સિડની બ્રેનર (જ. 13 જાન્યુઆરી 1927, જર્મિસ્ટન, સાઉથ આફ્રિકા; અ. 5 એપ્રિલ 2019 સિંગાપોર) : 2002ના નોબેલ પુરસ્કારના સહવિજેતા અંગ્રેજ આણ્વિક જીવવિજ્ઞાની. તેમણે 1954માં યુનિવર્સિટી ઑવ્ ઑક્સફર્ડમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1957માં તેમણે યુ.કે.માં મેડિકલ રિસર્ચ કાઉન્સિલ(MRC)માં કાર્યારંભ કર્યો. 1979–1986 સુધી તેની આણ્વિક જીવવિજ્ઞાનની પ્રયોગશાળાના અને 1986–1991 સુધી આણ્વિક જનીનવિજ્ઞાન એકમ(molecular genetics unit)ના નિયામક રહ્યા. 1996માં તેમણે કૅલિફૉર્નિયા-આધારિત મૉલિક્યૂલર સાયન્સીઝ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. 2000માં સૉક ઇન્સ્ટિટ્યૂટ ફૉર બાયૉલૉજિકલ સ્ટડીઝ, લા જોલા, કૅલિફૉર્નિયાના નામાંકિત સંશોધક પ્રાધ્યાપકનું પદ સ્વીકાર્યું.
મનુષ્યમાં પ્રક્રમિત (programmed) કોષ-મૃત્યુ(cell death)ના અભ્યાસ માટે બ્રેનર, સલ્સ્ટન અને હૉર્વિટ્ઝે Caenorhabditis elegans નામના સૂત્રકૃમિને પ્રાણી-નમૂના તરીકે પસંદ કર્યો. તે જમીનમાં થતો લગભગ સૂક્ષ્મ કૃમિ છે. 1960ના દસકામાં બ્રેનરને ખ્યાલ આવ્યો કે અસંખ્ય કોષો ધરાવતા ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં અંગવિકાસ અને સંબંધિત પ્રક્રિયાઓનો અભ્યાસ કરવો મુશ્કેલીભર્યો છે. C. elegans માત્ર 1069 કોષોથી જીવન શરૂ કરે છે. વળી, આ પ્રાણી પારદર્શક હોવાથી વિજ્ઞાનીઓ સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ કોષવિભાજનોને અનુસરી શકે છે. તે પ્રજનન ઝડપથી કરે છે અને તેની ઓછા ખર્ચે જાળવણી થઈ શકે છે. આ સંશોધકોના અવલોકન અનુસાર, પ્રક્રમિત કોષ-મૃત્યુ દ્વારા C. elegans-માં 131 કોષોનું વિલોપન થાય છે. તેથી આ કૃમિ પુખ્તાવસ્થામાં 959 દેહકોષો ધરાવે છે. બ્રેનરનાં સંશોધનોએ દર્શાવ્યું કે આ કૃમિમાં રાસાયણિક સંયોજન દ્વારા જનીનિક વિકૃતિઓ પ્રેરી શકાય છે. આ વિકૃતિઓની અંગવિકાસ ઉપર વિશિષ્ટ અસરો થાય છે.
2002માં સિડની બ્રેનર, સર જ્હૉન સલ્સ્ટન અને એચ. રૉબર્ટ હૉર્વિટ્ઝને સંયુક્તપણે દેહધર્મવિદ્યા/આયુર્વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો. તેમને આ પુરસ્કાર પ્રક્રમિત કોષ-મૃત્યુ કે ઍપોપ્ટોસિસ(apoptosis)ની ચાવીરૂપ ક્રિયાવિધિ દ્વારા જનીનો પેશી કે અંગવિકાસનું કેવી રીતે નિયમન કરે છે – તે અંગેનાં સંશોધનો બદલ એનાયત કરવામાં આવ્યો છે. તેમના સંશોધને સ્પષ્ટ કર્યું છે કે સુંદર સુમેળભરી આ પ્રક્રિયા દરમિયાન કેટલાક કોષો યોગ્ય સમયે અને સ્થાને આત્મહત્યા કરવા માટે સંકેત પ્રાપ્ત કરે છે. ‘આ અન્વેષણો આયુવિજ્ઞાનનાં સંશોધન માટે મહત્વનાં છે અને તેમણે ઘણા રોગોના રોગજનન (pathogenesis) ઉપર નૂતન પ્રકાશ ફેંક્યો છે.’ – એવું તારણ નોબેલ-સભા(કૅરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ, સ્ટૉકહોમ)એ આપ્યું છે.
બળદેવભાઈ પટેલ