સિકંદર સાની (1979) : નવલકથાકાર, કવિ, નાટ્યકાર, રઘુવીર ચૌધરીનું ઐતિહાસિક નાટક. બીજો સિકંદર એટલે કે સિકંદર-ઓ-સાની બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા સરમુખત્યાર અલાઉદ્દીન ખલજીની જીવનઘટનાઓને આધારે, કલાકાર અમીર ખુશરોની દૃષ્ટિએ આ નાટકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. ખુશરો એક નાટક લખી રહ્યા છે, અને એનાં દૃશ્યો વચ્ચે વચ્ચે ભજવાતાં રહે છે. એનું બળૂકું દૃશ્યપ્રતીક અરીસાની માણસકદની ફ્રેમથી વ્યક્ત થાય છે, જેમાં અતૃપ્તિની વેદના, નિષ્ફળતાની છાયા અને પરાજયની અપકીર્તિ પ્રસ્તુત થઈ છે. પરિણામે અલાઉદ્દીન ખલજી ખલનાયકને બદલે કારુણ્યમૂર્તિ તરીકે વિકસે છે. આંતરનાટ્ય એ આ કૃતિનું સબળ પાસું છે અને અલાઉદ્દીન ખુશરો, પદ્મિની, કાફૂર વગેરે પાત્રો કોઈ પણ નટને આકર્ષે એટલાં વિકસિત થયાં છે. 1979ના ફેબ્રુઆરીમાં દિગ્દર્શક જશવંત ઠાકરે એની પ્રસ્તુતિ કરી હતી અને સુંદર દૃશ્યબંધની રચના કરી હતી. એ પ્રસ્તુતિમાં વાચિક અભિનય ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. 1996માં વડોદરાની ત્રિવેણી સંસ્થા દ્વારા પી. એસ. ચારીએ આ નાટકની બીજી વાર પ્રસ્તુતિ કરી હતી. રઘુવીર ચૌધરીનાં નાટકોમાં અને ગુજરાતનાં ઐતિહાસિક નાટકોમાં, ‘સિકંદર સાની’ વિશેષ ભાવે ધ્યાનાર્હ બની રહે છે.

હસમુખ બારાડી