સિંહનાદ : મહાયાન સંપ્રદાયમાં અવલોકિતેશ્વરનું રોગવિનાશક ઉગ્ર સ્વરૂપ. અવલોકિતેશ્વર બોધિસત્વ તરીકે ચીન, જાપાન, તિબેટ તેમજ પ્રાચીન ભારતમાં ખૂબ લોકપ્રિય હતા. ધ્યાની બુદ્ધ અમિતાભ અને તેમની બુદ્ધશક્તિ પાંડરામાંથી પ્રગટેલા અવલોકિતેશ્વરનાં બધાં સ્વરૂપોમાં મસ્તક પર ધ્યાની બુદ્ધ અમિતાભને ધારણ કરેલા બતાવાય છે. એમનાં પૂજાતાં વિવિધ સ્વરૂપો પૈકી પંદર સ્વરૂપોનું સાધનમાલામાં નામજોગ વર્ણન મળે છે. એમાં સિંહનાદ સ્વરૂપ તિબેટ અને ચીનમાં વિશેષ લોકપ્રિય હોવાનું જણાય છે. રક્તપિત્ત નામના ભયંકર રોગનું નિવારણ કરવા માટે એમની પૂજા-ઉપાસના ખાસ કરવામાં આવતી જણાય છે. સિંહનાદનું મૂર્તિવિધાન આ મુજબ છે : તેઓ શ્વેતવર્ણના છે, ત્રિનેત્ર છે. માથે જટામુકુટ ધારણ કરે છે. શરીર પર અલંકારો ધારણ કરતા નથી.
માત્ર વ્યાઘ્રચર્મ ધારણ કરે છે. તેમનું વાહન સિંહ છે. જમણા હાથમાં સર્પથી વીંટાળેલ ત્રિશૂળ અને ડાબા હાથમાં પદ્મ ઉપર ખડ્ગનું અંકન કરેલું હોય છે. નેપાળના પાટન વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ વિહારમાં આ સ્વરૂપની બે પ્રતિમાઓ દર્શનીય છે.
પ્રવીણચંદ્ર પરીખ