરાંત અહીંનાં 35 % ગામોમાં શૈક્ષણિક સંસ્થાઓની સગવડો ઉપલબ્ધ છે. અહીંનાં આશરે 300 જેટલાં ગામોમાં હૉસ્પિટલો અને પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રો જેવી તબીબી સેવાની સુવિધાઓ ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 4 તાલુકા અને 14 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 4 નગરો અને 2,678 (241 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : 1981-91ના ગાળામાં બસ્તી જિલ્લાનું વિભાજન કરીને, તેમાંથી નવગઢ, બંસી અને દોમરિયાગંજ તાલુકાઓને અલગ કરીને સિદ્ધાર્થનગર જિલ્લાની રચના કરવામાં આવી છે. તેમાં પછીથી ઈટવા તાલુકો ઉમેરવામાં આવેલો છે. તેનો ઇતિહાસ માતૃજિલ્લા બસ્તી પ્રમાણેનો છે.

ગિરીશભાઈ પંડ્યા