સિદ્ધહેમ : સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણશાસ્ત્રનો ગ્રંથ. તેનું આખું નામ છે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’. તેના કર્તા છે જૈન આચાર્ય હેમચન્દ્ર. ગ્રન્થના શીર્ષકમાં ગૂર્જરનરેશ સિદ્ધરાજ અને હેમચન્દ્રનાં નામોનાં આગલાં પદોનો નિર્દેશ છે. સિદ્ધરાજ માલવાને જીતી ધારાનગરીનો અમૂલ્ય ભંડાર પાટણ લાવ્યા હતા. તેમાં ભોજે રચેલો ‘સરસ્વતી-કંઠાભરણ’ નામનો વ્યાકરણનો ગ્રન્થ તેમણે જોયો. ગુજરાતમાં ગુજરાતના વિદ્વાનના હાથે રચાયેલો આવો વ્યાકરણનો ગ્રંથ ન હોવાથી સિદ્ધરાજ ખિન્ન થયા. તેમણે હેમચન્દ્રાચાર્યને આવો વ્યાકરણશાસ્ત્રનો ગ્રંથ રચવા સૂચન કર્યું. હેમચન્દ્રાચાર્યને આ સૂચનથી પ્રેરણા મળી અને તેમણે તે કામને સ્વીકારી લીધું અને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. આ કારણે આ વ્યાકરણશાસ્ત્રના ગ્રંથનું નામ ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ રાખવામાં આવ્યું.

પૂર્વવૈયાકરણોએ રચેલાં વ્યાકરણોને એકત્ર કરી, ધ્યાનથી તેમનો અભ્યાસ કરી, તેમનામાંથી ગ્રાહ્ય-ત્યાજ્યનો વિવેક કરી, હેમચન્દ્રે ‘સિદ્ધહેમ’ની રચના કરી છે. હેમચન્દ્રનો શારદા (કાશ્મીર) દેશના પંડિતો સાથે ગાઢ વિદ્યાસંબંધ હતો. સિદ્ધરાજની વિદ્વત્સભાના ઉત્સાહ નામના કાશ્મીરી પંડિત કાશ્મીર જઈને હેમચન્દ્ર માટે આઠ સંસ્કૃત વ્યાકરણો લઈ આવ્યા હતા.

‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ કુલ આઠ અધ્યાયોમાં વિભક્ત છે. દરેક અધ્યાયને ચાર પાદ છે. આઠમો આખો અધ્યાય પ્રાકૃત અને અપભ્રંશને લગતો છે. આ આઠમા અધ્યાયનાં કુલ 1,119 સૂત્રોને બાદ કરતાં, પ્રથમ સાત અધ્યાયનાં સંસ્કૃત વ્યાકરણનાં કુલ સૂત્રો 3,566 છે. સંસ્કૃત વ્યાકરણની સંપૂર્ણ યોજના નીચે મુજબ છે : પહેલા અધ્યાયનો પહેલો પાદ (સૂત્ર 42) સંજ્ઞાવિષયક છે, બીજો પાદ (41) સ્વરસંધિવિષયક છે, ત્રીજો પાદ (65) વ્યંજનસંધિવિષયક છે અને ચોથો પાદ (93) સ્યાદિવિષયક છે. બીજા અધ્યાયના પહેલા પાદમાં (118) સ્યાદિપ્રકરણ ચાલુ છે, બીજા પાદમાં (124) કારકપ્રકરણ છે, ત્રીજા પાદમાં (105) ષત્વણત્વપ્રકરણ છે અને ચોથા પાદમાં (113) સ્ત્રીપ્રત્યયપ્રકરણ છે. ત્રીજા અધ્યાયના પહેલા પાદમાં (163) અને બીજા પાદમાં (156) સમાસપ્રકરણ છે તથા ત્રીજા પાદમાં (108) અને ચોથા પાદમાં (94) આખ્યાતપ્રકરણ છે. આખો ચોથો અધ્યાય (481) આખ્યાતપ્રકરણની જ ચર્ચા આગળ ચલાવે છે. આખા પાંચમા અધ્યાયનો (498) વિષય કૃદંતપ્રકરણ છે. છઠ્ઠો (692) અને સાતમો (673) – એમ બે સંપૂર્ણ અધ્યાયો તદ્ધિતની ચર્ચા કરે છે.

જ્યાં હેમચન્દ્રને પૂર્વવૈયાકરણોનાં સૂત્રો નિર્દોષ જણાયાં ત્યાં નવાં સૂત્રોનું નિર્માણ કરવાના બદલે તે સૂત્રોને જ તેમણે સ્વીકારી લીધાં છે. જ્યાં તેમને પૂર્વવૈયાકરણોનાં સૂત્રો સારાં હોવા છતાં ખામીવાળાં જણાયાં ત્યાં તેમણે તે તે ખામી દૂર કરી, પોતાનો સુધારો દાખલ કરી તે સૂત્રોને સર્વગ્રાહી બનાવી સ્વીકાર્યાં છે અને જ્યાં તેમને નવાં સૂત્રો રચવાની આવશ્યકતા જણાઈ ત્યાં તેમણે નવાં સૂત્રો રચ્યાં છે. હેમચન્દ્રે શાકટાયનના વ્યાકરણનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં કર્યો છે. તે બંનેનાં સૂત્રોમાં ઘણું સામ્ય જણાય છે.

હેમચન્દ્રના વ્યાકરણમાં વિષયવ્યવસ્થા પાણિનિના વ્યાકરણની વિષયવ્યવસ્થાની અપેક્ષાએ ઘણી સુગમ છે. દાખલા તરીકે, પાણિનિના નામપ્રકરણને લગતાં કેટલાંક સૂત્રો છઠ્ઠા અધ્યાયમાં છે, કેટલાંક બીજા અધ્યાયમાં છે અને કેટલાંક સાતમા અધ્યાયમાં છે. આથી વિદ્યાર્થી ગૂંચવણમાં પડી જાય છે. ‘સિદ્ધહેમ’માં આવું નથી. વળી, પાણિનિની વ્યાકરણની સંજ્ઞાઓ ક્લિષ્ટ છે. તેનું કારણ લાઘવ સિદ્ધ કરવાનું જણાય છે; પરંતુ તેથી પાણિનિનો ગ્રન્થ વિદ્યાર્થી માટે કઠિન બની જાય છે. હેમચન્દ્રની પરિભાષા અને સંજ્ઞાઓ સરળ છે.

હેમચન્દ્રે ‘સિદ્ધહેમ’ વ્યાકરણનાં સૂત્રોની રચનાની સાથે જ તેમના ઉપર લઘુવૃત્તિ લખી. ત્યારપછી તેમણે બૃહદ્વૃત્તિની પણ રચના કરી. વળી, તેમણે પતંજલિના મહાભાષ્ય જેવા બૃહન્ન્યાસની પણ રચના કરી. આખો બૃહન્ન્યાસ ઉપલબ્ધ નથી. પહેલા અધ્યાયના પહેલા પાદનો, બીજા અધ્યાયના ચારે ચાર પાદનો, ત્રીજા અધ્યાયના ચોથા પાદનો અને સાતમા અધ્યાયના ત્રીજા પાદનો ન્યાસ મળે છે. ન્યાસના આરંભમાં હેમચન્દ્ર પતંજલિનું આદરપૂર્વક સ્મરણ કરે છે. આ ઉપરાંત ‘સિદ્ધહેમ’ના ચાર પરિશિષ્ટરૂપ ઉણાદિગણસૂત્ર, લિંગાનુશાસન, ધાતુપારાયણ અને ગણપાઠની રચના માટે હેમચન્દ્રે જ કરી છે.

લઘુવૃત્તિસહિત ‘સિદ્ધહેમ’ વ્યાકરણનાં સૂત્રો રચાઈ ગયાં પછી કક્કલ નામના કાયસ્થ મહાવિદ્વાનને તેના અધ્યાપનનું કામ સોંપાયું હતું. સિદ્ધરાજે ‘સિદ્ધહેમ’ની નકલો કરાવી દેશના વિદ્વાનોને મોકલાવી હતી.

વ્યાકરણવિષયની હેમચન્દ્રના સમય સુધીની ઉપલબ્ધ બધી જ સામગ્રીનો ‘સિદ્ધહેમ’માં સંગ્રહ થયો છે. આમ, તે વ્યાકરણનો આકરગ્રન્થ છે. તેની રચના જોતાં લાગે છે કે ગ્રન્થ ક્રમશ: વ્યાકરણના વિષયમાં આગળ વધનાર વિદ્યાર્થીઓની આવશ્યકતા પૂરી કરવાના આશયથી લખાયેલો છે. આમ, તે સંસ્કૃત તથા પ્રાકૃત વ્યાકરણનું પણ શ્રેષ્ઠ પાઠ્યપુસ્તક છે. વિશદતા અને સરલતા તેનાં મુખ્ય લક્ષણો છે. ‘સિદ્ધહેમ’ને વિદ્વાનો દ્વારા મળેલ આદર અને હેમચન્દ્રના વ્યાકરણસંપ્રદાયનાં વહેણો વગેરે વિશે ડૉ. બેલ્વલકરે તેમના ગ્રંથ ‘સિસ્ટમ્સ ઑવ્ સંસ્કૃત ગ્રામર’માં ચર્ચા કરી છે.

‘સિદ્ધહેમ’નો આઠમો અધ્યાય પ્રાકૃત વ્યાકરણ રજૂ કરે છે. તેમાં હેમચન્દ્રે પ્રાકૃત (મહારાષ્ટ્રી પ્રાકૃત), શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ એમ છ ભાષાઓની ચર્ચા કરી છે. અપભ્રંશવિભાગ ગુજરાતી ભાષાના વિકાસનો અભ્યાસ કરનાર માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. અહીં હેમચન્દ્રે ષ્ટાન્ત તરીકે લગભગ 177 અપભ્રંશ દુહાઓ આપ્યા છે. દુહાઓમાં વૈવિધ્ય છે : 18 દુહાઓ વીરરસપ્રધાન છે, 60 ઉપદેશાત્મક છે, 10 જૈનધર્મવિષયક છે, 5 પૌરાણિક અને બાકીના બધા શૃંગારરસપ્રધાન છે. આમાંથી કેટલાક દુહાઓ અન્યત્ર સુભાષિત તરીકે નોંધાયેલા મળે છે. દુહાઓની વિવિધતા, સુંદરતા અને લોકપ્રિયતા નોંધપાત્ર છે. ‘સિદ્ધહેમ’ ગુજરાતનો એક ગૌરવગ્રંથ છે.

નગીન જી. શાહ