સિદ્ધસેન દિવાકર

January, 2008

સિદ્ધસેન દિવાકર : ઉચ્ચ કોટિના જૈન દાર્શનિક ચિન્તક અને કવિ. તેમના જીવન વિશે સમકાલીન સામગ્રી મળતી નથી, પરંતુ અનુક્રમે ઈ. સ. 1278, 1305 અને 1349માં રચાયેલ પ્રભાચન્દ્રકૃત ‘પ્રભાવકચરિત’, મેરુતુંગકૃત ‘પ્રબન્ધચિન્તામણિ’, રાજશેખરકૃત ‘ચતુર્વિશતિપ્રબન્ધ’ તેમજ લગભગ ઈ. સ. 11મી શતાબ્દીમાં રચાયેલ ભદ્રેશ્વરની ‘કહાવલિ’(અપ્રકાશિત)માં તેમના જીવનનો વૃત્તાન્ત આપવામાં આવેલ છે. – તેમાંથી આટલી વિગતો નિર્વિવાદ અને વિશ્વસનીય છે : (1) પૂર્વજીવનમાં તેઓ બ્રાહ્મણ હતા, બ્રાહ્મણવિદ્યાઓથી સમ્પન્ન વિદ્વાન હતા અને સંસ્કૃતના પુરસ્કર્તા હતા. (2) પછી તેઓ જૈન સાધુ બન્યા. (3) પ્રબળ તાર્કિક વિચારણા અને સંસ્કૃત પ્રતિ પક્ષપાતના કારણે તેમને પ્રાયશ્ચિત્ત આપવામાં આવ્યું હતું. (4) તેઓ રાજા વિક્રમાદિત્યના માન્ય અને માનીતા બન્યા હતા અને તેમણે જૈન ધર્મનું ગૌરવ વધાર્યું હતું. (5) તેઓ ઉચ્ચ કોટિના તત્ત્વચિન્તક અને કવિ હતા. (6) તેઓ વાદવિદ્યામાં કુશળ તાર્કિક હતા. (7) તેમના અવસાનથી સમાજને મોટો આઘાત લાગ્યો હતો અને મોટી ખોટ અનુભવાઈ હતી. તેમના પછી તેમની ઊંચાઈને કોઈ ભાગ્યે જ આંબી શક્યું છે.

સિદ્ધસેન પોતાની રચેલી ‘ગુણવચનદ્વાત્રિંશિકા’માં પોતાના પ્રિય રાજા વિક્રમાદિત્યનું ગુણકીર્તન કરે છે. આ વિક્રમાદિત્ય કોણ એ અંગે વિદ્વાનોમાં મતભેદ છે. ક્રાઉઝે તેને સમુદ્રગુપ્ત (ઈ. સ. 340-375) માને છે, પં. સુખલાલજી અને પ્રા. હીરાલાલ જૈન તેને ચન્દ્રગુપ્ત બીજો (ઈ. સ. 380-418) માને છે અને પ્રા. પાઠક તેને સ્ક્ધદગુપ્ત (ઈ. સ. 455-456) ગણે છે. આ ઉપરથી સિદ્ધસેન દિવાકરનો સમય ઈ. સ. ચોથી-પાંચમી શતાબ્દી ગણી શકાય.

તેમની ચાર કૃતિઓ પ્રસિદ્ધ છે – ‘સન્મતિપ્રકરણ’, ‘ન્યાયાવતાર’, ‘દ્વાત્રિંશદ્દ્વાત્રિંશિકા’ અને ‘કલ્યાણમન્દિરસ્તોત્ર’.

‘સન્મતિપ્રકરણ’ 167 પ્રાકૃત ગાથાઓમાં રચાયેલી ઉત્કૃષ્ટ દાર્શનિક કૃતિ છે. તે ત્રણ કાંડોમાં વિભક્ત છે – નયકાંડ, જીવકાંડ અને અનેકાન્તકાંડ. પ્રથમ કાંડમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયોનું સરસ નિરૂપણ છે. બીજા કાંડમાં જ્ઞાન અને દર્શનનું, કેવલજ્ઞાન-કેવલદર્શનનું અને મતિ આદિ પાંચ જ્ઞાનોનું નિરૂપણ છે. ત્રીજા કાંડમાં નિત્યત્વવાદ-અનિત્યત્વવાદ, જ્ઞાનવાદ-ક્રિયાવાદ, હેતુવાદ-અહેતુવાદ વગેરે વિરોધી વાદોનો તર્કગમ્ય સમન્વય છે.

સિદ્ધસેને સૌપ્રથમ જૈન ન્યાયનું વ્યવસ્થિત સ્વરૂપ બાંધી તેનો સંક્ષેપમાં અભ્યાસ કરવા ઇચ્છનાર માટે ‘ન્યાયાવતાર’ નામનો એક નાનકડો 32 સંસ્કૃત કારિકાઓ ધરાવતો ગ્રન્થ રચ્યો. તેમાં પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ – એ ત્રણ પ્રમાણોનું પ્રતિપાદન કરવામાં આવેલું છે.

એક વિષય ઉપર બત્રીસ શ્લોકોની રચનાને ‘દ્વાત્રિંશિકા’ કહેવામાં આવે છે. આવી બત્રીસ બત્રીસીઓ સિદ્ધસેને સંસ્કૃતમાં રચી છે. તેમાંથી એકવીસ ઉપલબ્ધ છે. શરૂઆતની કેટલીક બત્રીસીઓમાં ભગવાન મહાવીરની અનુપમ સ્તુતિ છે, ત્યારપછી કેટલીકમાં જૈનેતર દર્શનોનું નિરૂપણ છે. એકમાં વાદકળાનું માર્મિક વર્ણન છે અને વળી એકમાં વિવાદની દુર્દશાનું ચિત્ર છે. બત્રીસીઓમાં વિવિધ વિષયોની ચર્ચા છે. તેમનામાં ભાવની ઉત્કટતા અને ચિન્તનની શુદ્ધ તાર્કિકતા બંને મળે છે. સિદ્ધસેન એક ઉચ્ચ કોટિના કવિ તરીકે ઊભરે છે.

‘કલ્યાણમંદિર’ એ પ્રભુ પાર્શ્ર્વનાથની સ્તુતિ છે. 44 પદ્યોનું આ સ્તોત્ર છંદ અને શૈલીમાં ચમત્કૃતિપૂર્ણ છે. કાવ્યકલ્પના અને શબ્દયોજના મૌલિક અને મનોરંજક છે. ડૉ. જેકોબીએ જર્મન અનુવાદ સાથે તેનું સંપાદન કર્યું છે.

સિદ્ધસેનનું વ્યક્તિત્વ પ્રખર પ્રતિભાસમ્પન્ન હતું. તેઓ શ્વેતામ્બર આચાર્ય હોવા છતાં સામ્પ્રદાયિકતાથી પર હતા. તેમનું પ્રતિપાદન શુદ્ધ તાર્કિકતાયુક્ત હતું. તેથી તે શ્વેતામ્બર અને દિગમ્બર બંનેને માન્ય હતા.

નગીન શાહ