સિદ્ધપુર : પાટણ જિલ્લાનો તાલુકો, તાલુકામથક તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : 23° 55´ ઉ. અ. અને 72° 23´ પૂ. રે.ની આજુબાજુનો 667 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકાનું ભૂપૃષ્ઠ સમતળ મેદાની હોવાથી ખેતી અહીંની મુખ્ય પ્રવૃત્તિ છે. તાલુકામથક સિદ્ધપુર સરસ્વતી નદીને કાંઠે આવેલું છે. તાલુકાની આબોહવા ગરમ અને સૂકી હોવા છતાં આરોગ્યપ્રદ છે. 1994માં સિદ્ધપુર ખાતે 48° સે. તાપમાન નોંધાયેલું. અહીંનો ઉનાળો ગરમ અને શિયાળો ઠંડો રહે છે. વરસાદ માફકસરનો પડે છે, તેની સરેરાશ 700 મિમી. જેટલી છે.
આ તાલુકામાં જીરું, વરિયાળી, ઇસબગૂલ, ઘઉં, કપાસ અને તલની ખેતી થાય છે. તાજેતરમાં અહીંની સરસ્વતી નદીમાં નર્મદા બંધનું પાણી ઠલવાતું રહેતું હોવાથી તાલુકામાં થતી ખેતીનો વિકાસ થતો જશે. તાલુકામાં સાક્ષરતાનું પ્રમાણ 70 % જેટલું છે.
2-10-1997ના રોજ ગુજરાત રાજ્યના જિલ્લાઓની પુનર્રચના થવાથી આ તાલુકો અગાઉ મહેસાણા જિલ્લામાં હતો, તેને પાટણ જિલ્લાની નવરચના થવાથી તેમાં મૂકવામાં આવેલો છે. તાલુકાનું સ્થાન મહેસાણા જિલ્લાની પશ્ચિમ સરહદ પૂરી થાય છે ત્યાં પાટણ જિલ્લામાં આવેલું છે. તાલુકાની વસ્તી 1,90,678 (2001) જેટલી છે.
સિદ્ધપુર (નગર) : તાલુકામથક તેમજ નગર. આ નગર ભારતભરમાં તેના જીરું, વરિયાળી અને ઇસબગૂલના વેપાર માટે ખૂબ જાણીતું બનેલું છે. અમદાવાદ-દિલ્હી બ્રૉડગેજ રેલમાર્ગ તેમજ અમદાવાદ-દિલ્હીને સાંકળતો ધોરી માર્ગ સિદ્ધપુર થઈને જાય છે. અહીં સુતરાઉ કાપડનાં કારખાનાં, તેલની મિલો તેમજ ઇજનેરી ઉદ્યોગને લગતા નાના એકમો આવેલા છે. નગરમાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ આવેલી છે. રાષ્ટ્રીયકૃત તથા સહકારી બૅંકો, આરોગ્યકેન્દ્રો અને ચિકિત્સાલયોની સુવિધા પણ છે. ભારતનાં ચાર પવિત્ર સરોવરો પૈકીનું એક ‘બિંદુ’ સરોવર આ નગર ખાતે આવેલું છે. સિદ્ધપુરની વહોરવાડ બેનમૂન સ્થાપત્ય ધરાવતાં મકાનો ધરાવે છે, જેનો સમાવેશ યુનોએ વિશ્વની વિરાસત(વર્લ્ડ હેરિટેજ)ની યાદીમાં કર્યો છે. આ નગર ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનું હોવાથી તેને પ્રવાસન-મથક તરીકે વિકસાવવામાં આવે તો તેનો વધુ વિકાસ થઈ શકે તેમ છે.
ઇતિહાસ : ઉત્તર ગુજરાતમાં આવેલું સિદ્ધપુર ‘શ્રીસ્થલ’ તરીકે પણ જાણીતું હતું. સોલંકી વંશના સ્થાપક મૂલરાજના ઈ. સ. 987ના દાનશાસનમાં સરસ્વતી નદી તથા રુદ્રમહાલય(રુદ્રમાળ)ના સંદર્ભ સાથેનો ઉલ્લેખ થયો છે. ‘શ્રીસ્થલક’ સિદ્ધપુર હોવાનું નિ:શંક છે. ‘પુરાતન પ્રબંધ સંગ્રહ’માં સિદ્ધરાજે દેવસૂરિના વચનથી સિદ્ધપુરમાં ચાર કમાડવાળું ચૈત્ય કરાવ્યાનું જણાવ્યું છે; ત્યાં હેમચંદ્રાચાર્ય અને રાજા કુમારપાલ સિદ્ધપુર ગયાનું નોંધવામાં આવ્યું છે.
આ સ્થાનનું પૂર્વે ‘શ્રીસ્થલ’ નામ હતું. તે મૂલરાજના સમયમાં પણ પ્રચલિત હતું. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહના સમયમાં તે સિદ્ધપુર તરીકે જાણીતું થયું. હાલમાં તે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાનું મુખ્ય મથક તથા યાત્રાનું કેન્દ્ર છે. આ સ્થળ માતૃશ્રાદ્ધ માટે પ્રસિદ્ધ છે. મૂલરાજ સોલંકીએ ઉત્તર ભારતમાંથી બ્રાહ્મણોને તેડાવી પોતાના રાજ્યમાં વસાવેલા અને તેઓને સિદ્ધપુર, સિહોર વગેરે ગામો દાનમાં આપેલાં એવી દંતકથા છે. તેણે સિદ્ધપુરમાં મૂલનારાયણનું મંદિર બંધાવ્યું હતું. સિદ્ધરાજે સરસ્વતીના કિનારે આવેલા રુદ્રમહાલયને મહાપ્રાસાદનું પૂર્ણ સ્વરૂપ આપ્યું અને શ્રીસ્થલ સિદ્ધરાજના નામ પરથી સિદ્ધપુર તરીકે જાણીતું થયું. તેણે સિદ્ધપુરમાં મહાવીરનું દેરાસર પણ બંધાવ્યું હતું. સિદ્ધપુરમાં મહાપ્રભુજીની બેઠક છે; ત્યાં વલ્લભાચાર્યે તીર્થયાત્રા દરમિયાન ભાગવત-પારાયણ કર્યું હતું. સિદ્ધપુરનો ઔદીચ્ય બ્રાહ્મણ અસાઇત ઠાકર (આશરે ઈ. સ. 1320-1390) લોકનાટ્ય અથવા ભવાઈના લેખક તરીકે પ્રસિદ્ધ છે. તે તરગાળા નાયકોનો આદ્યપુરુષ હતો અને તે વિવિધ પ્રકારનું સાહિત્ય આપી ગયો છે. એણે ભવાઈના 360 જેટલા વેશ લખ્યા હતા. એની રચેલી મનાતી ‘હંસાઉલિ’ મધ્યકાલીન ગુજરાતી કિંવા ‘ગુજર ભાષા’ની પ્રથમ ગણી શકાય એવી લૌકિક કથા છે. ઈ. સ. 1539માં ઇસ્માઇલી વહોરા પંથના વડા મુલ્લાજી સાહેબ યૂસુફ બિન સુલેમાન તુર્કોના જુલમને કારણે યમન છોડીને ભારત આવ્યા અને સિદ્ધપુરમાં ગાદી સ્થાપી. તેમના આગમનથી શિયાઓમાં નવો જુસ્સો ઉમેરાયો અને ઉત્તર ગુજરાતમાં આ પંથનો ફેલાવો થયો. સિદ્ધપુરમાં પ્રાચીન રુદ્રમાળના ખંડેરમાં મસ્જિદ બાંધવામાં આવી છે. સિદ્ધપુરની જામી મસ્જિદ રુદ્રમાળનાં 11 રુદ્રાલયો પૈકીનાં ત્રણનાં ગર્ભગૃહોના મંડપ આવરી લઈને ઈ. સ. 1645માં શાહજાદા ઔરંગઝેબના જમાનામાં બંધાઈ હતી. એ ત્રણ ગર્ભગૃહોની આગળના મંડપ દૂર કરી મસ્જિદનો લિવાન કરેલો છે.
પેશવા માધવરાવે એક સનદ દ્વારા સિદ્ધપુર સહિત બીજાં અનેક ગામો દામાજીરાવને મરાઠી ફોજના સરંજામ તથા ખર્ચ માટે 21 માર્ચ, 1763ના રોજ આપ્યાં હતાં. તે પછી ગાયકવાડને સિદ્ધપુર મફત ભેટ તરીકે આપવામાં આવ્યું હતું. સિદ્ધપુરમાં સરસ્વતીને સામે કાંઠે આવેલો મઠ ઇંદોરનાં મહારાણી અહિલ્યાબાઈએ ઈ. સ. 1795માં કરાવ્યો હતો. દીવાન બાબાજીએ 19મી સદીની શરૂઆતમાં અહીં સિદ્ધેશ્વર, ગોવિંદ માધવ તથા નીલકંઠ મહાદેવ નામે ત્રણ મંદિર બંધાવ્યાં હતાં.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ