સિંધુરાજ (શાસનકાળ લગભગ ઈ. સ. 995-1000)

January, 2008

સિંધુરાજ (શાસનકાળ લગભગ . . 995-1000) : પરમાર વંશનો માળવાનો રાજા. મુંજ પછી તેનો નાનો ભાઈ સિંધુરાજ ઉર્ફે સિંધુલ માળવાની ગાદીએ બેઠો. તેણે ‘કુમારનારાયણ’ તથા ‘નવસાહસાંક’ ખિતાબો ધારણ કર્યા હતા. કલ્યાણીના ચાલુક્ય વંશના રાજા સત્યાશ્રયને તેણે પરાજય આપ્યો અને પરમારોએ ગુમાવેલાં રાજ્યો પોતાના અંકુશ હેઠળ લઈ લીધાં.

સિંધુરાજે નાગવંશના રાજાને અનાર્ય ટોળીના નેતા વજાંકુશ સામેની લડાઈમાં મદદ કરી અને વજાંકુશની હત્યા કરી. તેની કદર કરીને નાગવંશના રાજાએ તેની દીકરી શશીપ્રભાને સિંધુરાજ સાથે પરણાવી. ઘણુંખરું આ જ લડાઈમાં સિંધુરાજે દક્ષિણ કોસલના સોમવંશીઓ, કોંકણના શિલાહારો તથા હૂણમંડળના સેનાપતિને પરાજય આપ્યો. તેણે દક્ષિણ ગુજરાતનો પ્રદેશ (લાટ પ્રદેશ) પણ કબજે કર્યો હતો; પરંતુ ઉત્તર ગુજરાત પર શાસન કરતા ચૌલુક્ય (સોલંકી) રાજ્ય ઉપર કબજો મેળવવામાં તેને નિષ્ફળતા મળી. તેનું અવસાન આશરે ઈ. સ. 1000માં થયા પછી તેનો પુત્ર ભોજ ગાદીએ બેઠો.

સિંધુરાજનાં પરાક્રમોનું વર્ણન કરતો ‘નવસાહસાંકચરિત્ર’ નામનો પ્રસિદ્ધ ગ્રંથ પદ્મગુપ્તે લખ્યો હતો.

જયકુમાર ર. શુક્લ