સિંહાનુક નોરોદોમ (. 31 ઑક્ટોબર 1922, ફેનોમ પેન્હ, કંબોડિયા) : કંબોડિયાના રાજા, વડાપ્રધાન, રાજ્યના વડા અને પ્રમુખ. તેમનું પૂરું નામ સામદેહ પ્રીચ નોરોદોમ સિંહાનુક. 1941માં માત્ર 18 વર્ષની વયે તેઓ ગાદીનશીન થયા હતા. 1955 સુધી તેઓ રાજા રહ્યા.

સિંહાનુક નોરોદોમ

બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન જાપાનના ઉત્તેજનથી તેમણે કંબોડિયાની સ્વતંત્રતા ઘોષિત કરી; પરંતુ ફ્રેંચ સામ્રાજ્યવાદીઓને તે મંજૂર નહોતું, તેથી ફ્રેંચ લશ્કરી દળો મોકલીને પરિસ્થિતિને થાળે પાડવામાં આવી. 1950ના દસકામાં એશિયાના નાના-મોટા દેશો સ્વતંત્ર થવા લાગ્યા ત્યારે ફ્રાંસે 1954માં હિંદી ચીન વિસ્તારમાંથી દળો પાછાં ખેંચ્યાં અને 1955માં કંબોડિયાની સ્વતંત્રતાની ઘોષણા કરવામાં આવી. 1955માં સંગકુમ રિસ્ટ્ર નિયુમ (Sangkum Reastr Niyum – People’s Socialist Community) સંગઠનની સ્થાપના કરવામાં આવી. પ્રિન્સ સિંહાનુકે સૂચવેલા એક કાર્યક્રમ અંગે રેફરન્ડમ દ્વારા સમગ્ર દેશમાંથી વ્યાપક સંમતિ મેળવવામાં આવી. તે સંમતિ અનુસાર તેમણે તેમના પિતાને સત્તાનાં સૂત્રો સોંપ્યાં અને તેઓ પોતે વડાપ્રધાન અને વિદેશમંત્રી બન્યા. તે પછી તુરત જ તેઓ યુનોમાં દેશના પ્રતિનિધિ તરીકે રહ્યા. 3 એપ્રિલ, 1960ના રોજ તેમના પિતા અને કંબોડિયાના રાજાનું અવસાન થતાં તેઓ ખુદ રાજ્યના વડા બન્યા.

1970માં કંબોડિયાના લશ્કરના વડા જનરલ લોન નોલે બળવો કરતાં તેઓ સત્તા છોડી ભાગી ગયા અને પૅકિંગમાં રહ્યા. ત્યાં ભૂગર્ભમાં રહી ‘ખ્મેર રુજ’ (સામ્યવાદીઓ) વતી પ્રચારકાર્ય કર્યું. આ સામ્યવાદી સંગઠનની મદદથી 1975માં લોન નોલને ઉથલાવી, સ્વદેશ આવી વડાપ્રધાનપદ ધારણ કર્યું. જોકે, થોડા જ સમયમાં આ સંગઠનના નેતા પોલ પોટે તેમને રાજીનામું આપવાની ફરજ પાડેલી. તે પછી પોલ પોટે સત્તાનાં સૂત્રો ગ્રહણ કર્યાં અને સિંહાનુકને નજરકેદ કર્યા; પરંતુ યુનો ખાતે પોલ પોટનું સમર્થન કરવા સિંહાનુકની મદદની જરૂર હોવાથી 1979માં તેમને મુક્ત કરવામાં આવ્યા.

ત્યારબાદ તેમણે પૅકિંગ અને ઉત્તર કોરિયાના પ્યૉંગયૉંગ સાથેના સંબંધો મજબૂત કર્યા. પશ્ચિમના દેશોની વિવિધ રાજધાનીઓની મુલાકાત લઈ તેમણે પશ્ચિમની નજરે પોતાનું સ્થાન મજબૂત કર્યું તેમજ કંબોડિયાની એકમાત્ર આશા તરીકે ખુદને ભાવિ શાસક તરીકે વ્યક્ત કર્યા. તેમની આ ચાલ સફળ નીવડી અને 1982માં ફરી તેમને સત્તા સાંપડી. તેઓ સંયુક્ત પક્ષો દ્વારા રચાયેલી સરકારના પ્રમુખ બન્યા. જુલાઈ, 1993માં તેમનો પુત્ર પ્રિન્સ રણરિદ્ધ સિંહાનુક વડાપ્રધાન બન્યો અને તેઓ રાજા તરીકે ચૂંટાઈ આવ્યા. 1996માં તેમના રૉયલિસ્ટ પક્ષને બહુમતી સાંપડી. આ ગાળા દરમિયાન તેઓ બ્રેઇન ટ્યુમરથી પીડાતા હોવાથી સત્તાત્યાગ કરશે એવી જાહેરાત કરવામાં આવી હતી. છેવટે ઑક્ટોબર, 2004માં તેમણે સત્તાત્યાગ કર્યો.

રક્ષા મ. વ્યાસ