સિદ્ધયોગ સંગ્રહ : આયુર્વેદવિજ્ઞાનનો એક મહત્ત્વનો ગ્રંથ. ભારતમાં તેરમાથી અઢારમા શતક દરમિયાન આયુર્વેદવિજ્ઞાન રચાયેલા અનેક સંગ્રહગ્રંથોમાંનો તે એક મહત્ત્વનો ગ્રંથ છે. આ ગ્રંથના રચયિતા છે આચાર્ય વૃન્દ. વૃન્દે પોતાના આ ગ્રંથમાં વિષયોનો અનુક્રમ ‘માધવ-નિદાન’ ગ્રંથ મુજબ રાખેલ છે. બીજી દૃષ્ટિએ વૃન્દનો આ ગ્રંથ તિસટાચાર્યના ‘ચિકિત્સાકલિકા’ નામના સુપ્રસિદ્ધ ગ્રંથના ધોરણે, પરંતુ તેના કરતાં ઘણો વિસ્તૃત છે. આચાર્ય વૃન્દનો સમય આયુર્વેદના 19મી સદીના મૂર્ધન્ય પંડિત કવિરાજ ગણનાથ સેન[જેમણે આયુર્વેદ શિક્ષણ માટે ‘પ્રત્યક્ષ શારીર’ નામનો (ફિઝિયૉલૉજી ઉપરનો) ગ્રંથ 1936માં પ્રકાશિત કરેલ.]ના મતે નવમા કે દશમા શતકમાં હોવાનો સંભવ બતાવેલ છે. વૃન્દના એક ટીકાકાર પ્રાય: શિવદાસ સેને કરેલ નોંધ મુજબ વૃન્દે મારવાડ(રાજસ્થાન-પશ્ચિમ ભારત)માં થતા નવા રોગોનું ખાસ વર્ણન કરેલું છે. એ જોતાં વૃન્દ પશ્ચિમ હિંદના વતની હોવાનો એક તર્ક કરાયો છે.
વૃન્દ શિવભક્ત હતા. આયુર્વેદના બીજા સંગ્રહ-ગ્રંથકર્તા ચક્રપાણિદત્ત કે જેઓ ચરક-સુશ્રુતના પારંગત વિદ્વાન ગણાય છે, તેમણે પણ વૃન્દની શૈલીનું જ અનુસરણ કરવું યોગ્ય ગણેલ હોઈ, તેમના આ ગ્રંથનું મૂલ્ય વધુ હોવાનું આયુર્વેદના ઇતિહાસકારો સ્વીકારે છે. આચાર્ય વૃન્દના આ ગ્રંથ ઉપર ‘માધવ-નિદાન’ના ટીકાકાર શ્રી વિજયરક્ષિતના શિષ્ય શ્રીકંઠ દત્તે ‘કુસુમાવલી’ નામની ટીકા લખી છે.
બળદેવપ્રસાદ પનારા