સિંધુ, પી. વી. (જ. 5 જુલાઈ 1995, હૈદરાબાદ) : બૅડમિન્ટનના જાણીતા ખેલાડી. પિતાનું નામ પી. વી. રામન્ના અને માતાનું નામ પી. વિજયા.
વૉલીબૉલ ખેલાડી માતા-પિતાની સંતાન સિંધુનું બાળપણ હૈદરાબાદમાં જ પસાર થયું. સિંધુના પિતા 1986થી એશિયન ગેઇમ્સમાં ભારતીય વૉલીબૉલ ટીમના સભ્ય હતા. તેમની ટીમે બ્રૉન્ઝ મેડલ પણ જીત્યો હતો. ખેલકૂદમાં તેમના પ્રદાન બદલ 2000માં અર્જુન ઍવૉર્ડ પણ મળેલો.
પ્રાથમિક શિક્ષણ તેમજ કૉલેજ શિક્ષણ હૈદરાબાદમાં લીધા પછી સિંધુએ બૅડમિન્ટનમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. આઠ વર્ષની વયથી જ તેણે બૅડમિન્ટન રમવાની શરૂઆત કરી. રમતની શરૂઆતની તાલીમ તથા માર્ગદર્શન મહેબૂબ અલી પાસેથી મેળવ્યાં પછી ગોપીચંદ બૅડમિન્ટન એકૅડેમીમાં જોડાઈ. કદી હાર ન માનવાની સિંધુની રીતથી કોચ ખૂબ પ્રભાવિત થયા. અહીં તેણે કેટલાંક ટાઇટલ્સ પણ જીત્યા. 13 વર્ષથી નાની વયની સ્પર્ધામાં તેણે સિંગલ્સ ટાઇટલ પુદુચેરીમાં જીત્યા પછી 51મા નૅશનલ સ્ટેટ ગેઇમ્સમાં 14 વર્ષથી નાની વયના ખેલાડીઓ માટેની સ્પર્ધામાં તેણે સુવર્ણચંદ્રક મેળવ્યો.
માત્ર 14 વર્ષની વયથી જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં રમવાનું શરૂ કરનાર સિંધુએ 2009માં કોલંબોમાં રમાયેલ સબ-જુનિયર એશિયન બૅડમિન્ટન સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો. ત્યારબાદ 2010ની ઈરાન Fajr ઇન્ટરનેશનલ બૅડમિન્ટન ચેલેન્જમાં સિંગલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો. 2011ના જૂનમાં માલદીવ ઇન્ટરનેશનલ ચેલેન્જમાં પી. ટી. થુલસીને હરાવી ત્યારબાદ તરત જ ઇન્ડોનેશિયા ઇન્ટરનેશનલ ચેલેન્જમાં પણ વિજેતા બની.
2012ના ડિસેમ્બરમાં લખનઉમાં આયોજિત સૈયદ મોદી ગ્રાન્ડપ્રીક ગોલ્ડ ઇવેન્ટમાં રનરઅપ રહી ત્યારબાદ 2013માં મલેશિયન ગ્રાન્ડપ્રીક ગોલ્ડ ટાઇટલમાં સિંગાપોરની ગુ. જુઆન(Gu. Juan)ને હરાવી સૌપ્રથમ વખત ગ્રાન્ડપ્રીક ગોલ્ડ ટાઇટલમાં વિજેતા બની. ત્યારબાદ 2013ની વિશ્વ ચૅમ્પિયનશિપમાં બીજા રાઉન્ડમાં જાપાનના ખેલાડીને હરાવી ત્રીજા રાઉન્ડમાં પહોંચી. અહીં ચીનના ખેલાડીને માત્ર 54 મિનિટમાં પરાજિત કરી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી. અહીં ચીનના ખેલાડી વાંગ સિક્ષિન(Wang Shixian)ને હરાવી વિશ્વ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપના સિંગલ સ્પર્ધામાં મેડલ મેળવનાર ભારતની માત્ર બીજી ખેલાડી બની. આ અગાઉ 1983માં પ્રકાશ પદુકોણે આ સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. સિંધુની આવી સિદ્ધિઓને ધ્યાનમાં લઈ 2013માં ભારત સરકારે તેને અર્જુન ઍવૉર્ડથી સન્માનિત કરી.
ઑક્ટોબર 2015માં સિંધુ ડેન્માર્ક ઓપનમાં સૌપ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશી. આ સુપર સિરીઝમાં તેણે તેની ત્રણ પ્રતિસ્પર્ધીઓ Tai Tzu Ying, Wang Yihan અને Caroling Marinને હરાવી હતી, પરંતુ ફાઇનલમાં તે અગાઉની ચૅમ્પિયન સામે સીધા સેટમાં 19-21 અને 12-21થી પરાજિત થઈ, પરંતુ ત્યારબાદ નવેમ્બરમાં મકાઉ ઓપન ગ્રાન્ડપ્રીક ગોલ્ડમાં ફાઇનલમાં જાપાનની મીનાત્સુ મિતાની(Minastu Mitani)ને હરાવી સતત ત્રીજી વખત મહિલાઓની સિંગલ્સ સ્પર્ધામાં વિજેતા બની. સિંધુની આવી સિદ્ધિઓને લક્ષમાં લઈ ભારત સરકારે તેને 2015માં ‘પદ્મશ્રી’ના ઍવૉર્ડથી સન્માનિત કરી.
વર્ષ 2016માં સૌપ્રથમ જાન્યુઆરીમાં મલેશિયા માસ્ટર્સ ગ્રાન્ડપ્રીક ગોલ્ડની મહિલાઓની સિંગલ્સ સ્પર્ધામાં સ્કોટલૅન્ડની કીરસ્ટી ગીલમોહને હરાવી વિજેતા બની. ત્યાર પછીની એશિયન ચૅમ્પિયનશિપમાં બીજા રાઉન્ડમાં તેની હરીફ Tai Tzu Yingના હાથે રસાકસી ભરી રમતમાં પરાજિત થઈ. જોકે ત્યારબાદ પ્રીમિયર બૅડમિન્ટન લીગમાં તે ચેન્નાઈ સ્મેશર્સ ટીમની કૅપ્ટન બની. અહીં તે ગ્રૂપ લીગની પાંચેય મૅચમાં વિજેતા બની અને અંતે સેમીફાઇનલ જીતી. ફાઇનલમાં મુંબઈ રીકેટ્સને હરાવી ટુર્નામેન્ટ જીતી લીધી.
2016ની રીઓ-ડી-જાનેરોની ઑલિમ્પિક સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં મહિલાઓની સિંગલ્સ સ્પર્ધામાં ફાઇનલમાં સ્પેનની કરોલિના મફીનના હાથે 83 મિનિટ સુધી ઝઝૂમી અંતે પરાજય પામી, પરંતુ ભારત માટે તેણે રજત ચંદ્રક મેળવ્યો. અને આજ વર્ષે ભારતનો રમતગમતનો શ્રેષ્ઠ પુરસ્કાર ‘મેજર ધ્યાનચંદ ખેલરત્ન’ પણ મળ્યો (29 ઑગસ્ટ, 2016).
2017નું વર્ષ સિંધુ માટે અનેક સિદ્ધિઓ લાવ્યું. સૌપ્રથમ તેણે સૈયદ મોદી ઇન્ટરનેશનલમાં ઇન્ડોનેશિયાની જ્યોર્જિયા મારિસ્કાનને ફાઇનલમાં પરાજિત કરી. ત્યારપછી ઇન્ડિયા ઓપન સુપર સિરીઝમાં તેણે સીધા સેટમાં કારોલિના મરીનને હરાવી. એપ્રિલમાં તેણે પોતાની કારકિર્દીનું શ્રેષ્ઠ રેન્કિંગ મેળવ્યું (નંબર-2). હવે તેની નજર સ્કોટલૅન્ડમાં રમાનાર વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઉપર હતી. આ સ્પર્ધાની ફાઇનલમાં તેનો મુકાબલો નોઝોમી ઓકુહારા સામે હતો. ખૂબ જ રસાકસી ભરી 110 મિનિટની રમતમાં પ્રથમ સેટમાં 19-21થી પરાજિત થઈ તો બીજા સેટમાં 22-20થી વિજેતા બની. અંતે ત્રીજા સેટમાં 20-22થી પરાજિત થતાં તેને રજતચંદ્રકથી સંતોષ માનવો પડ્યો. જોકે ત્યાર પછીની 2017ની કોરિયા ઓપન સુપર સિરીઝમાં ઓકુહારાને હરાવી કોરિયા ઓપન સ્પર્ધા જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની. ઑગસ્ટમાં આંધ્રપ્રદેશના ક્રિશ્ના જિલ્લાની ડેપ્યુટી કલેક્ટર બનનાર સિંધુએ ત્યારપછીની દુબઈ વર્લ્ડ સુપર સિરીઝ ફાઇનલ્સની તમામ ગ્રૂપ મૅચમાં વિજય મેળવ્યો. સેમી ફાઇનલમાં ચેન યુફી(Chen Yufei)ને હરાવી ફાઇનલમાં પહોંચી. અહીં તેનો મુકાબલો જાપાનની સાથે હતો. 94 મિનિટ અને 3 સેકન્ડના અંતે સિંધુને રજત ચંદ્રકથી સંતોષ મેળવવો પડ્યો.
કોરોનાના કારણે 2020માં જાપાનમાં રમાનાર ઑલિમ્પિક સ્પર્ધા થોડા સમય માટે મુલતવી રહી. અંતે 2021માં જ્યારે સ્પર્ધા શરૂ થઈ તો સિંધુએ અહીં પણ પોતાના ગ્રૂપની તમામ મૅચમાં વિજય મેળવી સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. સિંધુ ભારતની એક માત્ર ખેલાડી બની જેણે બે ઑલિમ્પિક સ્પર્ધામાં સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હોય. સેમીફાઇનલમાં બે સીધા સેટમાં Tai Tzu Ying સામે 18-21, 12-21થી પરાજિત થયેલ સિંધુએ ચીનની ખેલાડીને પ્લેઑફમાં હરાવી સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો. તે ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની, જેણે સતત બે ઑલિમ્પિક સ્પર્ધામાં મેડલ મેળવ્યા હોય. ભારત સરકારે ફરી એક વખત સિંધુની સફળતાઓથી પ્રેરાઈને વર્ષ 2020માં તેને પદ્મભૂષણથી સન્માનિત કરી.
2022માં સિંધુ સૈયદ મોદી ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ફાઇનલમાં માલવિકા બન્સોદને હરાવી બીજી વખત આ સ્પર્ધામાં વિજેતા બની. ત્યારબાદ સ્વીસ ઓપનમાં થાઇલૅન્ડની ખેલાડીને બે સીધા સેટમાં હરાવી આ સ્પર્ધા પણ જીતી લીધી. રમત પ્રત્યેના તેના આવા અભિગમ અને સફળતાને લીધે માર્ચ 2017ના ‘ઇકૉનૉમિક ટાઇમ્સે’ પ્રસિદ્ધ કરેલ અહેવાલ પ્રમાણે તે ભારતમાં ક્રિકેટર વિરાટ કોહલી પછી બીજા નંબરની કમાણી કરનાર ખેલાડી હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસફૉર્સ અને વિઝંગ સ્ટીલ(Vizug-Steel)ની બ્રાન્ડ ઍમ્બેસેડર સિંધુની કારકિર્દીમાં હજુ ઘણી સિદ્ધિઓ મેળવવાની છે.
જગદીશ શાહ