સિંહા ભુવનેશ્વરપ્રસાદ
January, 2008
સિંહા, ભુવનેશ્વરપ્રસાદ (જ. 1 ફેબ્રુઆરી 1899; અ. ?) : ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. પ્રારંભિક, માધ્યમિક અને કૉલેજશિક્ષણ પટણા ખાતે લીધું તેમજ 1919માં પટણા કૉલેજમાંથી સ્નાતક બન્યા ત્યારે તેઓ સર્વોચ્ચ ક્રમાંક-સ્થાન ધરાવતા હતા. 1921માં તેમણે અનુસ્નાતક પદવી મેળવી અને ત્યારબાદ કાયદાના સ્નાતક બન્યા. પટણાની વડી અદાલતથી પોતાની કારકિર્દીનો આરંભ કરી 1922થી 1927નાં વર્ષો સુધી ત્યાં કામ કર્યું. 1935 સુધી ઍડ્વોકેટ તરીકે કામગીરી કરવા સાથે પટણાની ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. શૈક્ષણિક ક્ષેત્રે તેમણે પટણા યુનિવર્સિટીની કાયદા-શાખાના સભ્ય તરીકે તેમજ બનારસ હિંદુ યુનિવર્સિટીની કોર્ટના સભ્ય તરીકે સેવાઓ આપી હતી. 1935-39 દરમિયાન સરકારી વકીલ અને 1940-42 દરમિયાન મદદનીશ સરકારી ઍડ્વોકેટ રહ્યા.
1943-51 દરમિયાન તેમણે પટણાની વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે અને 1951-54 દરમિયાન નાગપુર વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવાઓ આપી. ડિસેમ્બર, 1954થી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે અને ઑક્ટોબર, 1959થી જાન્યુઆરી, 1964 સુધી ભારતની સર્વોચ્ચ અદાલતના સર્વોચ્ચ ન્યાયાધીશપદે સેવાઓ આપી નિવૃત્ત થયા.
રક્ષા મ. વ્યાસ