સિડેનહામ થૉમસ

January, 2008

સિડેનહામ થૉમસ (. 1624, વિન્ફોર્ડ ઈગલ, ડોર્સેટ, ઇંગ્લૅન્ડ; . 29 ડિસેમ્બર 1689, લંડન) : ચિકિત્સક. તેઓ નિદાનાત્મક આયુર્વિજ્ઞાન (clinical medicine) અને મહામારીવિજ્ઞાન-(epidemiology)ના સ્થાપક તરીકે જાણીતા હતા. તે દર્દીઓનાં વિસ્તૃત અવલોકનો પર ભાર મૂકતા હતા અને તેમણે તે વિશેની સચોટ નોંધો જાળવી હતી. તેમને ‘અંગ્રેજ હિપૉક્રટીસ’ તરીકે ઓળખાવવામાં આવે છે.

સિડેનહામ થૉમસ

ઇંગ્લૅન્ડના આંતરવિગ્રહ દરમિયાન તેમણે સંસદતરફી ભાગ લીધો હતો, તેથી તેમનો ઑક્સફર્ડ યુનિવર્સિટીનો આયુર્વિજ્ઞાનનો અભ્યાસ વિલંબમાં પડ્યો હતો. તેમણે 1648માં એમ.બી.ની ઉપાધિ પ્રાપ્ત કરી અને લંડનમાં 1656માં વ્યવસાયનો પ્રારંભ કર્યો, જ્યાં તેમણે મહામારીવિજ્ઞાનનો ચોકસાઈથી અભ્યાસ કર્યો. આ કાર્ય ‘તાવ’ (fevers) પરના તેમના પુસ્તક માટે પાયારૂપ બન્યું અને તેનું ‘ઑબ્ઝર્વેશન્સ મેડિસિન’ નામના બે સદીથી આધારભૂત ગણાતા પાઠ્યપુસ્તકમાં વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું હતું. તેમનો ‘ગાઉટ’ પરનો વિવરણગ્રંથ ઉચ્ચકોટિનો ગણાય છે.

તેમણે સિંદૂરિયા તાવ(scarlet fever)નું સૌપ્રથમ વાર વર્ણન કર્યું; ઓરી (measles) સાથેનો ભેદ દર્શાવ્યો અને નામ આપ્યું. તેમણે વાઈ અને સિડેનહામ કોરિયાની પ્રકૃતિ વિશે સમજૂતી આપી અને ચિકિત્સામાં અફીણનો ઉપયોગ શરૂ કર્યો. લોહતત્ત્વની ખામીથી થતી અરક્તતા(anemia)ની ચિકિત્સામાં લોહતત્ત્વનો અને મલેરિયામાં ક્વિનાઇનનો ઉપયોગ તેમણે શરૂ કર્યો.

સિડેનહામ તેમના સાથીઓના ઉપહાસોને લીધે તેમના સમયના પરિકલ્પિત (speculative) સિદ્ધાંતોથી નિષ્પક્ષ રહ્યા. તેનો તેમને પુષ્કળ લાભ થયો.

બળદેવભાઈ પટેલ